ઝવેરચંદ મેઘાણી

ફોટો: 
પુરસ્કાર: 

વર્ષા

ભીડેલા આભને ભેદી કો’ રાજબાળ તાળીઓ પાડતી છૂટી,
બાપુના લાખ લાખ હેમર હાથીડલા હાંકતી હાંકતી છૂટી.

ઘાટા અંબોડલાની મેલી લટ મોકળી, રંગભરી રાસડે ઘૂમે,
લૂંબઝૂંબ તારલાના ટેટા ઝંઝેડતી, ચાંદા સૂરજને ચૂમે.

રુંધ્યાં જોબન એના જાગી ઊઠ્યાં રે આજ, કાજળ ઘૂંટે છ (છે) કાઠિયાણી,
નવરંગી ચૂંદડીના ચીરા ઉરાડતી (ઊડાડતી) કોને ગોતે છ મસ્તાની !

કોને પાવાને કાજ સંચી રાખેલ હતી આ વડલાની દૂધની કટોરી!
ચાંદા-સૂરજની ચોકી વચ્ચેય તુંને કોણ ગયું શીખવી ચોરી !

સંધ્યાને તીર એક બખ્તરિયો જોધ ને ઘોડલાની જોડ મેં દીઠી;
એની બેલાડમ ચડી, ક્યાં ચાલી એકલી, ચોળી તું તેજની પીઠી ?

શિવાજીનું હાલરડું

આભમાં ઉગેલ ચાંદલો ને જીજીબાઈને આવ્યા બાળ
બાળુડા ને માત હિંચોળે
ઘણણણ ડુંગરા બોલે !
શિવાજીને નીંદરૂ ના’વે,
માતા જીજીબાઈ ઝૂલાવે.

પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ લખમણની વાત
માતાજીને મુખ જે દી થી,
ઊડી એની ઉંઘ તે દી થી…. શિવાજીને ….

પોઢજો રે મારા બાળ ! પોઢી લેજો પેટ ભરીને આજ
કાલે કાળા જુધ્ધ ખેલાશે
સુવાટાણું ક્યાંય ન રે’શે…. શિવાજીને ….

ધાવજો રે, મારા પેટ ! ધાવી લેજો ખૂબ ધ્રપીને આજ
રેશે નહીં રણ ઘેલુડા
ખાવા મુઠ્ઠી ધાનની વેળા …. શિવાજીને ….

ખમા ! ખમા ! લખ વાર

બીજાંને બકરાં કરી, આપ બને ગોવાળ,
બીજાં સબ કંગાલ ને પોતે પાલનહાર :
લ્યાનત હજો હજાર એહવા આગેવાનને :
બીજાંને બથમાં લઇ થાપા થાબડનાર,

પોતાંના વડિયાં કરે કદમે રમતાં બાળ :
ખમા ! ખમા ! લખ વાર એહવા આગેવાનને.
સિંહણ-બાળ ભૂલી ગયાં ખુદ જનનીની કૂખ,
આતમ-ભાનની આરસી ધરી એની સનમુખ :

મુગતિ કેરી ભૂખ જગવણહાર ઘણું જીવો !
પા પા પગ જે માંડતા, તેને પ્હાડ ચડાવ
તસુ તસુ શીખવનારના ઝાઝેરા જશ ગાવ,
રાતા રંગ ચડાવ એહવા આગેવાનને !

પગલે પગલે પારખાં, દમ દમ અણઈતબાર,
શાપો ગાળો અપજશો : ભરિયા પોંખણ-થાળ;
કૂડાં કાળાં આળ ખમનારા ! ઘણી ખમા.

દાદાનો ડંગોરો

દાદાનો ડંગોરો લીધો,

તેનો તો મેં ઘોડો કીધો,

ઘોડો ચાલે રૂમઝૂમ,

ધરતી ધ્રૂજે ધમધમ,

ધમ ધમ ધરતી થાતી જાય,

મારો ઘોડો કૂદતો જાય,

કૂદતાં કૂદતાં આવે કોટ,

કોટ કૂદીને મૂકે દોટ !

દરિયો ઝૂલે

દરિયો ડોલે રે માઝમ રાતનો, હે….ઝૂલે જાણે પારણે મારો વીર રે,
મધરાતે માતા રોતા વીરાની દોરી તાણતી.

છલકે મોજા રે છોળો મારતા, હે…ખૂંદે જાણે ખોળલા મારો વીર રે
મધરાતે માતા રોતા વીરાની દોરી તાણતી.

આભમાંથી ચાંદો રેલે ચાંદની, હે…પાથરે જાણે વીરાના ઓછાડ રે
મધરાતે માતા રોતા વીરાની દોરી તાણતી.

ઝલકે ઝલકે રે જળ માછલી, ઝલકે જાણે વીર મ્હારાને આંખ રે !
મધરાતે માતા રોતા વીરાની દોરી તણાતી.

ઉઘડે ઉઘડે રે જળ માછલી, ઉઘડે જાણે મા-જાયાંનાં નેન રે !
મધરાતે માતા રોતા વીરાની દોરી તણાતી.

નીંદરભરી આંખડી

નીંદરભરી રે ગુલાલે ભરી,
બે’નીબાની આંખડી નીંદરભરી રે.

નીંદરને દેશ બે’ની નત્ય નત્ય જાતાં,
આકાશી હિંચકાની હોડી કરી – બે’નીબાની.

દોરી તાણીને વીર મારે હલેસાં,
હાલાં વાયાં ને હોડી વેગે ચડી. – બે’નીબાની.

નીંદર બેઠી છે નીલ સમદરના બેટમાં,
કેસરિયા દૂધના કટોરા ધરી. – બે’નીબાની.

નીંદરનો બાગ કાંઈ લૂંબે ને ઝૂંબે,
કળીઓ નિતારીને કચોળી ભરી. – બે’નીબાની.

સિંચ્યા એ તેલ મારી બે’નીને માથડે,
નાવણ કરાવે ચાર દરિયાપરી. – બે’નીબાની.

છીપોની વેલડીને જોડ્યા જળ-ઘોડલા
બેસીને બે’ન જાય મુસાફરી. – બે’નીબાની.

સાવજ ગરજે! વનરાવનનો રાજા ગરજે

સાવજ ગરજે! વનરાવનનો રાજા ગરજે

ગીરકાંઠાનો કેસરી ગરજે, ઐરાવતકુળનો અરિ ગરજે
કડ્યપાતળિયો જોધ્ધો ગરજે, મોં ફાડી માતેલો ગરજે
જાણે કો જોગંદર ગરજે, નાનો એવો સમંદર ગરજે !

ક્યાં ક્યાં ગરજે?
બાવળના જાળામાં ગરજે, ડુંગરના ગાળામાં ગરજે
કણબીના ખેતરમાં ગરજે, ગામ તણા પાદરમાં ગરજે
નદીઓની ભેખડમાં ગરજે, ગિરિઓની ગોહરમાં ગરજે
ઊગમણો આથમણો ગરજે, ઓરો ને આઘેરો ગરજે

થર થર કાંપે !

ઝાકળનું બિન્દુ

ઝાકળના પાણીનું બિન્દુ એકલવાયું બેઠું’તું
એકલવાયું બેઠું’તું ને સૂરજ સામે જોતું’તું
સૂરજ સામે જોતું’તું ને ઝીણું ઝીણું રોતું’તું

સૂરજભૈયા! સૂરજભૈયા! હું છું ઝીણું જલબિન્દુ
મુજ હૈયે તમને પધરાવું શી રીતે હે જગબન્ધુ?

તમે દૂર વાદળમાં વસતા, સાત અશ્વને કરમાં કસતા
બ્રહ્માંડોની રજ રજ રસતાં, ઘુમો છો બન્ધુ!
તમ વો’ણું મુજ જીવન સઘળું અશ્રુમય હે જગબન્ધુ!

જલબિન્દુ રે જલબિન્દુ! ઓ નાજુક ઝાકળબિન્દુ!
સૂરજ બોલે : સુણ બન્ધુ! હું તો ત્રિલોકમાં ફરનારો

કોટિ કિરણો પાથરનારો ગગને રમનારો
તેમ છતાં હું તારો તારો, હે ઝાકળબિન્દુ!

કોઈનો લાડકવાયો

રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે
કેસરવરણી સમરસેવિકા કોમલ સેજ બિછાવે

ઘાયલ મરતાં મરતાં રે
માતની આઝાદી ગાવે

કોની વનિતા કોની માતા ભગિની ટોળે વળતી
શોણિતભીના પતિ-સુત-વીરની રણશૈયા પર લળતી

મુખથી ખમ્મા ખમ્મા કરતી
માથે કર મીઠો ધરતી

થોકે થોકે લોક ઊમટતા રણજોધ્ધા જોવાને
શાબાશીના શબ્દ બોલતા પ્રત્યેકની પિછાને

નિજ ગૌરવ કેરે ગાને
જખમી જન જાગે અભિમાને

સહુ સૈનિકનાં વહાલાં જનનો મળિયો જ્યાં સુખમેળો
છેવાડો ને એકલવાયો અબોલ એક સૂતેલો

અણપૂછયો અણપ્રીછેલો
કોઈનો અજાણ લાડીલો

Subscribe to RSS - ઝવેરચંદ મેઘાણી