રમેશ પારેખ

ફોટો: 
પુરસ્કાર: 

હું ને ચંદુ છાનામાના

હું ને ચંદુ છાનામાના કાતરીયામાં પેઠા,
લેસન પડતું મૂકી ફિલમ ફિલમ રમવા બેઠા.
મમ્મી પાસે દોરી માંગી પપ્પાની લઈ લુંગી,
પડદો બાંધી અમે બનાવી ફિલમ મૂંગી મૂંગી.
દાદાજીના ચશ્મામાંથી કાઢી લીધા કાચ,
એનાથી ચાંદરડા પાડ્યા પડદા ઉપર પાંચ.
ચંદુ ફિલમ પાડે ત્યારે જોવા આવું હું,
હું ફિલમ પાડું ત્યારે જોવા આવે છે ચંદુ.
કાતરીયામાં છુપાઈને બેઠીતી બિલ્લી એક,
ઉંદરડીને ભાળી એણે તરત લગાવી ઠેક.
ઉંદરડી છટકી ને બિલ્લી ચંદુ ઉપર આવી,
બીક લાગતા ચંદુડીયાએ બૂમાબૂમ ચગાવી.
ઓ મા… ઓ મા……
દોડમ દોડ ઉપર આવી પહોંચ્યા મમ્મી પપ્પા,

બા મને ચપટી વગાડતાં આવડી ગઈ

બા, મને ચપટી વગાડતાં આવડી ગઈ.

મારી ચપટી વાગે છે પટ પટ પટ,
જાણે ફૂટે બંદૂકડી ફટ ફટ ફટ,
પેલી બિલ્લી ભાગે છે ઝટ ઝટ ઝટ.
બા, મને બિલ્લી ભગાડતાં આવડી ગઈ.

તું કપડાં ધુએ ભલે ધબ્બ ધબ્બ ધબ્બ,
હું પાણીમાં નહીં કરું છબ્બ છબ્બ છબ્બ,
મારી ચપટી ભીંજાઈ જાય ડબ્બ ડબ્બ ડબ્બ.
બા, મને મુન્ની રમાડતાં આવડી ગઈ.

બા, મને ચપટી વગાડતાં આવડી ગઈ.

એકડો સાવ સળેખડો

એકડો સાવ સળેખડો ને બગડો ડીલે તગડો,
બન્ને બથ્થંબથ્થા કરતા મોટો ઝઘડો.

તગડો તાળી પાડે ને નાચે તા તા થૈ,
ચોગડાની ઢીલી ચડ્ડી સરરર ઊતરી ગઈ.

પાંચડો પેંડા ખાતો એની છગડો તાણે ચોટી,
સાતડો છાનો માનો એની લઈ ગયો લંગોટી.

આઠડાને ધક્કો મારી નવડો કહેતો ખસ,
એકડે મીંડે દસ વાગ્યા, ત્યાં આવી સ્કૂલની બસ.

જળના ભરોસે હોડીબાઈ નીસર્યાં

જળના ભરોસે હોડીબાઈ નીસર્યાં
છાંયડા ક્યાંક રે ડ્હોળા ને ક્યાંક નીતર્યા

ક્યાંક ઠેસ રે વાગે છે પોચા આભની
ક્યાંક વાગે પોચો પોચાયેલ પ્હાડ
ક્યાંક વાગે રે રેતીનાં તળ છીછરાં

એનો તાતો રે તાણેલ શઢ તો પાંદડું!
એમાં જળના ભરોસા હિલ્લોળાય
એ તો વાયરા તોખારી પીને ફરફર્યા

હોડીબાઈ જળમાં બંધાણા કાચા તાંતણે
જળની જળવત્તા જાળવતા જાય!
હોડીબાઈ જળમાં જીવ્યાં ને જળમાં સંચર્યાં

એને જળનો થાકોડો, જળનો આશરો
એને જળના ઘરેણાં, જળની ટેવ
હોડીબાઈ જળનાં જડબાને સાવ વિસર્યાં!

-રમેશ પારેખ

Subscribe to RSS - રમેશ પારેખ