પ્રેમરસ

જે કોઈ પ્રેમઅંશ અવતરે, પ્રેમરસ તેના ઉરમાં ઠરે.

સિંહણ કેરું દૂધ હોય તે સિંહણસુતને જરે,
કનકપાત્ર પાખે સહુ ધાતુ ફોડીને નીસરે. – જે કોઈo

સક્કરખોરનું સાકર જીવન, ખરના પ્રાણ જ હરે,
ક્ષારસિંધુનું માછલડું જેમ મીઠા જળમાં મરે. – જે કોઈo

સોમવેલી રસપાન શુદ્ધ જે બ્રાહ્મણ હોય તે કરે;
વગળવંશીને વમન કરાવે, વેદવાણી ઊચરે. – જે કોઈo

ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે, તદપિ અર્થ ના સરે,
મત્સ્યભોગી બગલો મુક્તાફળ દેખી ચંચુ ના ભરે. – જે કોઈo

એમ કોટિ સાધને, પ્રેમ વિના પુરુષોત્તમ પૂંઠ ના ફરે,
દયાપ્રીતમ શ્રીગોવર્ધનધર, પ્રેમભક્તિએ વરે. – જે કોઈo

દામોદર! દુઃખડા કાપો રે!

દામોદર! દુઃખડા કાપો રે! પાવલે લાગું!

નંદલાલ! નિકજાનંદ આપો રે! - એ વર માંગુ!

વ્હાલાજી! હું છું પળ પળનો અપરાધી ભરેલો આધિવ્યાધિ રે, પાવલે લાગું! દામોદર!.

વ્હાલાજી! હું તો તમારા બળથી ઘણો ગાજું, જાણો છો, કહું શું ઝાઝું રે? પાવલે લાગું! દામોદર!.

વ્હાલાજી! હું જેવો તેવો તોય છું તમારો, આધાર અવર નહીં મારો રે! પાવલે લાગું! દામોદર!.

વ્હાલાજી! મારું જોર નથી જો તરછોડો, શું રૂઠી કરો મંકોડો રે? પાવલે લાગું! દામોદર!.

વ્હાલાજી! શ્રીમુખ પોતાનો કહો છો માટે લાદું, બીજું બળ ક્યાંથી કાઢું રે? પાવલે લાગું! દામોદર!.

ચિત્ત તું શીદને ચિંતા ધરે

ચિત્ત તું શીદને ચિંતા ધરે ?
કૃષ્ણને કરવું હોય તે કરે !

સ્થાવર જંગમ જડ ચેતનમાં માયાનું બળ ઠરે;
સ્મરણ કર શ્રીકૃષ્ણચંદ્રનું, જન્મ મરણ ભય હરે
કૃષ્ણને કરવું હોય તે કરે !

નવ માસ પ્રાણી શ્રીકૃષ્ણનું, ધ્યાન ગર્ભમાં ધરે;
માયાનું આવરણ કર્યું ત્યારે, લખ ચોરાશી ફરે
કૃષ્ણને કરવું હોય તે કરે !

તું અંતર ઉદ્વેગ ધરે, તેથી કારજ શું સરે ?
ધણીનો ધાર્યો મનસૂબો, હર બ્રહ્માથી નવ ફરે
કૃષ્ણને કરવું હોય તે કરે !

દોરી સર્વની એના હાથમાં, ભરાવ્યું ડગલું ભરે;
જેવો જંત્ર બજાવે જંત્રી તેવો સ્વર નીસરે
કૃષ્ણને કરવું હોય તે કરે !

કિયે ઠામે મોહની

કિયે ઠામે મોહની ન જાણી રે,

મોહનજી, કિયે ઠામે મોહની ન જાણી રે ? મોહનજીo

ભ્રકુટીની મટકમાં કે ભાળવાની લટકમાં

કે શું મોહની ભરેલી વાણી રે ? મોહનજીo

ખિટળિયાળા કેશમાં કે મદનમોહન વેશમાં

કે મોરલી મોહનની પિછાણી રે ? મોહનજીo

શું મુખારવિંદમાં કે મંદહાસ્ય ફંદમાં

કે કટાક્ષે મોહની વખાણી રે ? મોહનજીo

કે શું અંગેઅંગમાં કે લલિતત્રિભંગમાં

કે શું અંગ-ઘેલી કરી શાણી રે ? મોહનજીo

ચપળ રસિક નેનમાં કે છાની છાની સેનમાં

કે જોબનનું રૂપ કરે પાણી રે ? મોહનજીo

કાળજ કોર્યું તે કોને કહીએ

કાળજ કોર્યું તે કોને કહીએ રે ઓધવ! છેલછબીલડે?

વેરી હોય તો વઢતાં રે ફાવીએ, પણ પ્રાણથી પ્યારો એને લહીએ રે! ઓધવ!

ધીખીએ ઢાંક્યા તે કહ્યે નવ શોભીએ, ડાહ્યાં શું વાહ્યાં નાને છૈયે રે! ઓધવ!

સોડનો ઘાવ માર્યો સ્નેહી શામળિયે! કિયા રાજાને રાવે જઈએ રે! ઓધવ!

કળ ન પડે કાંઈ પેર ન સૂઝે! રાત દિવસ ઘેલાં રહીએ રે! ઓધવ!

કાંઈ વસ્તુમાં ક્ષણ ચિત્ત ન ચોંટે! અલબેલો આવી બેઠો હૈયે રે! ઓધવ!

દયાના પ્રીતમજી ને એટલું કહેજો: ક્યાં સુધી આવાં દુખ સહીએ રે! ઓધવ!

ઓ વ્રજનારી !

ઓ વ્રજનારી ! શા માટે તું અમને આળ ચડાવે ?
પુણ્ય પૂરવ તણાં, એથી પાતળીયો અમને લાડ લડાવે.

મેં પૂરણ તપ સાધ્યાં વનમાં, મેં ટાઢતડકા વેઠ્યાં તનમાં,
ત્યારે મોહને મ્હેર આણિ મનમાં, ઓ વ્રજનારી !

હું ચોમાસે ચાચર રહેતી, ઘણી મેધઝડી શરીરે સહેતી,
સુખદુઃખ કાંઇ દિલમાં નવ લ્હેતી, ઓ વ્રજનારી !

મારે અંગ વાઢ વઢાવિયા, વળી તે સંઘાડે ચડાવિયા,
તે ઉપર છેદ પડાવિયા, ઓ વ્રજનારી !

ત્યારે હરિએ હાથ કરી લીધી, સૌ કોમાં શિરોમણિ કીધિ,
દેહ અર્પી અર્ધ અંગે દીધી, ઓ વ્રજનારી !

ઓ જશોદાજી

ઓ જશોદાજી ! એવડો લાડકવાયો લાલ ન કીજીયે. રે ! ક્ય્હાં સુધી સુતનાં ચોરચરિત્ર જોઇને રીઝિયે ?

વ્હાલે કૌતુક કીધું મંદિરમાં; એક માખણપિંડ લીધો કરમાં;

વ્હાલો સંતાડ્યાં શોધી (ક હા)ડે; હોય ઉંચાં પણ હેઠાં પાડે;

એ તો ખાય ખવરાવે વણસાડે. ઓ જશોદાજી !

વ્હાલો સૂતાં બાળક્નાં અંગ મોડે; મ્હારાં બાંધ્યાં વાછરૂં છોડી મેલે;

દહીં દૂધ તની રંજાડ કરે. ઓ જશોદાજી !

દયાના પ્રીતમ સ્વામી રસિયા; ખાન ગોરસ પર આવે ધસિયા;

ધન્ય ભાગ્ય અમારૂં વ્રજમાં વસિયાં. ઓ જશોદાજી !

ઉદ્ધવજી વિચારો રે અંતર આપણે

ઉદ્ધવજી વિચારો રે અંતર આપણે, વણસમજ્યે શી દેવી રે શીખ?
જોવા કરકંકણ જોઈ એ શીદ આરસી? હોય વિચાર તો પાસે પરીખ ઉદ્ધવજી૦

તમારો તો હરિ વ્યાપક સર્વત્ર છે, ત્યારે કહો અધિક કે ઓછા ક્યાંય?
નિત્ય ઊઠી જાઉં છું શીદ કરી રહ્યા? એવડું શું દાટ્યું છે મધુપુરી માંહ્ય? ઉદ્ધવજી૦

ભમરે છે લોભી ગંધ કમળ ને કેતકી, દૂર થકી લાવે છે સુગંધી ગ્રહી વાય,
તેટલેથી હ્રદયરંજન ન થાતું હોય તો શીદને દોરાય? શીદ કંટકમાં જાય? ઉદ્ધવજી૦

દશે દિશા દીસે ઉદ્યોત ઇન્દુ તણો, પણ જ્યાં લગી અભ્રને ઓથે ચંદ,
સાગર કુમોદાદિક ફૂલે તો ફૂલજો, પણ ચિત્તચકોરને ન ઊપજે આનંદ. ઉદ્ધવજી૦

આંખોમાં ઊડે ગુલાલ

લોકડિયાં દેખે છે લાલ ! આંખોમાં ઊડે ગુલાલ,
મુખડાની ખાશો ગાળ ! આ તે શું કર્યું ?

આડે દહાડે જોર ન ફાવ્યું, આજ હોળીનું ટાણું,
ઘણા દિવસની ગુંજ રીસની, આજ ઉકેલો જાણું.

જે કહેશો તે'હા જ હાવાં, નવ બાનું તે ચૂકી,
ઓરા આવો, કહું કાનમાં, 'મારા સમ દો મૂકી !

શું કરું ? જો આવી સાંકડે, મારું જોર ન ફાવ્યું,
દયા પ્રીતમ મુને કાયર કરીને, તોબાખત લખાવ્યું !

શ્યામ રંગ સમીપે ન જાવું

શ્યામ રંગ સમીપે ન જાવું
મારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જાવું

જેમાં કાળાશ તે તો સૌ એકસરખું
સર્વમાં કપટ હશે આવું
કસ્તૂરી કેરી બિંદી તો કરું નહીં
કાજળ ના આંખમાં અંજાવું
મારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જાવું

કોકિલાનો શબ્દ હું સૂણું નહીં કાને
કાગવાણી શકુનમાં ન લાવું
નીલાંબર કાળી કંચૂકી ન પહેરું
જમનાનાં નીરમાં ન ન્હાવું
મારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જાવું

પૃષ્ઠો

Subscribe to ગુજરાતી  લોકસાહિત્ય  RSS