મેરુ તો ડગે જેનાં મન ના ડગે

મેરુ તો ડગે જેનાં મન ના ડગે
મરને ભાંગી પડે બ્રહ્માંડજી;
વિપત્તિ પડે તોય વણસે નહીં;
સોઈ હરિજનનાં પ્રમાણજી... મેરુ...
ચિત્તની વૃતિ જેની સદાય નિરમળ,
ને કોઈની કરે નહિ આશજી;
દાન દેવે પણ રહે અજાસી,
રાખે વચનમાં વિશ્વાસ રે જી... મેરુ...
હરખ ને શોકની આવે નહી હેડકી,
આઠ પહોર રહે આનંદજી,
નિત્ય રે નાચે સત્સંગમાં ને
તોડે માયા કેરા ફંદજી... મેરુ...
તન મન ધન જેણે પ્રભુને સમર્પ્યાં,
તે નામ નિજારી નર ને નારજી,
એકાંતે બેસીને આરાધના માંડે તો,
અલખ પધારે એને દ્વારજી... મેરુ...

કાનાને માખણ ભાવે રે વ્હાલાને મીસરી ભાવે રે

કાનાને માખણ ભાવે રે વ્હાલાને મીસરી ભાવે રે

ઘારી ધરાવું ને ઘુઘરા ધરુ ઘેવર ધરુ સઈ
મોહનથાળ ને માલપુઆ પણ માખણ જેવા નઈ
--કાનાને માખણ ભાવે રે

શીરો ધરાવુ ને શ્રીખંડ ધરુ સુતરફેણી સઈ
ઉપર તાજા ઘી ઘરુ પણ માખણ જેવાં નઈ
-- કાનાને માખણ ભાવે રે

જાત જાતના મેવા ધરાવુ ધૂધ સાકર ને દહીં
છપ્પ્નભોગ ને સામગ્રી ધરાવું પણ માખણ જેવા નઈ
-- કાનાને માખણ ભાવે રે

ગોપીએ માખણ ધર્યું ને હાથ જોડી ઊભી રઈ
દીનાનાથ રે જપ્યા રે નાચ્યા થૈ થૈ થૈ
-- કાનાને માખણ ભાવે રે

તું તો માળા રે જપીલે રાધેશ્યામની

તારી એક એક પળ જાય લાખની,
તું તો માળા રે જપીલે રાધેશ્યામનીo

ખાલી આવ્યા ખાલી જાશું,
સાથે શું લાવ્યા શું લઇ જાશું ?
જીવન ધન્ય રે બનાવો ભક્તિભાવથી,
તું તો માળા રે જપીલે રાધેશ્યામનીo

જુઠા જગના જુઠા ખેલ,
મનવા તારું મારું મેલ.
હવે છોડી દેને ચિંતા આખા ગામની,
તું તો માળા રે જપીલે રાધેશ્યામનીo

તારી એક એક પળ જાય લાખની,
તું તો માળા રે જપીલે રાધેશ્યામનીo

અગડ બમ શિવ લહેરી

બમ બમ લહેરી ઓમ શિવ લહેરી સબ ગાવે,
અગડ બમ શિવ લહેરી અગડ બમ શિવ લહેરી.

નારદજીની વીણા બોલે, શિવજીનું ડમરુ બોલે,
શિવ લહેરી રે ઓમ શિવ લહેરી (૨)

ગંગાજીની ધારા બોલે, ઘટોઘટ માંહી બોલે,
શિવ લહેરી રે ઓમ શિવ લહેરી (૨)

શ્યામ કેરી બંસી બોલે, મીરાનો એકતારો બોલે,
શિવ લહેરી રે ઓમ શિવ લહેરી (૨)

બ્રહ્માજીના વેદ બોલે, અંતરના ભેદ ખોલે,
શિવ લહેરી રે ઓમ શિવ લહેરી (૨)

નરસિંહનો કેદારો બોલે, સંગ એકતારો બોલે,
શિવ લહેરી રે ઓમ શિવ લહેરી (૨)

બમ બમ લહેરી ઓમ શિવ લહેરી સબ ગાવે,
અગડ બમ શિવ લહેરી અગડ બમ શિવ લહેરી.

હંસલા શિવને રટીલે

મળ્યો તને માનવ અવતાર હંસલા શિવને રટીલે,
વાંકો કોઈ કરશે ન વાળ હંસલા શિવને રટીલે.

જગતના ચોકમાં આવ્યો તું જ્યારથી
ભૂલી ગયો રામને માયાવી પ્યારથી
વધ્યો માથે દેવાનો ભાર હંસલાo

સંપતિમાં સુખ નથી સાચું જીવનનું
કરતો સદાય તું ધાર્યું તારા મનનું
જાણ્યો નહિ જિંદગીનો સાર હંસલાo

ઝાંઝવાના જળ જોઈ દુર દુર ભટક્યો
આશાના તંતુએ અધ્ધર તું લટક્યો
કામ નહિ આવે પરિવાર હંસલાo

ભક્તિને પંથ જાતા ભક્તો સાંભળજો
મૂડી ઝાઝી ભજનની બાંધજો
થઇ જાયે ત્યારે બેડો પાર હંસલાo

નંદબાવાને માતા જશોદાજી સાંભરે

નંદબાવાને માતા જશોદાજી સાંભરે,
મમતા રે મોટી રે મારી રહી ગઈ ગોકુળમાં. - નંદબાવાનેo

છપ્પન ભોગ અહીં રોજ પીરસાતા (૨)
પણ માખણને રોટી મારી રહી ગઈ ગોકુળમાં. - નંદબાવાનેo

સોનાના થાળ અહીં સોનાના કટોરા, (૨)
પણ રૂડી મારી ત્રાંસડી રહી ગઈ ગોકુળમાં. - નંદબાવાનેo

સિતાર-સારંગીના ગીત અહીં ગુંજતા, (૨)
પણ વાલી મારી વાંસળી રહી ગઈ ગોકુળમાં. - નંદબાવાનેo

તમે ભાંગો મારા દલડાની ભ્રાતા...

તમે ભાંગો મારા દલડાની ભ્રાતા...
તમે ખોલો મારા રૂદિયાના તાળા...
મારા દુખ દારિદ્રય મટી જાતા...
ગણપતિ દાતા મેરે દાતા

મૂળ મહેલમાં વસે ગુણેશા
ગુરુ-ગમસે ગમ પાતા... ગુણપતિ દાતા
રૂમઝુમ રૂમઝુમ નેપુર બાજે
મધુર ચાલ ચલંતા.. ગુણપતિ દાતા

ખીર ખાંડને અમૃત ભોજન...
ગુણપતિ લાડુડા પાતા...
ધૂપ ધ્યાનને કરું આરતી
ગુગળના ધૂપ હોતા..ગુણપતિ દાતા

બહુ કનડે છે કાનો રે માતાજી તારો

બહુ કનડે છે કાનો રે માતાજી તારો !
બહુ કનડે છે કાનો.

સુતેલા છોકરાને જઈને જગાડે, (૨)
ચીટીયા ભરે છાનોમાનો રે માતાજીo

માણસ દેખીને મારી કરે છે મશ્કરી (૨)
નથી હવે કાઈ નાનો રે માતાજીo

મહી માખણ તો ચોરે છીકેથી,(૨)
એવો શું સ્વભાવ છે એનો રે માતાજીo

શું કરીએ માત આવે શરમ તમારી, (૨)
નહીત્તર નથી માણસ કઈ સારો રે માતાજીo

દાસ સવો કહે જરા વારો જશોદા મૈયા,(૨)
એને બોધ ન લાગે બીજાનો રે માતાજીo

પ્રથમ પહેલા સમરીએ સ્વામી તમને સુંઢાળા

પ્રથમ પહેલા સમરીએ સ્વામી તમને સુંઢાળા,
રિદ્ધિસિદ્ધિના દેવ દેવતા, મહેર કરો મહારાજ (૨)

માતારે જેના પાર્વતી સ્વામી તમને સુંઢાળા
પિતા શંકર દેવ દેવતા, મહેર કરો મહારાજ (૨)

ઘી સિંદુરની સેવા ચડે,સ્વામી તમને સુંઢાળા
ગળામાં ફૂલડાની હાર દેવતા, મહેર કરોને મહારાજ (૨)

કાનમાં કુંડળ ઝળહળ સ્વામી તમને સુંઢાળા
ગળામાં મોતીડાની માળ દેવતા મહેર કરોને મહારાજ

પાંચ લાડુ તમને પાય ધરું સ્વામી તમને સુંઢાળા
લડી લડી પાય લાગુ દેવતા મહેર કરોને મહારાજ (૨)

રાવતરણશીની વિનતી સ્વામી તમને સુંઢાળા
ભક્તોને હો જો સહાય દેવતા, મહેર કરો મહારાજ (૨)

આ બંગલાનો બાંધનાર કેવો..

આ બંગલાનો બાંધનાર કેવો..આ બંગલો કોણે બનાવ્યો
લોઢું નથી આમાં લાકડું નથી રે, નથી ખીલા નથી ખીલી ...આ બંગલો...
ઇંટો નથી આમાં ચૂનો નથી રે, નથી સિમેન્ટ નથી રેતી ...આ બંગલો...

આરે બંગલામાં દશ દરવાજા, નવસો નવાણું છે નાડી આ ...
કડિયા કારીગરની કારીગરી કેવી, પાણીની બાંધી હવેલી ...આ બંગલો...
બંગલો બનાવી જીવાભાઇને પધરાવ્યા નથી દેતાં કાંઈ ભાડું ...આ બંગલો...

નટવર શેઠની નોટીસો આવી, અમારાં ચોપડામાં નામું...આ બંગલો ખાલી કરવાનો
ઉઠો જીવાભાઈ જમડા બોલાવે, માલિકની ખૂટી મહેરબાની...આ બંગલો...
બુદ્ધિ શેઠાણી શેઠને સમજાવે, હવે સમજો તો કાંઇક સારું...આ બંગલો...

પૃષ્ઠો

Subscribe to ગુજરાતી  લોકસાહિત્ય  RSS