બાળગીત

સાવજ ગરજે! વનરાવનનો રાજા ગરજે

સાવજ ગરજે! વનરાવનનો રાજા ગરજે

ગીરકાંઠાનો કેસરી ગરજે, ઐરાવતકુળનો અરિ ગરજે
કડ્યપાતળિયો જોધ્ધો ગરજે, મોં ફાડી માતેલો ગરજે
જાણે કો જોગંદર ગરજે, નાનો એવો સમંદર ગરજે !

ક્યાં ક્યાં ગરજે?
બાવળના જાળામાં ગરજે, ડુંગરના ગાળામાં ગરજે
કણબીના ખેતરમાં ગરજે, ગામ તણા પાદરમાં ગરજે
નદીઓની ભેખડમાં ગરજે, ગિરિઓની ગોહરમાં ગરજે
ઊગમણો આથમણો ગરજે, ઓરો ને આઘેરો ગરજે

થર થર કાંપે !

ચોકમાં દાણા નાખ્યા છે

આવો પારેવા, આવોને ચકલાં
ચોકમાં દાણા નાખ્યા છે

આવો પોપટજી, મેનાને લાવજો
ચોકમાં દાણા નાખ્યા છે

આવોને કાબરબાઈ, કલબલ ન કરશો
ચોકમાં દાણા નાખ્યા છે

બંટી ને બાજરો, ચોખા ને બાવટો
ચોકમાં દાણા નાખ્યા છે

ધોળી છે જાર ને ઘઉં છે રાતડા
ચોકમાં દાણા નાખ્યા છે

નિરાંતે ખાજો, નિરાંતે ખૂંદજો
ચોકમાં દાણા નાખ્યા છે

બિલ્લી નહિ આવે, કુત્તો નહિ આવે
ચોકમાં દાણા નાખ્યા છે

ચણ ચણ ચણજો ને ચીં ચીં કરજો
ચોકમાં દાણા નાખ્યા છે

નમીએ તુજને વારંવાર

પરોઢિયે પંખી જાગીને ગાતાં મીઠાં તારાં ગાન
પરોઢિયે મંદિર મસ્જિદમાં ધરતાં લોકો તારું ધ્યાન

તું ધરતીમાં તું છે નભમાં સાગર મહી વસે છે તું
ચાંદા સૂરજમાંયે તું છે ફુલો મહીં હસે છે તું

હરતાં ફરતાં કે નીંદરમાં રાતે દિવસે સાંજ સવાર
તારો અમને સાથ સદાયે તું છે સૌનો રક્ષણહાર

દેવ બનાવી દુનિયા છે તેં તારો છે સૌને આધાર
તું છે સૌનો સૌ તારાં છે નમીએ તુજને વારંવાર

– સ્નેહરશ્મિ

તને ચકલી બોલાવે

તને ચકલી બોલાવે, તને પોપટ બોલાવે
તને બોલાવે કુતરું કાળું
ઓલી વાંકી પૂછડીવાળું
ઓલી વાંકી પૂછડીવાળું

નાના નાના ચાર ગલુડિયાં આવે છાના માના
એક હતું ધોળું બીજું હતું કાળું
ત્રીજું રંગે લાલ ને ચોથું ધાબાવાળું

તને ચકલી બોલાવે, તને પોપટ બોલાવે
તને બોલાવે કુતરું કાળું
ઓલી વાંકી પૂછડીવાળું
ઓલી વાંકી પૂછડીવાળું

દડબડ દડબડ દોડી આવે ભૂલકાઓનું ટોળું
એક કહે આ મારું બીજો કહે આ મારું
ત્રીજો રમાડે રૂપાળું ને સૌને હુ પંપાળું

મજાની ખિસકોલી

તું અહીંયાં રમવા આવ મજાની ખિસકોલી
તું દોડ તને દઉ દાવ મજાની ખિસકોલી

તું કેવી હસે ને રમે મજાની ખિસકોલી
તારા કૂદકા તો બહુ ગમે મજાની ખિસકોલી

તું જ્યારે ખિલખિલ ગાય મજાની ખિસકોલી
તારી પૂંછડી ઊંચી થાય મજાની ખિસકોલી

તારે અંગે સુંદર પટા મજાની ખિસકોલી
તારી ખાવાની શી છટા મજાની ખિસકોલી

તું ઝાડે ઝાડે ચડે મજાની ખિસકોલી
કહે કેવી મઝા ત્યાં પડે મજાની ખિસકોલી

બહુ ચંચળ તારી જાત મજાની ખિસકોલી
તું ઉંદરભાઈની નાત મજાની ખિસકોલી

પોપટ મીઠું બોલે

મારા આંગણામાં પોપટ મીઠું બોલે
સીતા રામ સીતા રામ ધીમું બોલે

ગળે કાળો છે કાંઠલો ને લીલો લીલો રંગ
એની વાંકી ચાંચલડીનો લાલ લાલ રંગ

એ તો હીંચકે બેસીને ઝૂલા ઝૂલે
સીતા રામ સીતા રામ ધીમું બોલે

મારા આંગણામાં પોપટ મીઠું બોલે
સીતા રામ સીતા રામ ધીમું બોલે

એને પેરુ ભાવે ને લીલા મરચાં એ ખાય
એને ખાતો જોઈને મારું મનડું હરખાય

એ તો મસ્તીમાં આવી થૈ થૈ ડોલે
સીતા રામ સીતા રામ ધીમું બોલે

મારા આંગણામાં પોપટ મીઠું બોલે
સીતા રામ સીતા રામ ધીમું બોલે

ઘડીયાળ મારું નાનું

ઘડીયાળ મારું નાનું, તે ચાલે છાનું માનું
એ તો કેવી નવાઈ જેવી વાત છે
એ તો કેવી નવાઈ જેવી વાત છે

એને નથી પાંખ, પણ ચાલે ફટ ફટ
એ તો કેવી નવાઈ જેવી વાત છે
એ તો કેવી નવાઈ જેવી વાત છે

ખાવાનું નહિ માગે પણ ચાવી આપે ચાલે
એ તો કેવી નવાઈ જેવી વાત છે
એ તો કેવી નવાઈ જેવી વાત છે

અંધારે અજવાળે, સૌના વખતને સંભાળે
એ તો કેવી નવાઈ જેવી વાત છે
એ તો કેવી નવાઈ જેવી વાત છે

દિવસ રાતે ચાલે પણ થાક નહિ લાગે
એ તો કેવી નવાઈ જેવી વાત છે
એ તો કેવી નવાઈ જેવી વાત છે

તારા ધીમા ધીમા

તારા ધીમા ધીમા આવો, તારા રમવાને આવો
તારા રૂપા ગેડી લાવો, તારા સંભાળીને આવો

તારા ધીમા ધીમા આવો, તારા ધીમા ધીમા આવો
તારા એક તારા એક, તારા એકે એક આવો

તારા છાના માના આવો, તારા ધીમા ધીમા આવો
તારા સામા સામા આવો, તારા ચાંદાને લઈ આવો

તારા ધીમા ધીમા આવો, તારા રમવાને આવો
તારા શીતળ વાયુ લાવો, તારા ધીમા ધીમા આવો

તારા ધીમા ધીમા આવો, તારા રમવાને આવો

હોળી આવી

હોળી આવી હોળી આવી, હોળી આવી હોળી આવી
ફાગણ માસે હોળી આવી, ફાગણ માસે હોળી આવી

હોળી આવી હોળી આવી, હોળી આવી હોળી આવી
રંગભરી પીચકારી આવી, રંગભરી પીચકારી આવી

કેસૂડાના રંગે રંગે, કેસૂડાના રંગે રંગે
ભાઈબંધોના સંગે સંગે, ભાઈબંધોના સંગે સંગે

રંગે ચંગે આજ ઉમંગે, રંગે ચંગે આજ ઉમંગે
આવો હોળી રમીએ, આવો હોળી રમીએ
આવો હોળી રમીએ

ઘેરૈયા સૌ ચાલો

ઘેરૈયા સૌ ચાલો હોળી આવી રે
મસ્તીમાં સૌ મહાલો હોળી આવી રે

ઘેરૈયા સૌ ચાલો હોળી આવી રે
મસ્તીમાં સૌ મહાલો હોળી આવી રે

ફાગણ આયો રંગ ભરીને ચાંદ પૂનમનો ચમક્યો
ઢોલિડાનો ઢોલ ઘેરો ઢમઢમ ઢમઢમ ઢમક્યો

ગીતો ગાઓ નાચો હોળી આવી રે
મસ્તીમાં સૌ મહાલો હોળી આવી રે

ઘેરૈયા સૌ ચાલો હોળી આવી રે
મસ્તીમાં સૌ મહાલો હોળી આવી રે

ખજૂર, ટોપરાં, ધાણી, દાળીયા ખાતાં સૌની સંગે
અબીલ ગુલાલ ઉડાડી રંગ્યું આભ નવ નવ રંગે

રંગે રમવા ચાલો હોળી આવી રે
મસ્તીમાં સૌ મહાલો હોળી આવી રે

પૃષ્ઠો

Subscribe to RSS - બાળગીત