બાલમુકુન્દ દવે

ફોટો: 
પુરસ્કાર: 

આ શ્રાવણ નીતર્યો સરવડે

આ શ્રાવણ નીતર્યો સરવડે કોઈ ઝીલો જી
પેલાં રેલી ચાલ્યાં રૂપ હો કોઈ ઝીલો જી.
આ કપૂર-કાયા સરી જશે કોઈ ઝીલો જી,
પેલા ઊડી ચાલ્યા ધૂપ હો કોઈ ઝીલો જી.

આ જલધારામાં ઝૂલતી કોઈ ઝીલો જી
પેલી તૂટે મોતનમાળ હો કોઈ ઝીલો જી.
આ લટ લહેરાતી લળી લળી કોઈ ઝીલો જી
પેલું કોણ હસે મરમાળ? હો કોઈ ઝીલો જી.

આ નથી ટપકતાં નેવલાં કોઈ ઝીલો જી
આ વરસે અમરત-મેહ હો કોઈ ઝીલો જી.
આ શમણાં કેરા કરા પડે કોઈ ઝીલો જી
આ નરદમ નીતરે નેહ હો કોઈ ઝીલો જી.

પીઠી ચોળી લાડકડી

પીઠી ચોળી લાડકડી !
ચૂંદડી ઓઢી લાડકડી !
ચૂંદડીએ ધબકારા ઢાંક્યા ને
કરમાં કર સોંપ્યા લાડકડી !

મીઠી આવો લાડકડી !
કેમ કહું જાઓ લાડકડી ?
તું શાની સાપનો ભારો ?
-તું તુલસીનો ક્યારો લાડકડી !

ચરકલડી ચાલી લાડકડી,
રહેશે ના ઝાલી લાડકડી !
આછેરી શીમળાની છાયા :
એવી તારી માયા લાડકડી !

સોડમાં લીધાં લાડકડી !
આંખભરી પીધાં લાડકડી !
હીબકાંને હૈયામાં રૂંધ્યાં ને
પારકાં કીધાં લાડકડી !

જૂનું ઘર ખાલી કરતાં

ફંફોસ્યું સૌ ફરીફરી અને હાથ લાગ્યુંય ખાસ્સું :
જૂનું ઝાડૂ, ટૂથબ્રશ, વળી લક્સ સાબુની ગોટી,
બોખી શીશી, ટિનનું ડબલું, બાલદી કૂખકાણી,
તૂટ્યાં ચશ્માં, ક્લિપ, બટન ને ટાંકણી સોય-દોરો !
લીધું દ્ધ્રારે નિત લટકતું નામનું પાટિયું,
જે મૂકી ઊંધુ, સુપરત કરી, લારી કીધી વિદાય.

આકાશી અસવાર – વર્ષાનું આગમન

ઊની રે વરાળો પહોંચી આભમાં
ધરતી પાડે રે પોકાર;
દુંખિયાંનો બેલી સમરથ ગાજિયો,
વા’લીડે કરિયો વિચાર:
આવે રે રાજાનો રાજા મેહુલો.

આવે રે દેકારા દેતો દખ્ખણે,
વરતે જયજયકાર;
છડી રે પોકારે વનના મોરલા,
ખમ્મા ! આવો અનરાધાર:
આવે રે રાજાનો રાજા મેહુલો.

છૂંટાં રે ઊડે રાજાનાં ઓડિયાં,
ઝૂલે વીજની તલવાર;
અંકાશી ધોડાના વાગે ડાબલા,
સાયબો થિયો છે અસવાર:
આવે રે રાજાનો રાજા મેહુલો.

હોય ઇશારા હેતના

જૂઈ ઝળુંબે માંડવે ને બાગે બાગે ફાલ
તું ક્યાં છો વેરી વાલમા ? મને મૂકી અંતરિયાળ !
આ ચૈતર જેવી ચાંદની, ને માણ્યા જેવી રાત
ગામતરો તને શેં ગમે ? તું પાછો વળ ગુજરાત
કોયલ કૂંજે કૂંજમાં ને રેલે પંચમ્ સૂર
વાગે વન વન વાંસળી, મારું પલપલ વીંધે ઉર
સમજી જાજે સાનમાં મન બાંધી લે જે તોલ

હોય ઇશારા હેતના એનાં ના કંઈ વગડે ઢોલ ?

બંદો અને રાણી

સીમને સીમાડે તને જોયો મારા બંદા !
પ્રીતચિનગારી પહેલી જોઇ જી જોઇ જી.

એકલ બપોરે તને જોઇ મારી રાણી !
અક્કલપડીકી મેં તો ખોઇ જી ખોઇ જી.

આંબલાની હેઠ ગોઠ કીધી મારા બંદા !
હરખની મારી હું તો રોઇ જી રોઇ જી.

હોઠની ધ્રુજારી તારી પીધી મારી રાણી !
હેતભીની આંખ મેં તો લોઇ જી લોઇ જી.

કંથમાં ગૂંચાણી મૂંગી વાણી મારા બંદા !
નજરુંમાં નજર મેં પ્રોઇ જી પ્રોઇ જી.

વણબોલ્યા કોલ લીધા-દીધા મારી રાણી !
તાંતણે બંધાયાં ઉર દોઇ જી દોઇ જી.

પરોઢ

વીણીને વ્યોમમાંથી હલચલ કરતા
તારલા મત્સ્ય જેવા,
માછીકન્યા સમી ઓ ! તરલ ડગ ભરી
યામિની જાય ચાલી.

ધીરે ધીરે ઉપાડે તિમિરજવનિકા
કોક અદષ્ટ હસ્તો,
ને લીલા પાર્શ્વભૂની અવનવ પ્રગટે તેજ અંધાર ગૂંથી.

પ્રાચીને પોણ્ય ક્યારે કિરણટશરના
કેવડા રમ્ય ફૂટે,
સૂતું ઉત્થાન પામે સચરાચર સૌ,
નીંદનાં ઘેન પામે.
માળામાં પંખી જાગે, મધુર રણકતી ઘંટડી દૂર વાગે,
ટૌકો ઊંડો ગજાવે ગગનપટ ભરી ફૂટડી ક્રૌંચ જોડી.

લાજાળુ નારીવૃન્દો શિર પર ગગરી લઇ આવે ઉમંગે,
ભાગોળે વેણુ વાતા ધણ લઇ
નીસરે છેલડા ગોપબાલો.

તીર્થોત્તમ

ભમ્યો તીર્થે તીર્થે, ધરી ઉર મનીષા દરશની,
પુરી, કાશી, કાંચી, અવધ, મથુરા ને અવર સૌ
ભમ્યો યાત્રાધામો અડસઠ જલે સ્નાન કરિયા;
વળી સાથે લાવ્યો વિમલ ઘટ ગંગોદક ભરી.
છતાં રે ના લાધ્યું પ્રભુ ! પુનિત એક્કે તીરથ જ્યાં
શકે મારી છીપી ચરમ મનીષા તું દરશની !
અને એવા ઝાઝા દિન વહી ગયા શોધન મહીં,
વહ્યા એથી ઝાઝા સતત ઘટમાળે જીવનની !

કેવાં રે મળેલાં મનના મેળ

કેવાં રે મળેલાં મનના મેળ, રુદિયાના રાજા
કેવાં રે મળેલાં મનના મેળ

રુદિયાની રાણી, કેવાં રે મળેલાં મનના મેળ

કેવાં રે મળેલાં મનના મેળ, રુદિયાની રાણી
કેવાં રે મળેલાં મનના મેળ

રુદિયાના રાજા, કેવાં રે મળેલાં મનના મેળ

જળમાં ઝીલાય જેવાં આભના ઊંડાણ
જળમાં ઝીલાય જેવાં આભના ઊંડાણ
જેવાં ક્ષિતિજે ઢોળાય દિશના ઘેર
રુદિયાની રાણી, એવા રે મળેલાં મનના મેળ

કેવાં રે મળેલાં મનના મેળ, રુદિયાની રાણી
કેવાં રે મળેલાં મનના મેળ

Subscribe to RSS - બાલમુકુન્દ દવે