સોનલ ગરાસણી

સોનલ રમતી રે ગઢડાને ગોખે જો,
ગઢડાને ગોખે જો,
રમતાં ઝીલાણી સોનલ ગરાસણી.

આડો આવ્યો રે, સોનલ ! દાદાનો દેશ જો,
દાદાનો દેશ જો,
સોનલે જાણ્યું જે દાદા છોડવશે.
દાદે દીધાં રે સોનલ ! ધોળુડાં ધણ જો,
ધોળુડાં ધણ જો,
તો યે ન છૂટી સોનલ ગરાસણી.

આડો આવ્યો રે, સોનલ ! કાકાનો દેશ જો,
કાકાનો દેશ જો,
સોનલે જાણ્યું જે કાકો છોડવશે.
કાકે દીધાં રે સોનલ ! કાળુડાં ખાડુ જો,
કાળુડાં ખાડુ જો,
તો યે ન છૂટી સોનલ ગરાસણી.

સૈયર મેંદી લેશું રે

મેંદી લેશું, મેંદી લેશું, મેંદી મોટા ઝાડ
એક હલાવું ડાળ ત્યારે ડાળાં હલે ચાર
સૈયર મેંદી લેશું રે

મારી સાસુએ એમ કહ્યું કે વાસીદાં વાળી મેલ
મેં ભોળીએ એમ જાણ્યું કે સાવરણી બાળી મેલ
સૈયર મેંદી લેશું રે

મારી સાસુએ એમ કહ્યું કે પાણીડાં ભરી મેલ
મેં ભોળીએ એમ જાણ્યું કે બેડલાં ફોડી મેલ
સૈયર મેંદી લેશું રે

મારી સાસુએ એમ કહ્યું કે રોટલા ઘડી મેલ
મેં ભોળીએ એમ જાણ્યું કે ચૂલો ખોદી મેલ
સૈયર મેંદી લેશું રે

મારી સાસુએ એમ કહ્યું કે કોડમાં દીવો મેલ
મેં ભોળીએ એમ જાણ્યું કે સોડમાં દીવો મેલ
સૈયર મેંદી લેશું રે

સૂપડું સવા લાખનું

સૂપડું સવા લાખનું, ઝાટકો રે ઝાટકો
દાણા એટલા દાણા, પાણા એટલા પાણા
દાણા દાણા મૈયરિયાના
પાણા પાણા સાસરિયાના
સૂપડું સવા લાખનું, ઝાટકો રે ઝાટકો

બોલો નવતર વહુ તમને સસરા ગમે કેવા ?
ઝૂલે બેસી ઝૂલે એવા
એને કાંઈ ન લેવા દેવા
મને સસરા ગમે એવા
સૂપડું સવા લાખનું, ઝાટકો રે ઝાટકો

બોલો નવતર વહુ તમારાં સાસુ છે કેવા ?
તીખાં તમતમતાં જાણે
લાલ-લીલા મરચાં જેવા
મારા સાસુજી છે એવા
સૂપડું સવા લાખનું, ઝાટકો રે ઝાટકો

સાહ્યબા સડક્યું બંધાવ

સાહ્યબા સડક્યું બંધાવ, એ વાગડ જાવું
વાગડ જાવું મારે ભુજ શે'ર જાવું

વાગડ જાતાં મુને તડકા રે લાગે
સાહ્યબા ઝાડ રોપાવ, એ વાગડ જાવું

વાગડ જાવું સાહ્યબા વાગડ જાવું

વાગડ જાતાં મુને તરસ્યું રે લાગે
સાહ્યબા વાવ્યું બંધાવ, એ વાગડ જાવું

વાગડ જાવું સાહ્યબા વાગડ જાવું

વાગડ જાતાં મુને ભૂખલડી લાગે
સાહ્યબા કંદોઈ બેસાડ, એ વાગડ જાવું

વાગડ જાવું સાહ્યબા વાગડ જાવું

વાગડ જાવું મારે ભુજ શે'ર જાવું
સાહ્યબા સડક્યું બંધાવ, એ વાગડ જાવું

સાયબા, હું તો ત્રાંબાની હેલ્યે પાણી

સાયબા, હું તો ત્રાંબાની હેલ્યે પાણી નૈ ભરું રે લોલ,

સાયબા, મુને રૂપલા બેડાની ઘણી હામ રે
સાયબા, મુને મુંબઇમાં મો’લ ચણાવજો રે લોલ.

સાયબા, મારે સાસરો ભલા પણ વેગળા રે લોલ,
સાયબા, મુને ઘૂંઘટ કાઢ્યાની ઘણી હામ રે. - સાયબા, મુને…

સાયબા, મારી સાસુ ભલાં પણ વેગળા રે લોલ,
સાયબા, મુને પગે પડ્યાની ઘણી હામ રે. - સાયબા, મુને…

સાયબા, મારે જેઠ ભલા પણ વેગળા રે લોલ,
સાયબા, મુને ઝીણું બોલ્યાની ઘણી હામ રે. - સાયબા, મુને…

સાયબા, મારે જેઠાણી ભલાં પણ વેગળાં રે લોલ,
સાયબા, મુને વાદ વદ્યાની ઘણી હામ રે. - સાયબા, મુને…

સાયબા મુને મુંબઈમાં

સાયબા, હું તો તાંબાની હેલે પાણીડાં નહિ ભરું રે લોલ
સાયબા, મુને રૂપલાં બેડાંની ઘણી હામ રે

સાયબા, મુને મુંબઈમાં મો’લ ચણાવજો રે લોલ

સાયબા, મારે સસરા ભલા પણ વેગળાં રે લોલ
સાયબા, મુને ઘૂંઘટ કાઢ્યાની ઘણી હામ રે

સાયબા, મુને મુંબઈમાં મો’લ ચણાવજો રે લોલ

સાયબા, મારે સાસુ ભલા પણ વેગળાં રે લોલ
સાયબા, મુને પગે પડ્યાની ઘણી હામ રે

સાયબા, મુને મુંબઈમાં મો’લ ચણાવજો રે લોલ

સાયબા, મારે જેઠ ભલા પણ વેગળાં રે લોલ
સાયબા, મુને ઝીણું બોલ્યાની ઘણી હામ રે

સાયબા, મુને મુંબઈમાં મો’લ ચણાવજો રે લોલ

સાત ભાઈઓ ને એક બેનડી

સાત સાત ભાઈઓ ને એક બેનડી રે લોલ
પહેરી ઓઢી કરે લીલા લહેર જો
સાત ભોજાઈમાં નણંદ લાડક્યાં રે લોલ

બાલુડો વેશ બેનીનો વયો ગયો રે લોલ
મંડાણી લગનિયાની વાત જો
લગન લીધાં બેનીનાં ઢૂંકડાં રે લોલ

એ જી રે....
લગન લીધાં બેનીનાં ઢૂંકડાં રે લોલ

પાણી પરમાણે પૈસો વાપર્યો રે લોલ
પેટીયું પટારા પચાસ જો
કરિયાવર કર્યો બેનીને સામટો રે લોલ

લઈને હાલ્યા બેનીબા સાસરે રે લોલ
આવડે નહિ રસોડાના કામ જો
સુખી માવતરની આ તો દીકરી રે લોલ

એ જી રે...
સુખી માવતરની આ તો દીકરી રે લોલ

સાગ સીસમનો ઢોલિયો

સાગ સીસમનો ઢોલિયો રે વાલમા
અમરા ડમરાનાં વાણ મારા વાલમા

સાગ સીસમનો ઢોલિયો રે વાલમા

તિયાં ચડી શ્રીકૃષ્ણ પોઢે મારા વાલમા
રુકમણી ઢોળે છે વાય મારા વાલમા

સાગ સીસમનો ઢોલિયો રે વાલમા

વાય ઢોળંતાં પૂછિયું મારા વાલમા
સ્વામી અમને ચૂંદડિયુંની હોંશ મારા વાલમા

સાગ સીસમનો ઢોલિયો રે વાલમા

કેવાં તે રંગમાં રંગાવું મારા વાલમા
કેવી કેવી પડાવશું ભાત મારા વાલમા

સાગ સીસમનો ઢોલિયો રે વાલમા

કસુંબલ રંગમાં રંગાવો મારા વાલમા
ઝીણી ઝીણી ચોખલિયાળી ભાત મારા વાલમા

સાગ સીસમનો ઢોલિયો રે વાલમા

સરવણની કથા

માછલી વિયાણી કાંઈ દરિયાને બેટ
સરવણ રિયો એની માને પેટ

કાળી પછેડી ને ભમરિયાળી ભાત
સરવણ જનમ્યો માઝમ રાત

અડી કડી ને નવઘણ કૂવો
ત્યાં સરવણનો જનમ હુઓ

લાંબી પીપળ ટૂંકા પાન
સરવણ ધાવે એની માને થાન

સાત વરસનો સરવણ થીયો
લઈ પાટીને ભણવા ગીયો

ભણી ગણી બાજંદો થીયો ને
સુખણી નારને પરણી ગીયો

સુખણી નાર મારાં વચન સુણો રે
મારાં આંધળા માબાપની સેવા કરો

આંધળા માબાપને કૂવામાં નાખ
મને મારે મહિયર વળાવ

મોર સરવણ ને વાંહે એની નાર
સરવણ આવ્યો એના સસરાને દ્વાર

શરદ પુનમની રાતડી

શરદ પુનમની રાતડી રંગ ડોલરીયો, [૨]
માતાજી રમવા ચાલો રે રંગ ડોલરીયો.

રમી ભમી ઘેર આવીયા રંગ ડોલરીયો,
માતાજી જમવા ચાલો રે રંગ ડોલરીયો.

માતાએ પીરસી લાપસી રંગ ડોલરીઓ,
માએ નાખ્યા તલના તેલ રે રંગ ડોલરીયો.

આવી છે અજવાળી રાતડી રે રંગ ડોલરીયો,
કાંઈ ચાદો ચઢ્યો આકાશે રે રંગ ડોલરીયો.

પૃષ્ઠો

Subscribe to ગુજરાતી  લોકસાહિત્ય  RSS