મીરાંબાઈ

ફોટો: 
પુરસ્કાર: 

હું રોઈ રોઈ અખિયાં રાતી કરું,

હું રોઈ રોઈ અખિયાં રાતી કરું,
રાતી કરું, ગીત ગાતી ફરું ... હું રોઈ રોઈ.

અન્ય કોઈ મારી નજરે ન આવે,
વર તો એક ગિરિધારી વરું ... હું રોઈ રોઈ.

સેવા ને સ્મરણ એનું જ નિશદિન,
હૃદયકમળમાં ધ્યાન ધરું ... હું રોઈ રોઈ.

મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર,
ગંગા-જમનામાં ન્હાતી ફરું ... હું રોઈ રોઈ.

- મીરાંબાઈ

હું તો પરણી પ્રીતમની સંગાથ, વહાલમજી.

હું તો પરણી પ્રીતમની સંગાથ, વહાલમજી.
બીજાનાં મીંઢળ નહીં રે બાંધુ ... હું તો પરણી.

ચાર ચાર જુગની ચોતરીઓ ચિતરાવી રે વહાલમજી,
હું તો મંગળ વરતી છું બે ને ચાર ... બીજાનાં મીંઢળ.

રાજસી ભોજન જમવાં નથી રે, વહાલમજી,
અમે પ્રેમના ટુકડા માગી ખાશું રે ... બીજાનાં મીંઢળ.

મોતીની માળા કામ ન આવે રે વહાલમજી,
અમે તુલસીની માળા પહેરી રહીશું રે ... બીજાનાં મીંઢળ.

હીર તણાં ચીર કામ ન આવે રે વહાલમજી,
અમે ભગવા પહેરીને નિત્ય ફરશું રે ... બીજાનાં મીંઢળ.

રાણાજી, હું તો ગિરિધરને મન ભાવી.

રાણાજી, હું તો ગિરિધરને મન ભાવી.

પૂર્વ જન્મની હું વ્રજતણી ગોપી,
ચૂક થતાં અહીં આવી રે ... રાણાજી હું.

જન્મ લીધો નૃપ જયમલ ઘેરે,
તમ સંગે પરણાવી રે ... રાણાજી હું.

ગિરિધર નામ હું તો ઘડી નવ છોડું,
ઝેર દઈ નાખે મરાવી રે ... રાણાજી હું.

મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર !
હરિસંગે લગની લગાવી રે ... રાણાજી હું.

- મીરાંબાઈ

સ્વામી સબ સંસાર કે સાંચે શ્રી ભગવાન.

સ્વામી સબ સંસાર કે સાંચે શ્રી ભગવાન.

સ્થાવર જંગમ પાવક પાણી ધરતી બીજ સમાન.
સબમેં મહિમા થાંરી(તારી) દેખી કુદરત કે કરબાન.

વિપ્ર સુદામા કો દાળદ(દારિદ્ર) ખોયો, બાલે કી પહચાન.
દો મુઠ્ઠી તાંદુલ કી ચાબી, દીન્હોં દ્રવ્ય મહાન.

ભારત મેં અર્જુન કે આગે, આપ ભયા રથવાન.
અર્જુન કુળ કા લોગ નિહાર્યા, છૂટ ગયા તીર કમાન.

ના કો મારે ના કોઈ મરતો, તેરો યે અગ્યાન.
ચેતન જીવ તો અજર અમર હૈ, યે ગીતા કા ગ્યાન.

મેરે પર પ્રભુ કિરપા કીજૌ, બાંદી આપણી જાન.
મીરાં કે પ્રભુ ગિરિધર નાગર ચરણકમલ મેં ધ્યાન.

- મીરાંબાઈ

શું કરવું, મારે શું કરવું છે રે?

શું કરવું, મારે શું કરવું છે રે?
હીરા માણેકને મારે, શું કરવું?

મોતીની માળા રાણા, શું કરવી છે?
તુલસીની માળા લઈને પ્રભુને ભજવું છે રે ... મારે હીરા.

હીરના ચીર રાણા, શું રે કરવા છે?
ભગવી ચીંથરીઓ પ્હેરી મારે ફરવું છે રે ... મારે હીરા.

મહેલ ને માળા રાણા, શું રે કરવા છે રે?
જંગલ ઝૂંપડીએ જઈને મારે વસવું છે રે ... મારે હીરા.

બાઈ મીરાં કહે પ્રભુ, ગિરધર નાગર,
અમર ચૂડલો લઈને મારે ફરવું છે રે ... મારે હીરા.

- મીરાંબાઈ

હાં રે ચાલો ડાકોર જઈ વસિયે,

હાં રે ચાલો ડાકોર જઈ વસિયે,
હાં રે મને લેહ લગાડી રંગરસિયે રે ... ચાલો.

હાં રે પ્રભાતના પહોરમાં નોબત વાજે,
હાં રે અમે દરશન કરવા જઈએ રે ... ચાલો.

હાં રે અટપટી પાઘ કેસરિયો વાઘો,
હાં રે કાને કુંડળ સોઈયે રે ... ચાલો.

હાં રે પીળા પીતાંબર જરકશી જામો,
હાં રે મોતીન માળાથી મોહિયે રે ... ચાલો.

હાં રે ચંદ્રબદન અણિયાલી આંખો,
હાં રે મુખડું સુંદર સોઈયે રે ... ચાલો.

હાં રે રુમઝૂમ રુમઝૂમ નેપૂર બાજે,
હાં રે મન મોહ્યું મારું મોરલીએ રે ... ચાલો.

હાં રે મીરાંબાઈ કહે પ્રભુ ગિરિધર નાગર,
હાં રે અંગોઅંગ જઈ મળિયે રે ... ચાલો.

હાં રે કોઈ માધવ લ્યો, માધવ લ્યો,

હાં રે કોઈ માધવ લ્યો, માધવ લ્યો,
વેચંતી વ્રજનારી રે ... હાં રે કોઈ માધવ લ્યો

માધવને મટુકીમાં ઘાલી,
ગોપી લટકે લટકે ચાલી રે,
હાં રે ગોપી ઘેલું શું બોલતી જાય,
મટુકીમાં ન સમાય રે .. હાં રે કોઈ માધવ લ્યો

નવ માનો તો જુઓ ઉતારી,
માંહી જુઓ તો કુંજબિહારી રે,
વૃંદાવનમાં જાતા દહાડી,
વા’લો ગૌ ચારે છે ગિરધારી રે ... હાં રે કોઈ માધવ લ્યો

ગોપી ચાલી વૃંદાવન વાટે,
સૌ વ્રજની ગોપીઓ સાથ રે,
મીરાં કહે પ્રભુ ગિરધર નાગર,
જેનાં ચરણકમલ સુખસાગર રે .. હાં રે કોઈ માધવ લ્યો

- મીરાંબાઈ

હરિવર મૂક્યો કેમ જાય? સાહેલી, હવે હરિવર મૂક્યો કેમ જાય?

હરિવર મૂક્યો કેમ જાય? સાહેલી, હવે હરિવર મૂક્યો કેમ જાય?
નંદકુંવર સાથે નેડલો બંધાયો, પ્રાણ ગયે ન છુટાય ... સાહેલી હવે.

ઘેલી કીધી મને ગોકુળના નાથે, મોરલીના શબ્દ સુણાય,
બાલા રે પણથી પ્રીતિ બંધાઈ, હૈયાથી કેમ વિસરાય? ... સાહેલી હવે.

મૈયર તજ્યું ને તજ્યું સાસરિયું, ત્યાગ્યાં છે સર્વ સગાંય,
બાંહ્ય ગ્રહ્યાની લાજ રાખજો દયાળુ, સ્નેહીને દુઃખ ન દેવાય. ... સાહેલી હવે.

આ અવસર હરિ આવી મળો, તો વ્રેહનો અગ્નિ ઓલાય,
બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર, દર્શન દ્યો વ્રજરાય. ... સાહેલી હવે.

- મીરાંબાઈ

મ્હારી સુધ જ્યૂં જાનો ત્યૂં લીજોજી.

મ્હારી સુધ જ્યૂં જાનો ત્યૂં લીજોજી.

પલ પલ ઊભી પંથ નિહારું,
દરસન મ્હાને દીજોજી.

મૈં તો હૂં બહુ અવગુણવાળી,
અવગુણ ચિત્ત મત્ત લીજ્યોજી.

મૈં તો દાસી ત્હારે ચરણકમલ કી,
મિલ બિછડન મત કીજોજી.

મીરાં કે પ્રભુ ગિરિધર નાગર
હરિચરણ ચિત્ત દીજોજી.

- મીરાંબાઈ

હાં રે હરિ વસે હરિના જનમાં

હાં રે હરિ વસે હરિના જનમાં
હાં રે તમે શું કરશો જઈ વનમાં રે? હરિ.

ભેખ ધરીને તમે શીદ ભટકો છો?
પ્રભુ નથી વન કે અરણ્યમાં રે ... હરિ.

કાશી જાઓ ને તમે ગંગાજી ન્હાવો,
પ્રભુ નથી પાણી પવનમાં રે ... હરિ.

જોગ કરો ને ભલે જગન કરાવો,
પ્રભુ નથી હોમ હવનમાં રે ... હરિ.

બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર,
હરિ વસે છે હરિના જનમાં રે ... હરિ.

- મીરાંબાઈ

પૃષ્ઠો

Subscribe to RSS - મીરાંબાઈ