પરોઢ

વીણીને વ્યોમમાંથી હલચલ કરતા
તારલા મત્સ્ય જેવા,
માછીકન્યા સમી ઓ ! તરલ ડગ ભરી
યામિની જાય ચાલી.

ધીરે ધીરે ઉપાડે તિમિરજવનિકા
કોક અદષ્ટ હસ્તો,
ને લીલા પાર્શ્વભૂની અવનવ પ્રગટે તેજ અંધાર ગૂંથી.

પ્રાચીને પોણ્ય ક્યારે કિરણટશરના
કેવડા રમ્ય ફૂટે,
સૂતું ઉત્થાન પામે સચરાચર સૌ,
નીંદનાં ઘેન પામે.
માળામાં પંખી જાગે, મધુર રણકતી ઘંટડી દૂર વાગે,
ટૌકો ઊંડો ગજાવે ગગનપટ ભરી ફૂટડી ક્રૌંચ જોડી.

લાજાળુ નારીવૃન્દો શિર પર ગગરી લઇ આવે ઉમંગે,
ભાગોળે વેણુ વાતા ધણ લઇ
નીસરે છેલડા ગોપબાલો.

મીઠેરી મર્મરોની મનહર મુરલી માતરિશ્વા બજાવે,
પર્ણે પર્ણે ફરૂકે સભર વિલસતાં સૂર્યના ભર્ગરશ્મિ.
પોઢેલો જેમ પેલો શતદલકમલે મૂર્છના ભૃંગ ત્યાગે,
જાગે શો પ્રાણ મારો, અભિનવ ઝીલતો
તેજના રાશિ ભવ્ય !

સહિત્યકાર: