વેલ્યું છૂટિયું રે વીરા

વેલ્યું છૂટિયું રે વીરા વાડીના વડ હેઠ
ધોળીડાં બાંધ્યા રે વડને વાંકીએ

ચાર પાંચ સૈયરું રે વીરા પાણીડાંની હાર્ય
વચલી પાણિયારીએ વીરને ઓળખ્યો

ઓળખ્યો ઓળખ્યો રે માની આંખ્યુંની અણસાર
બાપની બોલાશે વીરને ઓળખ્યો

વીરા ચાલો રે દખણી બેનીને ઘેર
ઉતારા દેશું ઊંચા ઓરડા

વેલ્યુ છોડજો રે વીરા લીલા લીંબડા હેઠ
ધોળીડાં બાંધજો રે વચલે ઓરડે

નીરીશ નીરીશ રે વીરા લીલી નાગરવેલ્ય
ઉપર નીરીશ રાતી શેરડી

રાંધીશ રાંધીશ રે વીરા કમોદુંનાં કૂર
પાશેર રાંધીશ કાજુ ખીચડી

પાપડ શેકીશ રે વીરા પૂનમ કેરો ચાંદ
ઉપર આદુ ને ગરમર અથાણાં

વાવડીનાં પાણી ભરવા ગ્યાં’તા

હો રાજ રે !
વાવડીનાં પાણી ભરવા ગ્યાં’તા મને કેર કાંટો વાગ્યો.

હો રાજ રે !
વડોદરાના વૈદડા તેડાવો, મારાં કાંટડિયા કઢાવો,
મને પાટડિયા બંધાવો; મને કેર કાંટો વાગ્યો.

હો રાજ રે !
ધોરાજીના ઢોલિયા મંગાવો, માંહી પાથરણાં પથરાવો,
આડા પડદલા બંધાવો; મને કેર કાંટો વાગ્યો.

હો રાજ રે !
ઓશરિયેથી ખાંડણિયા રે કાઢો, મારા ધબકે ખંભા દુખે;
મને કેર કાંટો વાગ્યો.

હો રાજ રે !
સસરાજીને ચોવટ કરવા મેલો, મને ઘૂંઘટડા કઢાવો;
મને કેર કાંટો વાગ્યો.

વાદલડી વરસી રે

વાદલડી વરસે રે સરોવર છલી વળ્યાં
સાસરિયામાં મ્હાલવું રે
પિયરીયામાં છૂટથી રહ્યા
વાદલડી વરસે રે સરોવર છલી વળ્યાં

મારા પગ કેરાં કડલાં રે
વીરો મારો લેવા હાલ્યો
વીરા લઈને વેલો આવજે રે
હાહરિયા મારે ઘિરે બેઠા
વાદલડી વરસે રે સરોવર છલી વળ્યાં

મારા હાથ કેરી બંગડી રે
વીરો મારો લેવા હાલ્યો
વીરા લઈને વેલો આવજે રે
હાહરિયા મારે ઘિરે બેઠા
વાદલડી વરસે રે સરોવર છલી વળ્યાં

મારા નાક કેરી નથણી રે
વીરો મારો લેવા હાલ્યો
વીરા લઈને વેલો આવજે રે
માંડવિયા મારે ઘિરે બેઠા
વાદલડી વરસે રે સરોવર છલી વળ્યાં

વાત બહાર જાય નહીં

વાત બહાર જાય નહીં (૨)
આતો તમે રહ્યા ઘરના બીજા, કોઇઅને કહેવાય નહીં
નામ હોય સુનયના, આંખ એની બાડી,
ડાહ્યાભાઇઅનો દીકરો, વાત કરે ગાંડી.

કાણાને કાણો કહી, કદી બોલાવાય નહિં… આતો તમે રહ્યા ઘરના
જૂઠી આ દુનિયાની વાત બધી જૂઠી,
વાત કરે લાખોની, ખાલી હોય મૂઠી.

જૂઠાને જૂઠો કહી, કદી વગોવાય નહિ… આતો તમે રહ્યા ઘરના
નીવડે કપૂત તોય શેઠિયાનો સુત શાણો,
ઉપરથી ફૂલ જેવો અંદરથી મોટો પાણો
સમજુઓં સમજાય છતાં બોલ્યું બોલાય નહિ … આતો તમે રહ્યા ઘરના

વહુએ વગોવ્યાં મોટા ખોરડાં

ગામમાં સાસરિયું ને ગામમાં પિયરયું રે લોલ
કહેજો દીકરી સખદખની વાત જો
કવળાં સાસરિયામાં જીવવું રે લોલ

હરખના દાડા તો માતા વહી ગયા રે લોલ
દખનાં ઉગ્યાં છે ઝીણા ઝાડ જો
કવળાં સાસરિયામાં જીવવું રે લોલ

પછવાડે ઊભેલ નણંદ સાંભળે રે લોલ
વહુ કરે છે આપણા ઘરની વાત જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

નણંદીએ જઈ સાસુને સંભળાવિયું રે લોલ
વહુ કરે છે આપણા ઘરની વાત જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

સાસુએ જઈ સસરાને સંભળાવિયું રે લોલ
વહુ કરે છે આપણા ઘરની વાત જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

વનરાવન મોરલી વાગે છે

વાગે છે રે વાગે છે,
વનરાવન મોરલી વાગે છે.

એના સૂર ગગનમાં ગાજે છે,
વનરાવન મોરલી વાગે છે.

કેમ કરી આવું કાન ગોકુળની ગલીઓમાં
મારી સાસુડી વેરણ જાગે છે.

પગલું માંડુ તો વાગે પગના ઝાંઝર આ
મારી જેઠાણી વેરણ જાગે છે.

વીતે છે રાતડીને ચાંદલીયો આથમ્યો
મારી દેરાણી વેરણ જાગે છે.

હળવેથી છેડ કાન મોરલીના સૂર હવે
તારી મોરલીના મોહબાણ વાગે છે.

વનમાં બોલે ઝીણા મોર

વનમાં બોલે ઝીણા મોર
કોયલરાણી કિલોળ કરે રે લોલ !
ઝીણા ઝરમર વરસે મેહ
વાદલડી વાયે વળે રે લોલ !

બેની મારો ઉતારાનો કરનારો
જાદવરો ક્યારે આવે રે લોલ !
આવશે સાતમ ને સોમવારે
આઠમની મધરાતે રે લોલ !

બેની મારો દાતણનો કરનારો
જાદવરો ક્યારે આવે રે લોલ !
આવશે સાતમ ને સોમવારે
આઠમની મધરાતે રે લોલ !

બેની મારો નાવણનો કરનારો
જાદવરો ક્યારે આવે રે લોલ !
આવશે સાતમ ને સોમવારે
આઠમની મધરાતે રે લોલ !

બેની મારો ભોજનનો કરનારો
જાદવરો ક્યારે આવે રે લોલ !
આવશે સાતમ ને સોમવારે
આઠમની મધરાતે રે લોલ !

વનમાં ચાંદલિયો ઊગ્યો રે

વનમાં ચાંદલિયો ઊગ્યો રે
કે રસિયા મને સૂરજ થઈ લાગ્યો

રસિયા મોરા શેરીએ પડાવું સાદ રે
ઉતારા કરવાને કાજ રે

રસિયા મોરા શેરીએ પડાવું સાદ રે
દાતણ કરવાને કાજ રે

રસિયા મોરા ઝારીયું લઉં સાથ રે
દાતણ કરવાને કાજ રે

રસિયા મોરા શેરીએ પડાવું સાદ રે
ભોજન કરવાને કાજ રે

રસિયા મોરા સુખડી લેજો સાથ રે
ભોજન કરવાને કાજ રે

રસિયા મોરા શેરીએ પડાવું સાદ રે
ભોજન કરવાને કાજ રે

વણઝારા વાલમ છેતરીને લાવ્યો જો

હાલી હાલીને મારા પાવલિયા તરવાણા જો
તોયે રે ના આવ્યો તારો દેશ રે
વણઝારા વાલમ છેતરીને લાવ્યો જો. - હાલી હાલીને૦

આઘેરાં હાલો તો તમને
ચુંદડિયું લઈ આલું જો
તારી ચુંદડિયુંની ઓઢનારી હું નૈ રે
વણઝારા વાલમ છેતરીને લાવ્યો જો. - હાલી હાલીને૦

આઘેરાં હાલો તો તમને
કડલાં લઈ આલું જો
તારાં કડલાંની પે'રનારી હું નૈ રે
વણઝારા વાલમ છેતરીને લાવ્યો જો. - હાલી હાલીને૦

આઘેરાં હાલો તો તમને
હારલો લઈ આલું જો
તારા હારલાની પે'રનારી હું નૈ રે
વણઝારા વાલમ છેતરીને લાવ્યો જો. - હાલી હાલીને૦

વગડાની વચ્ચે વાવડી

વગડાની વચ્ચે વાવડી ને વાવડીની વચ્ચે દાડમળી
દાડમળી ના દાણા રાતા ચોળ , રાતા ચોળ સે
પગમા લકક્ડ્ પાવડી ને , જરીયલ પેરી પાઘલડી
પાઘલડીના તાણા રાતાચોળ, રાતાચોળ સે…..વગડાની…..

આની કોર્ય પેલી કોર્ય, મોરલા બોલે , ઉત્તર દખ્ખણ ડુંગરા ડોલે,
ઇશાની વાયરો વિંજણું ઢોળે, ને વેરી મન મારું ચડ્યું ચકડોળે
નાનું અમથુ ખોરડું ને, ખોરડે જુલે છાબલડી
છાબલડીના બોરા રાતાચોળ, રાતાચોળ સે….વગડાની…..

પૃષ્ઠો

Subscribe to ગુજરાતી  લોકસાહિત્ય  RSS