શ્યામ રંગ સમીપે ન જાવું

શ્યામ રંગ સમીપે ન જાવું, મ્હારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જાવું.

જેમાં કાળાશ તે સહુ એક સરખું, સર્વમાં કપટ હશે આવું ? મ્હારે આજ૦

કસ્તુરીની બિંદી તો કરૂં નહીં, કાજળ ન આંખમાં અંજાવું. મ્હારે આજ૦

કોકિલાનો શબ્દ સૂણું નહીં, કાગવાણી શકુનમાં ન લાવું. મ્હારે આજ૦

નીલાંબર કાળી કંચુકી ન પહેરૂં, જમુનાનાં નીરમાં ન ન્હાવું. મ્હારે આજ૦

મરકતમણિ ને મેઘ દૃષ્ટે ન જોવાં, જાંબુ વંત્યાક ન ખાવું. મ્હારે આજ૦

'દયા'ના પ્રીતમ સાથે મુખે નીમ લીધો, મન કહે પલક ના નિભાવું. મ્હારે આજ૦

શોભા સલૂણા શ્યામની

તું જો ને સખી ! શોભા સલૂણા શ્યામની.

કોટિ કંદર્પ લજાવે એનું મુખડું , ફીકી પડે છે કલા કામની. તું જોને.

સદ્ગુણ સાગર નટવર નાગર , બલિહારી હું એના નામ ની . તું જોને.

કોટિ આભૂષણનું એ રે ભુષણ, સીમા તું છે એ અભિરામની. તું જોને.

સમજે એને સાર સરવનું , બીજી વસ્તુ નથી કામની . તું જોને.

અનુપમએ અલબેલો રસિયો, જીવનમૂડી દયારામ ની . તું જોને.

શું જાણે વ્યાકરણી

શું જાણે વ્યાકરણી ? વસ્તુને શું જાણે વ્યાકરણી ?
મુખ પર્યંત ભર્યું ધૃત તદપિ સ્વાદ ન જાણે બરણી

સુંદર રીતે શાક વઘાર્યું ભોગ ન પામે ભરણી
અંતર માંહે અગ્નિ વસે પણ આનંદ ન પામે અરણી

નિજ નાભિમાં કસ્તુરી પણ હર્ષ ન પામે હરણી
દયો કહે ધન દાટીને જ્યમ ધનવંત કહાવે નિર્ધણી

શિક્ષા શાણાને

સરવ કામ છાંડીને પરથમ શ્રીગુરુ ગોવિન્દ ભજિયે જી;
સકલ કામના – સિદ્ઘિ જેથી, વારે તેહેને તજિયે.
શિક્ષા શાણાને….

પરોપકાર, પ્રીતિ, મૃદુ વાણી; મોટા જન તે જાણોજી;
નિર્દય, આપસ્વારથી, જૂઠા; તે નીચા પરમાણો.
શિક્ષા શાણાને…..

ખરી મેહેનતનું દ્રવ્ય જોડિયે, નીચ નજર ના કરિયે જી;
પાછલથી પસ્તાવો ઉપજે, હાણ હાંસીથી ડરિયે.
શિક્ષા શાણાને…..

વિના વિચાર્યું કામ કરે તે પાછલથી પસ્તાય જી;
બગડી બૂંદ ન હોજે સઘરે, મળે ન તક જે જાય.
શિક્ષા શાણાને…..

વૃંદાવનમાં થનકાર થનક થૈ થૈ થૈ !

વૃંદાવનમાં થનકાર થનક થૈ થૈ થૈ
રાધાકૃષ્ણ રમે રાસ ગોપી લૈ લૈ લૈ
બીજું કૈં નહીં કૈં નહીં… વુંદાવનમાં…

નૂપુરચરણ કનકવરણ ઝાંઝર જોડો
ઘુંઘરીયાળો કટી ઓપે કંદોરો
મોરમુકુટ મણી વાંકડો અંબોડો
કુંડલકાન, ભ્રુકુટી તાન, નૈનબાણ કંપમાન
તાળી લૈ લૈ લૈ… વૃંદાવનમાં…

વાગે તાલ ને કરતાલ સંગ તાળી
કોઇ તંબુરો ને કોઇ મૃદંગવાળી
મદનગાન મુખ્ય ગાયે વનમાળી
બોલે બૈન, સુધા સૈન, મોહન નૈન, પ્રગટ ચૈન
હ્રદય દૈ દૈ દૈ… વૃંદાવનમાં…

લોચન – મનનો ઝઘડો

લોચન – મનનો રે, કે ઝઘડો લોચન – મનનો !
રસિયા તે જનનો રે, કે ઝઘડો લોચન – મનનો ! ટેક0

પ્રીત પ્રથમ કોણે કરી, નંદકુંવરની સાથ ?
મન કહે : “લોચન તેં કરી,” લોચન કહે : “તુજ હાથ.” 0ઝઘડો

“નટવર નિરખ્યા, નેન તેં, ‘સુખ આવ્યું તુજ ભાગ;
પછી બંધાવ્યું મજને, લગન લગાડી આગ ! 0ઝઘડો

“સુણ ચક્ષુ ! હું પાંગળું, તું મારું વાહન ;
નિગમઅગમ કહ્યું સાંભળ્યું, દીઠા વિના ગયું મન.” 0ઝઘડો

“ભલું કરાવ્યું મેં તને – સુંદરવરસંજોગ;
હુંને તજી નિત તું મળે, હું રહું દુઃખવિજોગ.” 0ઝઘડો

મોરલી

મોરલી વાગી રે શ્રી કૃષ્ણની. હાં રે વ્હાલા ! સરસ્વત સ્વામીને વિનવું;
હાં રે વ્હાલા ! ગણપત લાગું પાય, લાલ ! જી રે. મોરલી૦
હાં રે વ્હાલા ! સરોવર પાણીડાં સંચર્યા; હાં રે વ્હાલા ! કાંઠે તે ઉભો ક્હાન, લાલ ! જી રે. મોરલી૦
હાં રે વ્હાલા ! સોના તે કેરૂં મ્હારૂં બેડલું; હાં રે વ્હાલા ! ઉઢાણી રતન જડાવ, લાલ ! જી રે. મોરલી૦
હાં રે વ્હાલા ! ક્હાને તે કંકર ફેંકિયો હાં રે વ્હાલા ! વાગ્યો ઘડૂલો હેઠ, લાલ ! જી રે. મોરલી૦
હાં રે વ્હાલા ! ઘડૂલો ફૂટ્યો ને નીર વહી ગયાં, હાં રે વ્હાલા ! ભીંજ્યા મ્હારાં નવરંગ ચીર, લાલ ! જી રે. મોરલી૦

મુજને અડશો મા !

"મુજને અડશો મા! આઘા રહો અલબેલા છેલા! અડશો મા!,
અંક ભર્યાના સમ ખાઓ તો અધર તણો રાસ પાઉં;
કહાન કુંવર! સાળા છો, અડતાં હું કાળી થઈ જાઉં!"...મુજને૦

"તું મુજને અડતા શ્યામ થઈશ તો હું ક્યમ નઈ થાઉં ગોરો?
ફરી મળતાં રંગ અદલાબદલી, મુજ મોરો, તુજ તોરો!"...મુજને૦

"કાળી થયાનું કામ નથી, પણ લગ્ન લોકમાં ઠરશે;
લઘુ વયમાં લાંછન લાગ્યાથી બીજો વર ક્યમ વરશે?"...મુજને૦

"તારે બીજા વરનું કામ શું છે? હું વર, તું વહુ ધન્ય!
જેનું લાંછન તેને વરિયે તો તો માન મળે અનન્ય."...મુજને૦

પ્રેમરસ

જે કોઈ પ્રેમઅંશ અવતરે, પ્રેમરસ તેના ઉરમાં ઠરે.

સિંહણ કેરું દૂધ હોય તે સિંહણસુતને જરે,
કનકપાત્ર પાખે સહુ ધાતુ ફોડીને નીસરે. – જે કોઈo

સક્કરખોરનું સાકર જીવન, ખરના પ્રાણ જ હરે,
ક્ષારસિંધુનું માછલડું જેમ મીઠા જળમાં મરે. – જે કોઈo

સોમવેલી રસપાન શુદ્ધ જે બ્રાહ્મણ હોય તે કરે;
વગળવંશીને વમન કરાવે, વેદવાણી ઊચરે. – જે કોઈo

ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે, તદપિ અર્થ ના સરે,
મત્સ્યભોગી બગલો મુક્તાફળ દેખી ચંચુ ના ભરે. – જે કોઈo

એમ કોટિ સાધને, પ્રેમ વિના પુરુષોત્તમ પૂંઠ ના ફરે,
દયાપ્રીતમ શ્રીગોવર્ધનધર, પ્રેમભક્તિએ વરે. – જે કોઈo

દામોદર! દુઃખડા કાપો રે!

દામોદર! દુઃખડા કાપો રે! પાવલે લાગું!

નંદલાલ! નિકજાનંદ આપો રે! - એ વર માંગુ!

વ્હાલાજી! હું છું પળ પળનો અપરાધી ભરેલો આધિવ્યાધિ રે, પાવલે લાગું! દામોદર!.

વ્હાલાજી! હું તો તમારા બળથી ઘણો ગાજું, જાણો છો, કહું શું ઝાઝું રે? પાવલે લાગું! દામોદર!.

વ્હાલાજી! હું જેવો તેવો તોય છું તમારો, આધાર અવર નહીં મારો રે! પાવલે લાગું! દામોદર!.

વ્હાલાજી! મારું જોર નથી જો તરછોડો, શું રૂઠી કરો મંકોડો રે? પાવલે લાગું! દામોદર!.

વ્હાલાજી! શ્રીમુખ પોતાનો કહો છો માટે લાદું, બીજું બળ ક્યાંથી કાઢું રે? પાવલે લાગું! દામોદર!.

પૃષ્ઠો

Subscribe to ગુજરાતી  લોકસાહિત્ય  RSS