બાળગીત

ચાલો ચાલો ને રમીએ હોડી હોડી

ચાલો ચાલોને રમીએ હોડી હોડી,
વરસ્યો વરસાદ ખૂબ આજે મુશળધાર,
ઝરણાં નાના જાય દોડી દોડી.

બાપુના છાપાં, નક્કામા થોથા,
કાપી કૂપીને કરીએ હોડી …ચાલોને

સાદી સઢવાળી, નાની ને મોટી,
મૂકીએ પવનમાં છોડી છોડી … ચાલોને

ખાલી રાખેલી, ઊંધી વળે તો,
પાંદડા ને ફૂલ ભરું, તોડી તોડી … ચાલોને

જાશે દરિયાપાર પરીઓના દેશમાં,
સૌથી પહેલા દોસ્ત મારી હોડી … ચાલોને

દરિયાને તીરે

દરિયાને તીર એક રેતીની ઓટલી
ઊચીં અટૂલી અમે બાંધી જી રે.

પગલું તે એક એક પાડે મહેમાન એમ,
રામજીની આણ અમે દીધી જી રે.

પહેલા મહેમાન તમે આવો, સૂરજદેવ,
પગલું સોનેરી એક પાડજો જી રે,
પગલામાં નવલખ તારાની ભાત ને,
સંધ્યાના રંગ બેએક માંડજો જી રે.

બીજા મહેમાન તમે આવો, પવનદેવ,
પગલું પનોતું એક પાડજો જી રે,
પગલામાં વાત લખો પરીઓના દેશની,
ફૂલડાંની ફોરમ પૂરજો જી રે.

ત્રીજા મહેમાન તમે આવો, સમંદરદેવ,
પગલું મોતીનું એક પાડજો જી રે,
પગલામાં મહેલ ચણી સાતે પાતાળના,
માણેકના દીવા પ્રગટાવજો જી રે.

દરિયો ઝૂલે

દરિયો ડોલે રે માઝમ રાતનો, હે….ઝૂલે જાણે પારણે મારો વીર રે,
મધરાતે માતા રોતા વીરાની દોરી તાણતી.

છલકે મોજા રે છોળો મારતા, હે…ખૂંદે જાણે ખોળલા મારો વીર રે
મધરાતે માતા રોતા વીરાની દોરી તાણતી.

આભમાંથી ચાંદો રેલે ચાંદની, હે…પાથરે જાણે વીરાના ઓછાડ રે
મધરાતે માતા રોતા વીરાની દોરી તાણતી.

ઝલકે ઝલકે રે જળ માછલી, ઝલકે જાણે વીર મ્હારાને આંખ રે !
મધરાતે માતા રોતા વીરાની દોરી તણાતી.

ઉઘડે ઉઘડે રે જળ માછલી, ઉઘડે જાણે મા-જાયાંનાં નેન રે !
મધરાતે માતા રોતા વીરાની દોરી તણાતી.

નીંદરભરી આંખડી

નીંદરભરી રે ગુલાલે ભરી,
બે’નીબાની આંખડી નીંદરભરી રે.

નીંદરને દેશ બે’ની નત્ય નત્ય જાતાં,
આકાશી હિંચકાની હોડી કરી – બે’નીબાની.

દોરી તાણીને વીર મારે હલેસાં,
હાલાં વાયાં ને હોડી વેગે ચડી. – બે’નીબાની.

નીંદર બેઠી છે નીલ સમદરના બેટમાં,
કેસરિયા દૂધના કટોરા ધરી. – બે’નીબાની.

નીંદરનો બાગ કાંઈ લૂંબે ને ઝૂંબે,
કળીઓ નિતારીને કચોળી ભરી. – બે’નીબાની.

સિંચ્યા એ તેલ મારી બે’નીને માથડે,
નાવણ કરાવે ચાર દરિયાપરી. – બે’નીબાની.

છીપોની વેલડીને જોડ્યા જળ-ઘોડલા
બેસીને બે’ન જાય મુસાફરી. – બે’નીબાની.

બેન અને ચાંદો

બેન બેઠી ગોખમાં,
ચાંદો આવ્યો ચોકમાં.

બેની લાવી પાથરણું,
ચાંદો લાવ્યો ચાંદરણું.

પાથરણા પર ચાંદરણું,
ને ચાંદરણાં પર પારણું.

ચાંદો બેઠો પારણે,
બેની બેઠી બારણે.

બેને ગાયા હાલા,
ચાંદાને લાગ્યા વ્હાલા.

બેનનો હાલો પૂરો થયો,
ચાંદો રમતાં ઊંઘી ગયો.

મંદિર તારું વિશ્વરૂપાળું

મંદિર તારું વિશ્વરૂપાળું,
સુંદર સરજનહારા રે;

પળ પળ તારાં દર્શન થાયે,
દેખે દેખણહારા રે.

નહિ પૂજારી નહિ કોઈ દેવા,
નહિ મંદિરને તાળા રે;
નીલ ગગનમાં મહિમા ગાતા,
ચાંદો સૂરજ તારા રે.

વર્ણન કરતાં શોભા તારી,
થાક્યા કવિગણ ધીરા રે;
મંદિરમાં તું કયાં છુપાયો,
શોધે બાળ અધીરા રે. મંદિર તારું...

માના ગુણ

હતો હું સુતો પારણે પુત્ર નાનો,
રડું છેક તો રાખતું કોણ છાનો ?
મને દુ:ખી દેખી દુ:ખી કોણ થાતું ?
મહા હેતવાળી દયાળી જ મા તું.
સૂકામાં સુવાડે ભીને પોઢી પોતે,
પીડા પામું પંડે, તજે સ્વાદ તો તે;
મને સુખ માટે કટુ કોણ ખાતું ?
મહા હેતવાળી દયાળી જ મા તું.
દઇ છાતી સાથે બચી કોણ લેતું ?
તજી તાજું ખાજું મને કોણ દેતું ?>
મને કોણ મુખે મીઠાં ગીત્ ગાતું ?
મહા હેતવાળી દયાળી જ મા તું.
પડું કે ચડું તો ખમા આણી વાણી;
પડે પાંપણે પ્રેમનાં પૂર પાણી;
પછી કોણ પોતા તણું દૂધ પાતું ?
મહા હેતવાળી દયાળી જ મા તું.

મારું તારું

લે, આ મને ગમ્યું તે મારું પણ જો તને ગમે તો તારું!
મારું, તારું ને ગમવું પણ, લાવ,લાવ કરીએ સહિયારું!
તું જીતે ને થાઉં ખુશી હું, લેને, ફરી ફરીને હારું!
ઈટ્ટા-કિટ્ટા એક ઘડીના, બાકી સઘળું પ્યારુંપ્યારું!
હસિયે રમિયે મીઠું લાગે, થૂ, આંસુ તો લાગે ખારું!
ગીત હોય તો શીદ અબોલા, તું ઝીલી લે, હું લલકારું!
રમિયે ત્યાં લગ હાથ રમકડું, મોજ મહીં શું તારું-મારું!

રંગ રંગ વાદળિયાં

હાં રે અમે ગ્યાં’તાં
હો રંગના ઓવારે, કે તેજના ફુવારે,
અનંતને આરે, કે રંગ રંગ વાદળિયાં,
હાં રે અમે ઉડ્યા હો મોરલાના ગાણે, કે વાયરાના વહાણે,
આશાના સુકાને, કે રંગ રંગ વાદળિયાં,
હાં રે અમે થંભ્યાં,
હો મહેલના મિનારે, પંખીના ઉતારે,
ડુંગરાની ધારે, કે રંગ રંગ વાદળિયાં,
હાં રે અમે પહોચ્યાં,
હો આભલાને આરે,
કે પૃથ્વીની પાળે,
પાણીના પથારે, કે રંગ રંગ વાદળિયાં,
હાં રે અમે નાહ્યાં,
હો રંગના ઓવારે, કે તેજના ફુવારે,
કુંકુમના ક્યારે, કે રંગ રંગ વાદળિયાં,
હાં રે અમે પોઢયાં,
છલકતી છાળે, દરિયાને હિંડોળે,

અઢાર અંગ વાંકા

ઊંટ કહે: આ સભામાં, વાંકાં અંગવાળાં ભૂંડા;
ભૂતળમાં પક્ષીઓ ને પશુઓ અપાર છે;
બગલાની ડોક વાંકી, પોપટની ચાંચ વાંકી;
કૂતરાની પૂંછડીનો, વાંકો વિસ્તાર છે.
વારણની સૂંઢ વાંકી, વાઘના છે નખ વાંકા;
ભેંસને તો શિર વાંકાં, શિંગડાનો ભાર છે.
સાંભળી શિયાળ બોલ્યું, દાખે દલપતરામ;
“અન્યનું તો એક વાંકું, આપનાં તો અઢાર છે ”

પૃષ્ઠો

Subscribe to RSS - બાળગીત