કાવ્ય

દિવંગત ગુરુદેવ ટાગોરને

મૃત્યુ તો તમને લેવા આવ્યું, માન્યું લઈ ગયું,
તેણે ખોલી જહિં મુઠ્ઠી ત્યાં તો ભોંઠું પડી ગયું.

આશ્ચર્યે તે ‘અરે ક્યાં તે’? વદીને નિરખે પૂઠે,
હૈયે હૈયે તમારી એ નિહાળે છબી જે ઊઠે.

ભવ્ય એ જિંદગાનીની પાસમાં વામણું બન્યું,
જીતવા આવિયું તેને પતાકા જયની થયું,

તેજે જે પ્રજ્જ્વળી ઊઠ્યાં સૂર્ય, તારા, નિહારિકા
તેજેથી સળગે નિત્યે એ જ જે પ્રાણની શિખા,

મથ્યું એ ફૂંકથી તેની ઓલવી નાખવા જ એ;
–વિરાજે એ અને હસે!
આવ્યું'તું જિંદગી લેવા, આપી ગયું અમરત્વ એ.

-પ્રહ્લાદ પારેખ

દેવહુમા તણી કથા

દૂર દૂર બધે દોડી મૃગશી દૃગ આ વળે,
ધરાના ઉરમાં જ્યાં ત્યાં ધીકતી સિકતા બળે.

ન મારવાડી મરુભૂમિ આ કે
ન આરબસ્તાન તણાં રણો આ;
પુરાણને પુણ્ય ઈજિપ્ત દેશે
અનન્ત રેતી સહરા તણી એ.

જૂઠાં જૂઠાં રણો માંહિ મૃગનાં જળ તો છળે,
જાદૂઈ દેશ આ જૂદો અદ્ભુતો અંહિયાં મળે!

કરાલ આવા રણમાં પણે શા
દેખાય છે એ ચડતા ધુમાડા?
ને આભથી એ ઊતરી પડે કો?
શું સત્ય આ કે કંઈ વ્યર્થ ઓળો?

જગાવી આગને જાતે, ચાંચથી ખડકી ચિતા
વીંઝીને પાંખને પંખે ક્ષોભ શા ઝંપલાવતાં?

હાં રે હરિ વસે

હાં રે હરિ વસે હરિના જનમાં
હાં રે તમે શું કરશો જઈ વનમાં

ભેખ ધરીને તમે શીદ ભટકો છો?
પ્રભુ નથી વન કે અરણ્યમાં

તમે કાશી જાઓ ગંગાજી નાઓ
પ્રભુ નથી પાણી કે પવનમાં

જોગ કરો ને ભલે જગન કરાવો
પ્રભુ નથી હોમ હવનમાં

બાઈ મીરાં કહે પ્રભુ ગિરધર નાગર
હરિ વસે છે હરિજનમાં

-મીરાંબાઈ

પાઓ પ્રેમરસ પ્રાણજીવન

પાઓ પ્રેમરસ પ્રાણજીવન દીન થઈ યાચું રે
મુક્તિમાર્ગીને આપજો જ્ઞાન હું તો નવ રાચું રે
રીઝે રાબડી થકી ગરીબલોક ભોગીને નવ ભાવે રે
અમો રાજનાં ખાસાં ખવાસ મુક્તિ મન ના'વે રે

નિત્ય નીરખીએ નટવરરૂપ હોંશ મનમાંથી રે
મનમાન્યું મળે સહુ સુખ એકતામાં ક્યાંથી રે
દિવ્ય રૂપ છો સદા સાકાર આનંદના રાશિ રે
બોલે અનુચિત માયિક મુગ્ધ નરકના વાસી રે

ગ્રામ્ય માતા

(શાર્દૂલવિક્રીડિત)
ઊગે છે સુરખીભરી રવિ મૃદુ હેમન્તનો પૂર્વમાં
ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ દીસતી એકે નથી વાદળી
ઠંડો હિમભર્યો વહે અનિલ શો, ઉત્સાહને પ્રેરતો
જે ઉત્સાહ ભરી દીસે શુક ઊડી ગાતાં, મીઠા ગીતડાં

(માલિની)
મધુર સમય તેવે ખેતરે શેલડીના
રમત કૃષિવલોનાં બાલ નાનાં કરે છે
કમલવત ગણીને બાલના ગાલ રાતા
રવિ નિજ કર તેની ઉપરે ફેરવે છે

(અનુષ્ટુપ)
વૃદ્ધ માતા અને તાત તાપે છે સગડી કરી
અહો કેવું સુખી જોડું કર્તાએ નિરમ્યું દીસે

પ્રભો અંતર્યામી...

પ્રભો અંતર્યામી, જીવન જીવના દીનશરણા
પિતા માતા બંધુ, અનુપમ સખા હિતકરણા
પ્રભા કીર્તિ કાંતિ, ધન વિભવ, સર્વસ્વ જનના
નમું છું વંદું છું વિમળમુખ સ્વામી જગતના

સહુ અદ‌્ભુતોમાં તુજ સ્વરૂપ અદ‌્ભુત નીરખું
મહા જ્યોતિ જેવું નયન શશિ ને સૂર્ય સરખું
દિશાની ગુફાઓ પૃથ્વી ઊંડું આકાશ ભરતો
પ્રભો તે સૌથીએ પર પરમ તું દૂર ઊડતો

પૃષ્ઠો

Subscribe to RSS - કાવ્ય