દયારામ

ફોટો: 
પુરસ્કાર: 

ઉદ્ધવજી વિચારો રે અંતર આપણે

ઉદ્ધવજી વિચારો રે અંતર આપણે, વણસમજ્યે શી દેવી રે શીખ?
જોવા કરકંકણ જોઈ એ શીદ આરસી? હોય વિચાર તો પાસે પરીખ ઉદ્ધવજી૦

તમારો તો હરિ વ્યાપક સર્વત્ર છે, ત્યારે કહો અધિક કે ઓછા ક્યાંય?
નિત્ય ઊઠી જાઉં છું શીદ કરી રહ્યા? એવડું શું દાટ્યું છે મધુપુરી માંહ્ય? ઉદ્ધવજી૦

ભમરે છે લોભી ગંધ કમળ ને કેતકી, દૂર થકી લાવે છે સુગંધી ગ્રહી વાય,
તેટલેથી હ્રદયરંજન ન થાતું હોય તો શીદને દોરાય? શીદ કંટકમાં જાય? ઉદ્ધવજી૦

દશે દિશા દીસે ઉદ્યોત ઇન્દુ તણો, પણ જ્યાં લગી અભ્રને ઓથે ચંદ,
સાગર કુમોદાદિક ફૂલે તો ફૂલજો, પણ ચિત્તચકોરને ન ઊપજે આનંદ. ઉદ્ધવજી૦

આંખોમાં ઊડે ગુલાલ

લોકડિયાં દેખે છે લાલ ! આંખોમાં ઊડે ગુલાલ,
મુખડાની ખાશો ગાળ ! આ તે શું કર્યું ?

આડે દહાડે જોર ન ફાવ્યું, આજ હોળીનું ટાણું,
ઘણા દિવસની ગુંજ રીસની, આજ ઉકેલો જાણું.

જે કહેશો તે'હા જ હાવાં, નવ બાનું તે ચૂકી,
ઓરા આવો, કહું કાનમાં, 'મારા સમ દો મૂકી !

શું કરું ? જો આવી સાંકડે, મારું જોર ન ફાવ્યું,
દયા પ્રીતમ મુને કાયર કરીને, તોબાખત લખાવ્યું !

શ્યામ રંગ સમીપે ન જાવું

શ્યામ રંગ સમીપે ન જાવું
મારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જાવું

જેમાં કાળાશ તે તો સૌ એકસરખું
સર્વમાં કપટ હશે આવું
કસ્તૂરી કેરી બિંદી તો કરું નહીં
કાજળ ના આંખમાં અંજાવું
મારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જાવું

કોકિલાનો શબ્દ હું સૂણું નહીં કાને
કાગવાણી શકુનમાં ન લાવું
નીલાંબર કાળી કંચૂકી ન પહેરું
જમનાનાં નીરમાં ન ન્હાવું
મારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જાવું

કાનુડો કામણગારો રે

કાનુડો કામણગારો રે, સાહેલી, આ તો કાનુડો કામણગારો રે !
રંગે રૂડો ને રૂપાળો રે, સાહેલી, આ તો કાનુડો કામણગારો રે !

રંગ રાતોરાતો મદમાતો, ને વાંસલડીમાં ગીતડાં ગાતો,
હે એનાં નેણાં કરે ચેનચાળો રે, સાહેલી, આ તો કાનુડો કામણગારો રે !

ભરવાને ગઈ’તી પાણી રે એને પ્રેમપીડા ભરી આણી રે,
ઘેલી થઈ આવી શાણી રે, સાહેલી, આ તો કાનુડો કામણગારો રે !

બેની તારે પાયે લાગું, વ્હાલા રે વિના ઘેલું રે લાગ્યું;
હે એને દયાના પ્રીતમ માંગું રે, સાહેલી, આ તો કાનુડો કામણગારો રે !

વૃંદાવનમાં થનકાર થનક થૈ થૈ થૈ !

વૃંદાવનમાં થનકાર થનક થૈ થૈ થૈ !
રાધાકૃષ્ણ રમે રાસ ગોપી લૈ લૈ લૈ !
બીજુ કંઈ નહી, કંઈ નહી.. વૃંદાવનમાં..

નૂપુર ચરણ કનકવરણ ઝાંઝર જોડો, ઘુઘરિયાળો કટિ ઓપે કંદોરો,
મોરમુકુટમણી વાંકડો અંબોડો, કુંડળકાન, ભ્રુકુટિતાન, નયનબાણ,
કંપમાન, તાળી લૈ લૈ લૈ.. વૃંદાવનમાં..

મુકુટ માંહી રૂપ દીઠું રાધાએ, મનમાં માનુનિ વિસામણ થાયે,
હુંથી છાની બીજી છે મુકુટ માંહે, બહુ વ્હાલી, હઠ ઝાલી, ઊઠી ચાલી,
દયાપ્રભુ જ્ય જ્ય જ્ય.. વૃંદાવનમાં..

પાઓ પ્રેમરસ પ્રાણજીવન

પાઓ પ્રેમરસ પ્રાણજીવન દીન થઈ યાચું રે
મુક્તિમાર્ગીને આપજો જ્ઞાન હું તો નવ રાચું રે
રીઝે રાબડી થકી ગરીબલોક ભોગીને નવ ભાવે રે
અમો રાજનાં ખાસાં ખવાસ મુક્તિ મન ના'વે રે

નિત્ય નીરખીએ નટવરરૂપ હોંશ મનમાંથી રે
મનમાન્યું મળે સહુ સુખ એકતામાં ક્યાંથી રે
દિવ્ય રૂપ છો સદા સાકાર આનંદના રાશિ રે
બોલે અનુચિત માયિક મુગ્ધ નરકના વાસી રે

પૃષ્ઠો

Subscribe to RSS - દયારામ