બાળગીત

શિવાજીનું હાલરડું

આભમાં ઉગેલ ચાંદલો ને જીજીબાઈને આવ્યા બાળ
બાળુડા ને માત હિંચોળે
ઘણણણ ડુંગરા બોલે !
શિવાજીને નીંદરૂ ના’વે,
માતા જીજીબાઈ ઝૂલાવે.

પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ લખમણની વાત
માતાજીને મુખ જે દી થી,
ઊડી એની ઉંઘ તે દી થી…. શિવાજીને ….

પોઢજો રે મારા બાળ ! પોઢી લેજો પેટ ભરીને આજ
કાલે કાળા જુધ્ધ ખેલાશે
સુવાટાણું ક્યાંય ન રે’શે…. શિવાજીને ….

ધાવજો રે, મારા પેટ ! ધાવી લેજો ખૂબ ધ્રપીને આજ
રેશે નહીં રણ ઘેલુડા
ખાવા મુઠ્ઠી ધાનની વેળા …. શિવાજીને ….

સાઈકલ મારી સરરર જાય

સાઈકલ મારી સરરર જાય
ટીન ટીન ટોકરી વગાડતી જાય

ડોશીમા ડોશીમા ચાલ્યા છે ક્યાં?
લાકડી લઈને ચાલ્યા છે ક્યાં?
ડોશીમા ડોશીમા આઘા ખસો
નહીંતર સાઈકલમાં ચીપાઈ જશો
-- સાઈકલ મારી સરરર જાય

શેઠજી શેઠજી ચાલ્યા છે ક્યાં?
ચોપડા લઈને ચાલ્યા છે ક્યાં?
શેઠજી શેઠજી આઘા ખસો
નહીતર સાઈકલમાં ચીપાઈ જશો
--સાઈકલ મારી

શેઠાણી શેઠાણી ચાલ્યા છે ક્યાં?
સાડલા લઈને ચાલ્યા છે ક્યાં?
શેઠાણી શેઠાણી આઘા ખસો
નહીંતર સાઈકલમાં ચીપાઈ જશો
-- સાઈકલ મારી સરરર જાય

નાની મારી આંખ - અજબ જેવી વાત છે

નાની મારી આંખ એ જોતી કાંક કાંક,
એ તો કેવી અજબ જેવી વાત છે…

નાક મારું નાનું એ સૂંઘે ફૂલ મજાનું,
એ તો કેવી અજબ જેવી વાત છે…

નાના મારા કાન એ સાંભળે દઈને ધ્યાન,
એ તો કેવી અજબ જેવી વાત છે…

નાનું મોઢું મારું એ બોલે સારું સારું,
એ તો કેવી અજબ જેવી વાત છે…

નાના મારા હાથ એ તાળી પાડે સાથ,
એ તો કેવી અજબ જેવી વાત છે…

પગ મારા નાના એ ચાલે છાનામાના,
એ તો કેવી અજબ જેવી વાત છે…

હું ને ચંદુ છાનામાના

હું ને ચંદુ છાનામાના કાતરીયામાં પેઠા,
લેસન પડતું મૂકી ફિલમ ફિલમ રમવા બેઠા.
મમ્મી પાસે દોરી માંગી પપ્પાની લઈ લુંગી,
પડદો બાંધી અમે બનાવી ફિલમ મૂંગી મૂંગી.
દાદાજીના ચશ્મામાંથી કાઢી લીધા કાચ,
એનાથી ચાંદરડા પાડ્યા પડદા ઉપર પાંચ.
ચંદુ ફિલમ પાડે ત્યારે જોવા આવું હું,
હું ફિલમ પાડું ત્યારે જોવા આવે છે ચંદુ.
કાતરીયામાં છુપાઈને બેઠીતી બિલ્લી એક,
ઉંદરડીને ભાળી એણે તરત લગાવી ઠેક.
ઉંદરડી છટકી ને બિલ્લી ચંદુ ઉપર આવી,
બીક લાગતા ચંદુડીયાએ બૂમાબૂમ ચગાવી.
ઓ મા… ઓ મા……
દોડમ દોડ ઉપર આવી પહોંચ્યા મમ્મી પપ્પા,

બા મને ચપટી વગાડતાં આવડી ગઈ

બા, મને ચપટી વગાડતાં આવડી ગઈ.

મારી ચપટી વાગે છે પટ પટ પટ,
જાણે ફૂટે બંદૂકડી ફટ ફટ ફટ,
પેલી બિલ્લી ભાગે છે ઝટ ઝટ ઝટ.
બા, મને બિલ્લી ભગાડતાં આવડી ગઈ.

તું કપડાં ધુએ ભલે ધબ્બ ધબ્બ ધબ્બ,
હું પાણીમાં નહીં કરું છબ્બ છબ્બ છબ્બ,
મારી ચપટી ભીંજાઈ જાય ડબ્બ ડબ્બ ડબ્બ.
બા, મને મુન્ની રમાડતાં આવડી ગઈ.

બા, મને ચપટી વગાડતાં આવડી ગઈ.

તું અહીંયા રમવા આવ મજાની ખિસકોલી

તું અહીંયાં રમવા આવ મઝાની ખિસકોલી,
તું દોડ તને દઉં દાવ મઝાની ખિસકોલી.

તું કેવી હસે ને રમે મઝાની ખિસકોલી,
તારા કૂદકાતો બહુ ગમે મઝાની ખિસકોલી.

તું જ્યારે ખિલખિલ ગાય મઝાની ખિસકોલી,
તારી પૂંછડી ઊંચી થાય મઝાની ખિસકોલી.

તારે અંગે સુંદર પટા મઝાની ખિસકોલી,
તારી ખાવાની શી છટા મઝાની ખિસકોલી.

તું ઝાડે ઝાડે ચડે મઝાની ખિસકોલી,
કહે કેવી મઝા ત્યાં પડે મઝાની ખિસકોલી.

બહુ ચંચળ તારી જાત મઝાની ખિસકોલી,
તું ઉંદરભાઈની નાત મઝાની ખિસકોલી.

તું અહીંયાં રમવા આવ મઝાની ખિસકોલી,
તું દોડ તને દઉં દાવ મઝાની ખિસકોલી.

નમીએ તુજને વારંવાર

પરોઢિયે પંખી જાગીને ગાતાં મીઠાં તારાં ગાન,
પરોઢિયે મંદિર મસ્જિદમાં ધરતાં લોકો તારું ધ્યાન.

તું ધરતીમાં તું છે નભમાં, સાગર મહીં વસે છે તું,
ચાંદા સૂરજમાંયે તું છે ફૂલો મહીં હસે છે તું.

હરતાં ફરતાં કે નીંદરમાં, રાતે દિવસે સાંજ સવાર,
તારો અમને સાથ સદાયે તું છે સૌનો રક્ષણહાર.

દેવ બનાવી દુનિયા છે તેં, તારો છે સૌને આધાર,
તું છે સૌનો સૌ તારા છે, નમીએ તુજને વારંવાર.

એક બિલાડી જાડી

એક બિલાડી જાડી,
તેણે પહેરી સાડી,
સાડી પહેરી ફરવા ગઈ,
તળાવમાં તે તરવા ગઈ,
તળાવમાં તો મગર,
બિલ્લીને આવ્યા ચક્કર,
સાડીનો છેડો છૂટી ગયો,
મગરના મોઢામાં આવી ગયો,
મગર બિલ્લીને ખાઈ ગયો.

દાદાનો ડંગોરો

દાદાનો ડંગોરો લીધો,

તેનો તો મેં ઘોડો કીધો,

ઘોડો ચાલે રૂમઝૂમ,

ધરતી ધ્રૂજે ધમધમ,

ધમ ધમ ધરતી થાતી જાય,

મારો ઘોડો કૂદતો જાય,

કૂદતાં કૂદતાં આવે કોટ,

કોટ કૂદીને મૂકે દોટ !

એકડો સાવ સળેખડો

એકડો સાવ સળેખડો ને બગડો ડીલે તગડો,
બન્ને બથ્થંબથ્થા કરતા મોટો ઝઘડો.

તગડો તાળી પાડે ને નાચે તા તા થૈ,
ચોગડાની ઢીલી ચડ્ડી સરરર ઊતરી ગઈ.

પાંચડો પેંડા ખાતો એની છગડો તાણે ચોટી,
સાતડો છાનો માનો એની લઈ ગયો લંગોટી.

આઠડાને ધક્કો મારી નવડો કહેતો ખસ,
એકડે મીંડે દસ વાગ્યા, ત્યાં આવી સ્કૂલની બસ.

પૃષ્ઠો

Subscribe to RSS - બાળગીત