મીરાંબાઈ

ફોટો: 
પુરસ્કાર: 

શ્યામ, મને ચાકર રાખોજી,

શ્યામ, મને ચાકર રાખોજી,
ગિરધારી લાલ, ચાકર રાખોજી ... ટેક

ચાકર રહસૂં, બાગ લગાસૂં, નિત ઉઠ દરસન પાસૂં;
વૃંદાવનકી કૂંજ ગલિનમેં, ગોવિંદ લીલા ગાસૂં ... મને ચાકર

ચાકરી મેં દરસન પાઉં, સુમિરન પાઊં ખરચી;
ભાવ ભગતિ જાગીરી પાઊં, તીનોં બાતા સરસી ... મને ચાકર

મોર મુકુટ પીતાંબર સોહે, ગલે બૈજંતી માલા,
વૃંદાવનમેં ધેનું ચરાવે, મોહન મુરલીવાલા ... મને ચાકર

ઊંચે ઊંચે મહલ બનાઊં બિચ બિચ રખું બારી,
સાંવરિયાં કે દરસન પાઊં, પહિર કુસુમ્બી સારી ... મને ચાકર

જોગી આયા જોગ કરનકૂં, તપ કરને સંન્યાસી;
હરિ-ભજનકૂ સાધુ આયે, વૃંદાવન કે વાસી ... મને ચાકર

વાગે છે રે વાગે છે,

વાગે છે રે વાગે છે,
વૃંદાવન મોરલી વાગે છે ... ટેક

તેનો શબ્દ ગગનમાં ગાજે છે
વૃંદાવન મોરલી વાગે છે ... વૃંદાવન

વૃંદા તે વનને મારગ જાતાં,
વા’લો દાણ દધિનાં માગે છે. ... વૃંદાવન

વૃંદા તે વનમાં રાસ રચ્યો છે,
વા’લો રાસમંડળમાં બિરાજે છે. ... વૃંદાવન

પીળાં પીતાંબર જરકસી જામા,
હાથે પીળો પટકો બિરાજે છે. ... વૃંદાવન

કાને તે કુંડળ માથે મુગટ ને,
મુખ પર મોરલી બિરાજે છે. ... વૃંદાવન

વૃંદા તે વનની કુંજગલીનમાં,
વા’લો થનક થૈ થૈ નાચે છે. ... વૃંદાવન

વાટ જુએ છે મીરાં રાંકડી રે,

વાટ જુએ છે મીરાં રાંકડી રે,
ઊભી ઊભી અરજ કરે છે દીનાનાથની.

મુનિવર સ્વામી, મારે મંદિર પધારો રે,
સેવા કરીશ દિન-રાતડી રે...ઊભી.

ફૂલના તે હાર ને ફૂલના ગજરા રે,
ફૂલના તોરા ને ફૂલ-પાંખડી રે...ઊભી.

પય પકવાન વા’લા, મીઠાઈ ને મેવા રે,
ઘેબર જલેબી તલ-સાંકળી રે..ઊભી.

લવિંગ સોપારી ને પાનનાં બીડલાં રે,
એલચી દોડા ને તજ પાંખડી રે..ઊભી

સાવ સોનાનાં વા’લા, સોગઠાં ઢળાવું રે,
રમવા આવો તો જાય રાતડી રે...ઊભી.

બાઈ મીરાં કે પ્રભુ ગિરધર નાગર,
જોતાં ઠરે છે મારી આંખડી રે..ઊભી.

- મીરાંબાઈ

વરમાળા ધરી ગિરિધર વરની, છૂટે છેડે ફરીએ રે, રાણાજી!

વરમાળા ધરી ગિરિધર વરની, છૂટે છેડે ફરીએ રે, રાણાજી!
વર તો ગિરિધરવરને વરીએ રે.

વર તો ગિરિધર વરને વરીએ, સુણોને લાજ કોની ધરીએ!
લાજ કોની ધરીએ, રાણા! કોના મલાજા કરીએ રે? ... રાણાજી! વર.

કાગડાની બુદ્ધિ કાઢી નાખી, માણેક મોતી ચરીએ રે,
સોના રૂપા સઘળાં તજીએ, ધોળાં અંગે ધરીએ રે ... રાણાજી! વર.

ચીરપટોળાં સઘળાં તજીએ, તિલક-તુલસી ધરીએ રે,
શાલિગ્રામની સેવા કરીએ, સંતસમાગમ કરીએ રે ... રાણાજી! વર.

હરતાંફરતાં, સ્મરણ કરીએ, સંતસંગતમાં ફરીએ રે,
બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર, ચરણકમલ ચિત્ત ધરીએ રે ... રાણાજી! વર.

- મીરાંબાઈ

રાખો રે શ્યામ હરિ,

રાખો રે શ્યામ હરિ,
લજ્જા મોરી રાખો શ્યામ હરિ.

ભીમ હી બેઠે, અર્જુન હી બેઠે,
તેણે મારી ગરજ ન સરી ... લજ્જા.

દુષ્ટ દુર્યોધન ચીરને ખેંચાવે,
સભા બીચ ખડી રે કરી ... લજ્જા.

ગરુડ ચડીને ગોવિંદજી રે આવ્યા,
ચીરનાં તો વા’ણ ભરી ... લજ્જા.

બાઈ મીરાં કે પ્રભુ ગિરિધરના ગુણ,
ચરણે આવી તો ઊગરી ... લજ્જા.

- મીરાંબાઈ

લેને તારી લાકડી રે,

લેને તારી લાકડી રે,
લેને તારી કામલી,
ગાયો ચરાવવા નહિ જાઉં માવલડી ... લેને.

માખણ તો બલભદ્રને ખાયો.
હમને પાયો ખાટી હો રે છાશલડી ... લેને.

વૃંદાવનને મારગ જાતાં,
પાંવમેં ખૂંચે ઝીણી કાંકલડી ... લેને.

મીરાં કે પ્રભુ ગિરિધર નાગર,
ચરણકમલ ચિત્ત રાખલડી રે ... લેને.

- મીરાંબાઈ

રામનામ સાકર કટકા,

રામનામ સાકર કટકા,
હાંરે મુખ આવે અમીરસ ઘટકા;

હાંરે જેને રામ ભજન પ્રીત થોડી,
તેની જીભલડી લ્યોને તોડી.

હાંરે જેણે રામ તણા ગુણ ગાયા,
તેણે જમ ના માર ન ખાયા;

હાંરે ગુણ ગાય છે મીરાંબાઈ,
તમે હરિચરણે જાઓ ઘાઈ.

- મીરાંબાઈ

રામ રાખે તેમ રહીએ,

રામ રાખે તેમ રહીએ,
ઓધવજી રામ રાખે તેમ રહીએ..
હે આપણે ચીઠ્ઠીના ચાકર છૈએ,
ઓધવજી રામ રાખે તેમ રહીએ…

કોઇ દિન પહેરણ હિર ને ચીર
તો કોઇ દિન સાદા ફરીએ,
કોઇ દિન ભોજન શિરો ને પૂરી
તો કોઇ દિન ભુખ્યાં રહીએ,
ઓધવજી, રામ રાખે તેમ રહીએ…

કોઇ દિન રહેવાને બાગ-બગીચા
તો કોઇ દિન જંગલ રહીએ,
કોઇ દિન સુવાને ગાદી ને તકીયા
તો કોઇ દિન ભોંય પર સુઇએ,
ઓધવજી, રામ રાખે તેમ રહીએ…

બાઇ મીરાં કહે પ્રભુ ગિરિધરના ગુણ
સુખ-દુ:ખ સર્વે સહીએ
હે આપણે ચીઠ્ઠીના ચાકર છૈએ.
ઓધવજી, રામ રાખે તેમ રહીએ…

- મીરાંબાઈ

રામ રમકડું જડિયું રે, રાણાજી;

રામ રમકડું જડિયું રે, રાણાજી;
મને રામ રમકડું જડિયું.

રૂમઝૂમ કરતું મારે મંદિરે પધાર્યું;
નહિ કોઈના હાથે ઘડિયું રે;
મને રામ રમકડું જડિયું.

મોટા મોટા મુનિવર મથી મથી થાક્યા;
કોઈ એક વિરલાને હાથે ચડિયું રે;
મને રામ રમકડું જડિયું.

સૂના શિખરના ઘાટથી ઉપર;
અગમ અગોચર નામ પડિયું રે;
મને રામ રમકડું જડિયું.

બાઈ મીરાં કહે પ્રભુ ગિરધર નાગર;
મન મારું શામળિયા સંગ જડિયું રે;
મને રામ રમકડું જડિયું.

- મીરાંબાઈ

રામ છે રામ છે રામ છે રે,

રામ છે રામ છે રામ છે રે,
મારા હૃદયમાં વા’લો રામ છે!

આ રે મંદિરે મારી સાસુ ને સસરો,
સામે મંદિરિયે શ્યામ છે રે ... મારા.

સાસુ જૂઠી ને મારી નણદી હઠીલી,
ન્હાનો દિયરિયો નકામ છે રે ... મારા.

બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધરના ગુણ,
વચમાં ગોકુળિયું ગામ છે રે ... મારા.

- મીરાંબાઈ

પૃષ્ઠો

Subscribe to RSS - મીરાંબાઈ