દલપતરામ

જન્મ તારીખ: 
શુક્રવાર, જાન્યુઆરી 21, 1820
મૃત્યુ તારીખ : 
શુક્રવાર, માર્ચ 25, 1898
ફોટો: 
ઉપનામ: 
કવિ દલપતરામ
પુરસ્કાર: 

માના ગુણ

હતો હું સુતો પારણે પુત્ર નાનો,
રડું છેક તો રાખતું કોણ છાનો ?
મને દુ:ખી દેખી દુ:ખી કોણ થાતું ?
મહા હેતવાળી દયાળી જ મા તું.
સૂકામાં સુવાડે ભીને પોઢી પોતે,
પીડા પામું પંડે, તજે સ્વાદ તો તે;
મને સુખ માટે કટુ કોણ ખાતું ?
મહા હેતવાળી દયાળી જ મા તું.
દઇ છાતી સાથે બચી કોણ લેતું ?
તજી તાજું ખાજું મને કોણ દેતું ?>
મને કોણ મુખે મીઠાં ગીત્ ગાતું ?
મહા હેતવાળી દયાળી જ મા તું.
પડું કે ચડું તો ખમા આણી વાણી;
પડે પાંપણે પ્રેમનાં પૂર પાણી;
પછી કોણ પોતા તણું દૂધ પાતું ?
મહા હેતવાળી દયાળી જ મા તું.

અઢાર અંગ વાંકા

ઊંટ કહે: આ સભામાં, વાંકાં અંગવાળાં ભૂંડા;
ભૂતળમાં પક્ષીઓ ને પશુઓ અપાર છે;
બગલાની ડોક વાંકી, પોપટની ચાંચ વાંકી;
કૂતરાની પૂંછડીનો, વાંકો વિસ્તાર છે.
વારણની સૂંઢ વાંકી, વાઘના છે નખ વાંકા;
ભેંસને તો શિર વાંકાં, શિંગડાનો ભાર છે.
સાંભળી શિયાળ બોલ્યું, દાખે દલપતરામ;
“અન્યનું તો એક વાંકું, આપનાં તો અઢાર છે ”

Subscribe to RSS - દલપતરામ