દિશાહીન શ્રદ્ધા ડૂબે છે

અમે જિંદગીનાં ઘણાં અર્ધસત્યો,
ચિરંતન ગણીને ચણ્યાં'તાં મિનારા;
પરંતુ દિશાહીન શ્રદ્ધા ડૂબે છે,
મળ્યા ના સમંદર મહીં ક્યાંય આરા.

ભટકતો રહ્યો છું મહા રણમહીં હું,
તૃષાતુર કંઠે લઈ કાળ કાંટા;
મળ્યા તો મળ્યા સાવ જૂઠા સહારા,
પડ્યા તો પડ્યા ઝાંઝવાથી પનારા.

અમે કૈંક જોયા નજરની જ સામે,
ચમકતા હતા જેમના ભાગ્ય-તારા;
પરંતુ પતન જ્યાં થયું ત્યાં બિચારા,
કફન માપસરનું ન પામ્યા દુલારા.

કદાચિત મળી જાય મોતી અમૂલાં,
લઈ આશ મઝધાર આવ્યા હતા, પણ
નિહાળ્યું સમંદરનું રેતાળ હૈયું,
અને દૂર દીઠા છલકતાં કિનારા.

પરાયા બનીને નિહાળી રહ્યા છે,
અમારા જીવનની હરાજીના સોદા;
અને તે ય જાહેરમાં, જે સ્વજનને
અમે માનતા'તા અમારા અમારા.

‘જિગર’ કોઈની ના થઈ, ને થશે ના,
સમયની ગતિ છે અલૌકિક-અજાણી;
અહીં કૈંક સંજોગના દોરડાંથી,
નથાઈ ગયા કાળને નાથનારા!

-જમિયત પંડ્યા ‘જિગર’

સહિત્યનો પ્રકાર: