સંતને સંતપણા રે મનવા નથી મફતમાં મળતા

સંતને સંતપણા રે મનવા નથી મફતમાં મળતા,
નથી મફતમાં મળતા રે એના મૂલ ચૂકવવા પડતાં.
સંતને સંતપણા રે...

ભરી બજારે કોઈ વેચાણા. કોઈ તેલ કડામાં બળતા (૨)
કાયા કાપી કાંટે તોળી કોઈ હેમાળો ગળતા.
સંતને સંતપણા રે...

કરવત મેલી માથા વેર્યાને કાળજા કાપીને ધરતા (૨)
ઝેર પીધાં ને જેલું ભોગવી સાધુડા સુળીએ ચડતા.
સંતને સંતપણા રે...

પ્યારા પુત્રનું મસ્તક ખાંડીને ભોગ સાધુને ધરતા (૨)
ઘરની નારી દાનમાં દેતાં, જેના દિલ જરી નવ ડરતા.
સંતને સંતપણા રે...

ભાવે ભજીલ્યો ભગવાન

તમે ભાવે ભજીલ્યો ભગવાન જીવન થોડું રહ્યું.
કંઈક આત્માનું કરજો કલ્યાણ જીવન થોડું રહ્યું.

એને દીધેલ કોલ તમે ભૂલી ગયા,
જુઠી માયાને મોહમાં ઘેલા થયા.
ચેતો ચેતો શું ભૂલ્યા છો ભાન. જીવન થોડું રહ્યું...

બાળપણને જુવાનીમાં અડધું ગયું.
નથી ભક્તિના મારગમાં ડગલું ભર્યું.
હવે બાકી છે તેમાં દયો ધ્યાન. જીવન થોડું રહ્યું...

પછી ઘડપણમાં શંકર ભજાશે નહિ,
લોભ વૈભવ ને ધનને તજાશે નહિ.
બનો આજથી પ્રભુમાં મસ્તાન. જીવન થોડું રહ્યું...

શિવજીનું ડમરુ ડમ ડમ વાગે

શિવજીનું ડમરુ ડમ ડમ વાગે,
શિવજીના ત્રણ લોક ગાજે,
હો ડમરુ ડમ ડમ વાગેo

કૈલાસમાંથી ભોળાનાથ આવ્યા,
પાર્વતીએ ચોખલે વધાવ્યા કે,
શિવજીનું ડમરુ ડમ ડમ વાગેo

અયોધ્યામાંથી રામ આવ્યા,
સીતાજીએ મોતીડે વધાવ્યા કે,
શિવજીનું ડમરુ ડમ ડમ વાગેo

ગોકુળમાંથી શ્રીકૃષ્ણ આવ્યા,
રાધાજીએ ફૂલડે વધાવ્યા કે,
શિવજીનું ડમરુ ડમ ડમ વાગેo

શિવજીનું ડમરુ ડમ ડમ વાગે,
શિવજીના ત્રણ લોક ગાજે,
હો ડમરુ ડમ ડમ વાગેo

સૌનું કરો કલ્યાણ, દયાળુ પ્રભુ ! સૌનું કરો કલ્યાણ.

સૌનું કરો કલ્યાણ, દયાળુ પ્રભુ ! સૌનું કરો કલ્યાણ.
નરનારી પશુપંખીની સાથે,
જીવજંતુનું તમામ ... દયાળુ પ્રભુ

જગના વાસીઓ સૌ સુખ ભોગવે,
આનંદ આઠે જામ ... દયાળુ પ્રભુ

દુનિયામાં દર્દ-દુકાળ પડે નહિ,
લડે નહિ કોઇ ગામ ... દયાળુ પ્રભુ

સર્વ જગે સુખાકારી વધે ને,
વળી વધે ધનધાન્ય ... દયાળુ પ્રભુ
કોઇ કોઇનું બૂરું ન ઇચ્છે,
સૌનું ઇચ્છે સૌ સમાન ... દયાળુ પ્રભુ
પોતપોતાના ધર્મ પ્રમાણે,
સર્વ ભજે ભગવાન ... દયાળુ પ્રભુ

પૃષ્ઠો

Subscribe to ગુજરાતી  લોકસાહિત્ય  RSS