કાવ્ય

ઝાકળનું બિન્દુ

ઝાકળના પાણીનું બિન્દુ એકલવાયું બેઠું’તું
એકલવાયું બેઠું’તું ને સૂરજ સામે જોતું’તું
સૂરજ સામે જોતું’તું ને ઝીણું ઝીણું રોતું’તું

સૂરજભૈયા! સૂરજભૈયા! હું છું ઝીણું જલબિન્દુ
મુજ હૈયે તમને પધરાવું શી રીતે હે જગબન્ધુ?

તમે દૂર વાદળમાં વસતા, સાત અશ્વને કરમાં કસતા
બ્રહ્માંડોની રજ રજ રસતાં, ઘુમો છો બન્ધુ!
તમ વો’ણું મુજ જીવન સઘળું અશ્રુમય હે જગબન્ધુ!

જલબિન્દુ રે જલબિન્દુ! ઓ નાજુક ઝાકળબિન્દુ!
સૂરજ બોલે : સુણ બન્ધુ! હું તો ત્રિલોકમાં ફરનારો

કોટિ કિરણો પાથરનારો ગગને રમનારો
તેમ છતાં હું તારો તારો, હે ઝાકળબિન્દુ!

તેજના રસ્તા ઉપર

તેજના રસ્તા ઉપર દોર્યો મને,
શગની માફક આપે સંકોર્યો મને.

મંજરીની મહેકના ભારે લચું
એક આંબો જાણે કે મ્હોર્યો મને.

ના નીકળતું આંસુ ભમરો થઈ ગયું,
એણે અંદરથી સખત કોર્યો મને.

આ બધા શબ્દોનું ચિતરામણ કરી
મેં જ આ કાગળ ઉપર દોર્યો મને.

ઠોઠને ઠપકો નજાકતથી દીધો,
તેં ગઝલ આપીને ઠમઠોર્યો મને.
-મનોજ ખંડેરિયા

ગુર્જરી ગિરા સોહાય સોહામણી

(શાર્દૂલવિક્રીડિત છંદ)

ભાષા ગુર્જરી આર્યાવર્ત અખિલે ફેલાય ફાલી ઘણી
સર્વે દેશ વિદેશ ગુર્જરી ગિરા સોહાય સોહામણી

વાણી સંસ્કૃત મૃતપ્રાય થઈ છે આ થાય શિરોમણી
અર્પો તો વિભુ એ જ અર્પણ કરો, એ આશ પ્રેમી તણી

સાંગોપાંગ સુરંગ વ્યંગ અતિશે ધારો ગિરા ગુર્જરી
પાદેપાદ રસાળ ભૂષણ વતી થાઓ સખી ઉપરી

જે ગીર્વાણ ગિરા ગણાય ગણતાં તે સ્થાન એ લ્યો વરી
થાઓ શ્રેષ્ઠ સહુ સખી જન થકી એ આશ પૂરો હરિ

જેવો આ ગુજરાત દેશ સહુમાં શ્રેષ્ઠત્વ પામી રહ્યો
તે મધ્યે અતિ શ્રેષ્ઠ ચારૂત્તર છે બ્રહ્મે ન જાયે કહ્યો

જળના ભરોસે હોડીબાઈ નીસર્યાં

જળના ભરોસે હોડીબાઈ નીસર્યાં
છાંયડા ક્યાંક રે ડ્હોળા ને ક્યાંક નીતર્યા

ક્યાંક ઠેસ રે વાગે છે પોચા આભની
ક્યાંક વાગે પોચો પોચાયેલ પ્હાડ
ક્યાંક વાગે રે રેતીનાં તળ છીછરાં

એનો તાતો રે તાણેલ શઢ તો પાંદડું!
એમાં જળના ભરોસા હિલ્લોળાય
એ તો વાયરા તોખારી પીને ફરફર્યા

હોડીબાઈ જળમાં બંધાણા કાચા તાંતણે
જળની જળવત્તા જાળવતા જાય!
હોડીબાઈ જળમાં જીવ્યાં ને જળમાં સંચર્યાં

એને જળનો થાકોડો, જળનો આશરો
એને જળના ઘરેણાં, જળની ટેવ
હોડીબાઈ જળનાં જડબાને સાવ વિસર્યાં!

-રમેશ પારેખ

પ્રભુ જ પ્રભુને પિછાણે

અગમ, અકળ, અપાર પ્રભુજી એક છે,
આદિ નહિ છે, નહિ છે એનો અંત જો.

સ્વરૂપમાં પણ નિર્ગુણ ને સગુણ છે,
અવતારો વળી અગણિત ને અનંત જો.

મન, બુદ્ધિ ને વાણી નહિ પહોંચી શકે,
ચતુરની પણ બુદ્ધિ પડતી મંદ જો.

‘પુનિત’ પ્રભુને પિછાણે પોતે જ એ,
થોડે અંશે સમજે એના સંત જો.
-પુનિત મહારાજ

અમે એનાં એ ગામડાં

કેરળ-કાશ્મીર ફરો, ઓખા-આસામ ફરો
આખોય દેશ અમે એનાં એ ગામડાં!

ઉનાળે આભ નીચે, શિયાળે તાપણાં,
ચોમાસે પાણીનાં ઠેર ઠેર ખામણાં;
થોડાં લજામણાં ને ઝાઝેરા દામણાં:
અંતરે ને ખેતરે તો હજીએ સોહામણાં.

ઝાઝેરે ઘેર હજી માટીનાં ઠામણાં.
ઝાઝેરે ખેત હજી ઘેંશનાં શિરામણાં;
છાપરે છે ઘાસ, અને ભીંતજડ્યાં કામઠાં:
હૂંફ ને હેત થકી હજીએ હુલામણાં.

પુરનાં પવન અહીં વાય છે ક્યંહી ક્યહીં,
થોડો એક ફેર કરી જાય છે અહીં-તહીં;
શહેરની સડક રોજ વાત નવી જાય કહી:
‘ચડશે હવે જ ખરા જંગે સત આપણાં’.

વેરાણાં છે હાઈકુ કેસરવર્ણાં

(અહીં અપાયેલી પ્રત્યેક પંક્તિ
અલગ અલગ સ્વતંત્ર હાઈકુ છે.)

છાબડીમાંનાં પારિજાત, વીણેલાં પરોઢ ગીતો
પારિજાત ના - વેરાણાં છે હાઈકુ કેસરવર્ણાં
આસોપાલવ, ના અહીં, દ્વારે ટાંગ્યાં સ્મિત-તોરણ
અંગઅંગ આ પલળ્યાં, ધોધમાર સ્મૃતિ-વરસાદે

ઉપવનમાં પવન ગાતો ગીત - વૃક્ષો ડોલતાં
સમીસાંજના તૃણે લેટે, આળોટે - કિરણધણ
ટહુકો રેલ્યો કોયલે, ગુંજી ઊઠયું આખ્ખું કાનન
સૂરજ ફરે – ફરતા મનસૂબા સૂર્યમુખીના

પર્વતને પથ્થર કદી વાગી નથી શકતો

જીવનને સ્વપ્ન માનું છું, મગર ત્યાગી નથી શકતો,
છું એવી જાગૃતિમાં કે વધુ જાગી નથી શકતો.

ફૂલો વચ્ચે ઓ મારા પ્રાણ, વાયુ જેમ ફરજે તું;
કે વાયુને કોઈ કાંટો કદી વાગી નથી શકતો.

જગતને તેજ દેવા હું સૂરજની જેમ સળગું છું,
છે એક જ દુઃખ કે હું સુખના દિવસ માગી નથી શકતો.

અલગ રાખી મને મુજ પર પ્રણયના સૂર ના છેડો,
વીણાનો તાર છૂટો હોય તો વાગી નથી શકતો.

જગતના કેદખાનામાં ગુના થતા રહે છે,
સજા છે એ જ કે એ જોઈ હું ભાગી નથી શકતો.

બહુ પુણ્ય કેરા પુંજથી

(હરિગીત)
બહુ પુણ્ય કેરા પુંજથી, શુભ દેહ માનવનો મળ્યો,
તોયે અરે! ભવચક્રનો, આંટો નહિ એકે ટળ્યો;
સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે, લેશ એ લક્ષે લહો,
ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે, કાં અહો રાચી રહો? ...૧

લક્ષ્મી અને અધિકાર વધતાં, શું વધ્યું એ તો કહો?
શું કુટુંબ કે પરિવારથી વધવાપણું, એ નય ગ્રહો;
વધવાપણું સંસારનું નર દેહને હારી જવો,
એનો વિચાર નહિ અહો હો! એક પળ તમને હવો!! ...૨

દિશાહીન શ્રદ્ધા ડૂબે છે

અમે જિંદગીનાં ઘણાં અર્ધસત્યો,
ચિરંતન ગણીને ચણ્યાં'તાં મિનારા;
પરંતુ દિશાહીન શ્રદ્ધા ડૂબે છે,
મળ્યા ના સમંદર મહીં ક્યાંય આરા.

ભટકતો રહ્યો છું મહા રણમહીં હું,
તૃષાતુર કંઠે લઈ કાળ કાંટા;
મળ્યા તો મળ્યા સાવ જૂઠા સહારા,
પડ્યા તો પડ્યા ઝાંઝવાથી પનારા.

અમે કૈંક જોયા નજરની જ સામે,
ચમકતા હતા જેમના ભાગ્ય-તારા;
પરંતુ પતન જ્યાં થયું ત્યાં બિચારા,
કફન માપસરનું ન પામ્યા દુલારા.

પૃષ્ઠો

Subscribe to RSS - કાવ્ય