આવી રૂડી આંબાલિયા ડાળ, સરોવરિયા પાળ

આવી રૂડી આંબાલિયા ડાળ, સરોવરિયા પાળ
મૂકીને કોયલ ક્યા ગ્યાતા રે…

અમે ગ્યા’તા મગનભાઈના બંગલે રે
ત્યાં રૂડા લગ્નગીતો ગવાય
સાંભળવાને ત્યાં ગ્યા’તા રે….. આવી રૂડી…

અમે ગ્યા’તા મગનભાઈના બંગલે રે
એમના ઘેર મીઠા બોલી નાર
જોવાને અમે ત્યાં ગ્યા’તા રે…
મીઠુ મીઠુ બોલેને મોતી ઝારે રે
હીરા-માણેક તપે રે લલાટ
જોવાને અમે ત્યાં ગ્યા’તા રે…. આવી રૂડી….

અમે ગ્યા’તા મગનભાઈના બંગલે રે
નાણાવટીયા બેઠા સારી રાત
જોવાને અમે ત્યાં ગ્યા’તા રે…
ખાજાના વાર્યા છે ખરખળા રે
લાડુએ બાંધી છે પાળ
જોવાને અમે ત્યાં ગ્યા’તા રે….. આવી રૂડી….

અમે ગ્યા’તા વેવાઈને છાપરે રે
એમના ઘરે ઘૂરકા બોલી નાર
જોવાને અમે ત્યાં ગ્યા’તા રે…
ઘુરકુ ઘુરકુ બોલે ને હેત નહિ રે….
જુઓ, તીખો તપે રે લલાટ
જોવાને અમે ત્યાં ગ્યા’તા રે….
છાણાના વાર્યા છે ખરખલા રે
ઢેખાળે બાંધી છે પાળ
જોવાને અમે ત્યાં ગ્યા’તા રે…. આવી રૂડી…