મીરાંબાઈ

ફોટો: 
પુરસ્કાર: 

મેં તો છાંડી કુલ કી લાજ,

મેં તો છાંડી કુલ કી લાજ,
રંગીલો રાણો કાંઈ કરશે, મહારાજ !

પાંવ મેં બાધૂંગી મૈં ઘૂઘરા, હાથ મેં લૂંગી સિતાર;
હરિ કે ચરનું આગે નાચતી રે, કાંઈ રીઝેગો કિરતાર. ... મૈં તો છાંડી.

ઝેર કો પ્યાલો રાણાજી ભેજ્યો, ધરિયો મીરાંબાઈ હાથ;
કરી ચરણામૃત પી ગઈ રે, શ્રી ઠાકુર કો પરસાદ ... મૈં તો છાંડી.

રાણાજીએ રીસ કરી ભેજ્યો, ઝેરી નાગ અસાર;
પકડ ગલે બિચ ડાલિયો, કાંઈ હોય ગયો ચંદનહાર. ... મૈં તો છાંડી.

મીરાં કે ગિરધારી મિલિયા, જનમ જનમ ભરથાર;
મેં તો દાસી જનમ જનમ કી, કૃષ્ણ કંથ સરદાર. ... મૈં તો છાંડી.

- મીરાંબાઈ

કાયા કારણ ભેખ લીધા, રાણાજી!

કાયા કારણ ભેખ લીધા, રાણાજી!
મેં તો કાયા કારણ ભેખ લીધા.

રમતા ને ભમતા જોગી આવ્યા આંગણિયે મારે,
દાસી જાણીને દર્શન દીધાં ... રાણાજી.

ગિરિધરલાલ વિના ઘડી ન ગોઠે રાણા!
હરિરસ ઘોળી ઘોળી પીધાં ... રાણાજી.

મોહને મોહ કર્યા કારમા અતિશે, રાણા,
કંથા પહેરીને નેડા કીધા ... રાણાજી.

બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધરના ગુણ વહાલા,
જંગલે જઈને ડેરા દીધા ... રાણાજી.

- મીરાંબાઈ

મુરલીયાં બાજે જમુના તીર

મુરલીયાં બાજે જમુના તીર
બાજે જમુના તીર ... મુરલીયાં

મુરલીએ મારું મન હરી લીધું
ચિત્ત ધરે નહીં ધીર ... મુરલીયાં

શ્યામ કન્હૈયા, શ્યામ કમરીયાં
શ્યામ જમુના નીર ... મુરલીયાં

ધૂન મુરલી સુણી સુધબુધ વિસરી,
વિસરી મારું શરીર ... મુરલીયાં

મીરાં કે પ્રભુ ગિરિધર નાગર
ચરણ કમળ પર શિર ... મુરલીયાં

- મીરાંબાઈ

મુજ અબળાને મોટી મિરાત બાઈ;

મુજ અબળાને મોટી મિરાત બાઈ;
શામળો ઘરેણું મારું સાચું રે.

વાળી ઘડાવું વિઠ્ઠલવર કેરી;
હાર હરિનો મારે હૈયે રે.

ચિત્તમાળા ચતુરભૂજ ચૂડલો;
શીદ સોની ઘેર જઈએ રે.

ઝાંઝરિયાં જગજીવન કેરાં;
કૃષ્ણજી કલ્લાં ને રાંબી રે.

વિંછુવા ઘૂઘરા રામ નારાયણના;
અણવટ અંતરજામી રે.

પેટી ઘડાવું પુરુષોત્તમ કેરી;
ત્રિકમ નામનું તાળું રે.

કૂંચી કરાવું કરુણાનંદ કેરી;
તેમાં ઘરેણું મારું ઘાલું રે.

સાસરવાસો સજીને બેઠી;
હવે નથી કંઈ કાચું રે.

બાઈ મીરાં કહે પ્રભુ ગિરધર નાગર;
હરિને ચરણે જાચું રે.

- મીરાંબાઈ

મુખડાની માયા લાગી રે, મોહન પ્યારા

મુખડાની માયા લાગી રે, મોહન પ્યારા

મુખડું મેં જોયું તારું, સર્વ જગ થયું ખારું
મન મારું રહ્યું ન્યારું રે ... મોહન પ્યારા

સંસારીનું સુખ એવું ઝાંઝવાના નીર જેવું,
તેને તુચ્છ કરી ફરીએ રે ... મોહન પ્યારા

મીરાંબાઇ બલિહારિ, આશા મને એક તારી,
હવે હું તો બડભાગી રે ... મોહન પ્યારા

- મીરાંબાઈ

મુંને લહેર રે લાગી હરિના નામની રે,

મુંને લહેર રે લાગી હરિના નામની રે,
હું તો ટળી રે સંસારીયાના કામની રે ... મુંને.

ચોટ લાગી તે ટાળી કદી નહીં ટળે રે,
ભલે કોટિ પ્રયત્ન દુર્જન કરે રે ... મુંને.

હું તો બાવરી ફરું છું મારા હૃદયમાં રે,
મારી સૂરતી શામળિયાના પદમાં રે ... મુંને

મહામંત્ર સુણાવ્યો મારા કાનમાં રે,
હું તો સમજી મોહનજીને સાનમાં રે ... મુંને

મીરાંબાઈને ગુરુજી મળ્યા વાટમાં રે,
એણે છોડી દીધેલ રાજ પાટના રે ... મુંને

- મીરાંબાઈ

માર્યા રે મોહનાં બાણ, ધુતારે

માર્યા રે મોહનાં બાણ, ધુતારે
મને માર્યા મોહના બાણ.

ધ્રુવને માર્યા, પ્રહલાદને માર્યા,
તે ઠરી ના બેઠા ઠામ;
શુકદેવને ગર્ભવાસમાં માર્યા,
તે ચારે યુગમાં પરમાણ ... માર્યા રે મોહનાં.

હિરણ્યકશ્યપ મારી વા’લે ઉગાર્યો પ્રહલાદ
દૈત્યનો ફેડ્યો છે ઠામ;
સાયર પાજ બાંધી વા’લે સેના ઉતારી,
રાવણ હણ્યો એક બાણ ... માર્યા રે મોહનાં.

મીરાં કે પ્રભુ ગિરિધર નાગર,
અમને પાર ઉતારો શ્યામ ... માર્યા રે મોહનાં.

- મીરાંબાઈ

મારે વર તો ગિરિધરને વરવું છે,

મારે વર તો ગિરિધરને વરવું છે,
હાં રે બીજાને મારે શું કરવું છે? રે ... મારે વર તો.

નંદના કુંવર સાથે નેડલો બંધાણો રે,
હાં રે મારે ધ્યાન ધણીનું ધરવું છે રે ... મારે વર તો.

અવર પુરુષની મારે આશ ન કરવી રે,
હાં રે મારે છેડલો ઝાલીને ફરવું છે રે ... મારે વર તો.

સંસારસાગર મોહજાળ ભરિયો રે,
હાં રે મારે તારે ભરોસેં તરવું છે રે ... મારે વર તો.

બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર!
હાં રે મારે રાસમંડળમાં રમવું છે રે ... મારે વર તો.

- મીરાંબાઈ

માછીડા હોડી હંકાર, મારે જાવું હરિ મળવાને,

માછીડા હોડી હંકાર, મારે જાવું હરિ મળવાને,
હરિ મળવાને, પ્રભુ મળવાને ... માછીડા હોડી હંકાર.

તારી હોડીને હીરલે જડાવું, ફરતી મુકાવું ઘૂઘરમાળ,
સોનૈયા આપું, રૂપૈયા આપું, આપું હૈયા કેરો હાર ... મારે જાવું.

આણી તીર ગંગા ને પેલી તીર જમના, વચમાં વસે નંદલાલ,
કાલંદીને રે તીરે ધેનુ ચરાવે, વ્હાલો બની ગોવાળ ... મારે જાવું.

વૃંદાવનની કુંજગલીનમાં, ગોપી સંગ રાસ રમનાર,
બાઈ મીરાં કહે ગિરિધર નાગર, કૃષ્ણ ઉતારો પેલે પાર ... મારે જાવું.

- મીરાંબાઈ

મારી વાડીના ભમરા, વાડી મારી વેડીશ મા,

મારી વાડીના ભમરા, વાડી મારી વેડીશ મા,
વાડી વેડીશ મા, ફૂલડાં તોડીશ મા.

મારી વાડીમાં, વહાલા પવનપાંદડીઓ,
ધીરજ ધરજે, મન! તું દોડીશ મા.

મારી વાડીમાં વહાલા, ચંપો ને મરવો,
વાસ લેજે તું, ફૂલ તોડીશ મા.

મારી વાડીમાં વહાલા, આંબો રે મોર્યો,
પાકા લેજે, કાચા તોડીશ મા.

મારી વાડીમાં વહાલા, ત્રિકમ ટોયો,
ગોફણ લેજે, ગોળો છોડીશ મા.

બાઈ મીરાં કહે, પ્રભુ ગિરિધર નાગર,
ચરણકમલ ચિત્ત છોડીશ મા.

- મીરાંબાઈ

પૃષ્ઠો

Subscribe to RSS - મીરાંબાઈ