નરસિંહ મહેતા

ફોટો: 
પુરસ્કાર: 

ભુતલ ભક્તિ પદારથ મોટું

ભુતલ ભક્તિ પદારથ મોટું, બ્રહ્મ લોકમાં નાહીં રે,
પુણ્ય કરી અમરાપુરી પામ્યા, અંતે ચોરાશી માંહી રે.

હરિના જન તો મુક્તિ ન માગે, જનમો જનમ અવતાર રે,
નિત સેવા નિત કિર્તન ઓચ્છવ, નિરખવા નંદકુમાર રે.

ભરત ખંડ ભુતલમાં જન્મી જેણે ગોવિંદના ગુણ ગાયા રે,
ધન ધન રે એના માત પિતાને, સફળ કરી જેણે કાયા રે.

ધન વૃંદાવન, ધન એ લીલા, ધન એ વ્રજના વાસી રે,
અષ્ટ મહાસિદ્ધિ આંગણીયે ઉભી, મુક્તિ છે એમની દાસી રે.

એ રસનો સ્વાદ શંકર જાણે, કે જાણે શુક જોગી રે,
કંઈ એક જાણે પેલી વ્રજની ગોપી, ભણે નરસૈંયો જોગી રે.

- નરસિંહ મહેતા

જે ગમે જગત ગુરુ જગદીશને

જે ગમે જગત ગુરુ જગદીશને, તે તણો ખરખરો ફોક કરવો
આપણો ચિંતવ્યો અર્થ કંઈ નવ સરે, ઊગરે એક ઉદ્વેગ ધરવો
જે ગમે જગત ગુરુ દેવ જગદીશને

હું કરું, હું કરું, એ જ અજ્ઞાનતા શકટનો ભાર જેમ શ્વાન તાણે
સૃષ્ટિ મંડાણ છે સર્વ એણી પેર જોગી જોગેશ્વરા કો'ક જાણે
જે ગમે જગત ગુરુ દેવ જગદીશને

નીપજે નરથી તો કોઈ ના રહે દુઃખી શત્રુ મારીને સૌ મિત્ર રાખે
રાય ને રંક કોઇ દૃષ્ટે આવે નહિ ભવન પર ભવન પર છત્ર દાખે
જે ગમે જગત ગુરુ દેવ જગદીશને

ધ્યાન ધર હરિતણું

ધ્યાન ધર હરિતણું, અલ્પમતિ આળસુ, જે થકી જન્મનાં સુખ થાયે;
અવળ ધંધો કરે, અરથ કાંઈ નવ સરે, માયા દેખાડીને મૃત્યુ વહાયે.

સકળ કલ્યાણ શ્રીકૃષ્ણના ચરણમાં, શરણ આવે સુખ પાર ન્હોયે;
અવળ વેપાર તું, મેલ મિથ્યા કરી, કૃષ્ણનું નામ તું રાખ મોંએ.

પટક માયા પરી, અટક ચરણે હરિ, વટક મા વાત સુણતાં જ સાચી;
આશનું ભવન આકાશ સુધી રચ્યું, મૂઢ એ મૂળથી ભીંત કાચી.

અંગ-જોબન ગયું, પલિત પિંજર થયું, તોય નથી લેતો શ્રીકૃષ્ણ કહેવું;
ચેત રે ચેત, દિન ચાર છે લાભના, લીંબુ લહેકાવતાં રાજ લેવું.

એવા રે અમો એવા રે

એવા રે અમો એવા રે એવા, તમે કહો છો વળી તેવા રે
ભક્તિ કરતાં જો ભ્રષ્ટ કહેશો તો કરશું દામોદરની સેવા રે

જેનું મન જે સાથે બંધાણું, પહેલું હતું ઘર રાતું રે
હવે થયું છે હરિરસ માતું, ઘેર ઘેર હીંડે છે ગાતું રે

સઘળા સંસારમાં હું એક ભૂંડો, ભૂંડાથી વળી ભૂંડો રે
તમારે મન માને તે કહેજો, નેહ લાગ્યો છે ઊંડો રે

કરમ-ધરમની વાત છે જેટલી તે મુજને નવ ભાવે રે
સઘળા પદારથ જે થકી પામ્યો, મારા પ્રભુની તોલે ન આવે રે

હળવા કરમનો હું નરસૈંયો, મુજને તો વૈષ્ણવ વહાલા રે
હરિજનથી જે અંતર કરશે, તેના ફોગટ ફેરા ઠાલાં રે

- નરસિંહ મહેતા

ભોળી રે ભરવાડણ

ભોળી રે ભરવાડણ હરિને વેચવાને ચાલી રે
ગિરિવરધારીને ઊપાડી, મટુકીમાં ઘાલી રે
ભોળી રે ભરવાડણ હરિને વેચવાને ચાલી

શેરીએ શેરીએ સાદ પાડે, કોઈને લેવા મુરારિ રે
નાથ-અનાથનાને વેચે, ચૌટા વચ્ચે આહિર નારી રે
ભોળી રે ભરવાડણ હરિને વેચવાને ચાલી

વ્રજનારી પૂછે શું છે માંહી, મધુરી મોરલી વાગી રે
મટુકી ઉતારીને જોતાં, મૂર્છા સૌને લાગી રે
ભોળી રે ભરવાડણ હરિને વેચવાને ચાલી

બ્રહ્માદિક ઇન્દ્રાદિક સરખા, કૌતુક ઊભા પેખે રે
ચૌદ લોકમાં ન માય તે, મટુકીમાં બેઠેલ દેખે રે
ભોળી રે ભરવાડણ હરિને વેચવાને ચાલી

જાગને જાદવા

જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા તુજ વિના ધેનમાં કોણ જાશે?
ત્રણસેં ને સાઠ ગોવાળ ટોળે મળ્યા વડો રે ગોવાળિયો કોણ થાશે?
રે જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા

દહીંતણા દહીંથરા ઘી તણાં ઘેબરાં કઢિયેલ દૂધ તે કોણ પીશે?
હરિ તાર્યો હાથિયો, કાળી નાગ નાથિયો ભૂમિનો ભાર તે કોણ વહેશે?
રે જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા

જમુનાને તીરે ગૌધણ ચરાવતાં મધુરીશી મોરલી કોણ વહાશે?
ભણે નરસૈંયો તારા ગુણ ગાઈ રીઝિયે બૂડતાં બાંયડી કોણ સહાશે?
રે જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા

- નરસિંહ મહેતા

જળકમળ છાંડી જાને બાળા

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે
જાગશે, તને મારશે, મને બાળ હત્યા લાગશે

કહે રે બાળક તું મારગ ભૂલ્યો, કે તારા વેરીએ વળાવિયો
નિશ્ચે તારો કાળ જ ખૂટ્યો, અહીંયા તે શીદ આવિયો

નથી નાગણ હું મારગ ભૂલ્યો, નથી મારા વેરીએ વળાવિયો
મથુરા નગરીમાં જુગટુ રમતાં, નાગનું શીશ હું હારિયો

રંગે રૂડો, રૂપે પૂરો, દિસંતો કોડીલો કોડામણો
તારી માતાએ કેટલા જનમ્યાં, તેમાં તું અળખામણો

મારી માતાએ બેઉ જનમ્યાં, તેમાં હું નટવર નાનડો
જગાડ તારા નાગને, મારું નામ કૃષ્ણ કહાનડો

અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ

અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ,
જુજવે રૂપે અનંત ભાસે...
દેહમાં દેવ તું, તેજમાં તત્ત્વ તું,
શૂન્યમાં શબ્દ થઈ વેદ ભાસે...
અખિલ બ્રહ્માંડમાં...

પવન તું પાણી તું, ભૂમિ તું ભુધરા,
વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે,
વિવિધ રચના કરી અનેક રસ લેવા ને,
શિવ થકી જીવ થયો એ જ આશે...
અખિલ બ્રહ્માંડમાં...

વેદ તો એમ વદે, શ્રૃતિ સ્મૃતિ શાખ દે,
કનક કુંદળ વિષે ભેદ નો' હોયે,
ઘાટ ઘડ્યા પછી રૂપ નામ જૂજવા,
અંતે તો હેમનું હેમ હોયે...
અખિલ બ્રહ્માંડમાં...

પૃષ્ઠો

Subscribe to RSS - નરસિંહ મહેતા