સાત ભાઈઓ ને એક બેનડી

સાત સાત ભાઈઓ ને એક બેનડી રે લોલ
પહેરી ઓઢી કરે લીલા લહેર જો
સાત ભોજાઈમાં નણંદ લાડક્યાં રે લોલ

બાલુડો વેશ બેનીનો વયો ગયો રે લોલ
મંડાણી લગનિયાની વાત જો
લગન લીધાં બેનીનાં ઢૂંકડાં રે લોલ

એ જી રે....
લગન લીધાં બેનીનાં ઢૂંકડાં રે લોલ

પાણી પરમાણે પૈસો વાપર્યો રે લોલ
પેટીયું પટારા પચાસ જો
કરિયાવર કર્યો બેનીને સામટો રે લોલ

લઈને હાલ્યા બેનીબા સાસરે રે લોલ
આવડે નહિ રસોડાના કામ જો
સુખી માવતરની આ તો દીકરી રે લોલ

એ જી રે...
સુખી માવતરની આ તો દીકરી રે લોલ

સાગ સીસમનો ઢોલિયો

સાગ સીસમનો ઢોલિયો રે વાલમા
અમરા ડમરાનાં વાણ મારા વાલમા

સાગ સીસમનો ઢોલિયો રે વાલમા

તિયાં ચડી શ્રીકૃષ્ણ પોઢે મારા વાલમા
રુકમણી ઢોળે છે વાય મારા વાલમા

સાગ સીસમનો ઢોલિયો રે વાલમા

વાય ઢોળંતાં પૂછિયું મારા વાલમા
સ્વામી અમને ચૂંદડિયુંની હોંશ મારા વાલમા

સાગ સીસમનો ઢોલિયો રે વાલમા

કેવાં તે રંગમાં રંગાવું મારા વાલમા
કેવી કેવી પડાવશું ભાત મારા વાલમા

સાગ સીસમનો ઢોલિયો રે વાલમા

કસુંબલ રંગમાં રંગાવો મારા વાલમા
ઝીણી ઝીણી ચોખલિયાળી ભાત મારા વાલમા

સાગ સીસમનો ઢોલિયો રે વાલમા

સરવણની કથા

માછલી વિયાણી કાંઈ દરિયાને બેટ
સરવણ રિયો એની માને પેટ

કાળી પછેડી ને ભમરિયાળી ભાત
સરવણ જનમ્યો માઝમ રાત

અડી કડી ને નવઘણ કૂવો
ત્યાં સરવણનો જનમ હુઓ

લાંબી પીપળ ટૂંકા પાન
સરવણ ધાવે એની માને થાન

સાત વરસનો સરવણ થીયો
લઈ પાટીને ભણવા ગીયો

ભણી ગણી બાજંદો થીયો ને
સુખણી નારને પરણી ગીયો

સુખણી નાર મારાં વચન સુણો રે
મારાં આંધળા માબાપની સેવા કરો

આંધળા માબાપને કૂવામાં નાખ
મને મારે મહિયર વળાવ

મોર સરવણ ને વાંહે એની નાર
સરવણ આવ્યો એના સસરાને દ્વાર

શરદ પુનમની રાતડી

શરદ પુનમની રાતડી રંગ ડોલરીયો, [૨]
માતાજી રમવા ચાલો રે રંગ ડોલરીયો.

રમી ભમી ઘેર આવીયા રંગ ડોલરીયો,
માતાજી જમવા ચાલો રે રંગ ડોલરીયો.

માતાએ પીરસી લાપસી રંગ ડોલરીઓ,
માએ નાખ્યા તલના તેલ રે રંગ ડોલરીયો.

આવી છે અજવાળી રાતડી રે રંગ ડોલરીયો,
કાંઈ ચાદો ચઢ્યો આકાશે રે રંગ ડોલરીયો.

વેલ્યું છૂટિયું રે વીરા

વેલ્યું છૂટિયું રે વીરા વાડીના વડ હેઠ
ધોળીડાં બાંધ્યા રે વડને વાંકીએ

ચાર પાંચ સૈયરું રે વીરા પાણીડાંની હાર્ય
વચલી પાણિયારીએ વીરને ઓળખ્યો

ઓળખ્યો ઓળખ્યો રે માની આંખ્યુંની અણસાર
બાપની બોલાશે વીરને ઓળખ્યો

વીરા ચાલો રે દખણી બેનીને ઘેર
ઉતારા દેશું ઊંચા ઓરડા

વેલ્યુ છોડજો રે વીરા લીલા લીંબડા હેઠ
ધોળીડાં બાંધજો રે વચલે ઓરડે

નીરીશ નીરીશ રે વીરા લીલી નાગરવેલ્ય
ઉપર નીરીશ રાતી શેરડી

રાંધીશ રાંધીશ રે વીરા કમોદુંનાં કૂર
પાશેર રાંધીશ કાજુ ખીચડી

પાપડ શેકીશ રે વીરા પૂનમ કેરો ચાંદ
ઉપર આદુ ને ગરમર અથાણાં

વાવડીનાં પાણી ભરવા ગ્યાં’તા

હો રાજ રે !
વાવડીનાં પાણી ભરવા ગ્યાં’તા મને કેર કાંટો વાગ્યો.

હો રાજ રે !
વડોદરાના વૈદડા તેડાવો, મારાં કાંટડિયા કઢાવો,
મને પાટડિયા બંધાવો; મને કેર કાંટો વાગ્યો.

હો રાજ રે !
ધોરાજીના ઢોલિયા મંગાવો, માંહી પાથરણાં પથરાવો,
આડા પડદલા બંધાવો; મને કેર કાંટો વાગ્યો.

હો રાજ રે !
ઓશરિયેથી ખાંડણિયા રે કાઢો, મારા ધબકે ખંભા દુખે;
મને કેર કાંટો વાગ્યો.

હો રાજ રે !
સસરાજીને ચોવટ કરવા મેલો, મને ઘૂંઘટડા કઢાવો;
મને કેર કાંટો વાગ્યો.

વાદલડી વરસી રે

વાદલડી વરસે રે સરોવર છલી વળ્યાં
સાસરિયામાં મ્હાલવું રે
પિયરીયામાં છૂટથી રહ્યા
વાદલડી વરસે રે સરોવર છલી વળ્યાં

મારા પગ કેરાં કડલાં રે
વીરો મારો લેવા હાલ્યો
વીરા લઈને વેલો આવજે રે
હાહરિયા મારે ઘિરે બેઠા
વાદલડી વરસે રે સરોવર છલી વળ્યાં

મારા હાથ કેરી બંગડી રે
વીરો મારો લેવા હાલ્યો
વીરા લઈને વેલો આવજે રે
હાહરિયા મારે ઘિરે બેઠા
વાદલડી વરસે રે સરોવર છલી વળ્યાં

મારા નાક કેરી નથણી રે
વીરો મારો લેવા હાલ્યો
વીરા લઈને વેલો આવજે રે
માંડવિયા મારે ઘિરે બેઠા
વાદલડી વરસે રે સરોવર છલી વળ્યાં

વાત બહાર જાય નહીં

વાત બહાર જાય નહીં (૨)
આતો તમે રહ્યા ઘરના બીજા, કોઇઅને કહેવાય નહીં
નામ હોય સુનયના, આંખ એની બાડી,
ડાહ્યાભાઇઅનો દીકરો, વાત કરે ગાંડી.

કાણાને કાણો કહી, કદી બોલાવાય નહિં… આતો તમે રહ્યા ઘરના
જૂઠી આ દુનિયાની વાત બધી જૂઠી,
વાત કરે લાખોની, ખાલી હોય મૂઠી.

જૂઠાને જૂઠો કહી, કદી વગોવાય નહિ… આતો તમે રહ્યા ઘરના
નીવડે કપૂત તોય શેઠિયાનો સુત શાણો,
ઉપરથી ફૂલ જેવો અંદરથી મોટો પાણો
સમજુઓં સમજાય છતાં બોલ્યું બોલાય નહિ … આતો તમે રહ્યા ઘરના

વહુએ વગોવ્યાં મોટા ખોરડાં

ગામમાં સાસરિયું ને ગામમાં પિયરયું રે લોલ
કહેજો દીકરી સખદખની વાત જો
કવળાં સાસરિયામાં જીવવું રે લોલ

હરખના દાડા તો માતા વહી ગયા રે લોલ
દખનાં ઉગ્યાં છે ઝીણા ઝાડ જો
કવળાં સાસરિયામાં જીવવું રે લોલ

પછવાડે ઊભેલ નણંદ સાંભળે રે લોલ
વહુ કરે છે આપણા ઘરની વાત જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

નણંદીએ જઈ સાસુને સંભળાવિયું રે લોલ
વહુ કરે છે આપણા ઘરની વાત જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

સાસુએ જઈ સસરાને સંભળાવિયું રે લોલ
વહુ કરે છે આપણા ઘરની વાત જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

વનરાવન મોરલી વાગે છે

વાગે છે રે વાગે છે,
વનરાવન મોરલી વાગે છે.

એના સૂર ગગનમાં ગાજે છે,
વનરાવન મોરલી વાગે છે.

કેમ કરી આવું કાન ગોકુળની ગલીઓમાં
મારી સાસુડી વેરણ જાગે છે.

પગલું માંડુ તો વાગે પગના ઝાંઝર આ
મારી જેઠાણી વેરણ જાગે છે.

વીતે છે રાતડીને ચાંદલીયો આથમ્યો
મારી દેરાણી વેરણ જાગે છે.

હળવેથી છેડ કાન મોરલીના સૂર હવે
તારી મોરલીના મોહબાણ વાગે છે.

પૃષ્ઠો

Subscribe to ગુજરાતી  લોકસાહિત્ય  RSS