બાળગીત

કાનુડાની સાથે રાસે રમીએ

હાલોને બેની મારી, હાલોને ભાઈ મારા
કાનુડાની સાથે રાસે રમીએ

હાલોને બેની મારી, હાલોને ભાઈ મારા
કાનુડાની સાથે રાસે રમીએ

જમુનાને તીર કાનો વાંસડી બજાવે
ગોપ ગોપી ઘેલા થઈ દોડી દોડી આવે

એમની સાથે જઈએ
કાનુડાની સાથે રાસે રમીએ

હાલોને બેની મારી, હાલોને ભાઈ મારા
કાનુડાની સાથે રાસે રમીએ

મંજિરા રણકે ને ઢોલ વાગે ઢમઢમ
ગોપિયુંના ઝાંઝરિયા ઝમકે રે ઝમઝમ

ઢોલકના તાલે નાચીએ
કાનુડાની સાથે રાસે રમીએ

હાલોને બેની મારી, હાલોને ભાઈ મારા
કાનુડાની સાથે રાસે રમીએ

થમ થમ થમ થમ્પો દેતા

થમ થમ થમ થમ્પો દેતા ગરબે રમીએ
થમ થમ થમ થમ્પો દેતા ગરબે રમીએ

નીચા વળીને તાળી દઈએ
થમ થમ થમ થમ્પો દેતા ગરબે રમીએ

ઘમ્મરિયો ઘાઘરો ને રેશમની ચોળી
ઘમ્મરિયો ઘાઘરો ને રેશમની ચોળી

ઓઢણી ઓઢીને અમે ગરબે રમીએ
થમ થમ થમ થમ્પો દેતા ગરબે રમીએ

નાનકડાં હાથમાં નાનકડી બંગડી
નાનકડાં હાથમાં નાનકડી બંગડી

ઝાંઝર પહેરીને તે અમે ગરબે રમીએ
થમ થમ થમ થમ્પો દેતા ગરબે રમીએ

સોનાનો ગરબો ને રૂપલા ઈંઢોણી
સોનાનો ગરબો ને રૂપલા ઈંઢોણી

ચાલો રે બેની ગરબે રમીએ

ચાલો રે બેની મારી ગરબે રમીએ, તાળી વગાડતાં ગરબે ઘૂમીએ
ચાલો રે બેની મારી ગરબે રમીએ, તાળી વગાડતાં ગરબે ઘૂમીએ

આભલાં જડેલ મારા ચણિયાની કોર
ઓઢણીમાં ચિતર્યાં છે ઢેલ અને મોર
ઘમ્મર ઘમ ઘૂમતાં ગરબે રમીએ
તાળી વગાડતાં ગરબે ઘૂમીએ

ઢોલક મંજિરા ને બંસી વાગે ગરબો અમે ગાઈએ મીઠા રાગે
વાંકા વળીને ગરબે રમીએ તાળી વગાડતાં ગરબે ઘૂમીએ

શરદ પૂનમની છે રઢિયાળી રાત ચાંદા સાથે કરતાં તારલિયા વાત
મુખડું મલકાવતાં ગરબે રમીએ, તાળી વગાડતાં ગરબે ઘૂમીએ
ચાલો રે બેની મારી ગરબે રમીએ, તાળી વગાડતાં ગરબે ઘૂમીએ

હું કેમ આવું એકલી

નાનુભાઈના ગોરી મારે ગરબે રમવા આવો જો
હું કેમ આવું એકલી રાતલડી અંધારી જો

રાતલડી અંધારીમાં શેરી કાંટા વાગે જો
શેરી કાંટા વાગે તો પગના ઝાંઝર ઝમકે જો

પગના ઝાંઝર ઝમકે તો નણદી સૂતા જાગે જો
નણદી સૂતા જાગે તો બે લાડુડી માંગે જો

બે લાડુડી માંગીને ભરી કોઠીમાં નાખે જો
ભરી કોઠીમાં નાખે તો ભરભર ભૂકો થાય જો

ભરભર ભૂકો થાય તો છોકરાં વીણી ખાય જો
છોકરાં વીણી ખાય તો ઝટઝટ મોટાં થાય જો!

ગણપતિદાદા મોરિયા

ગણપતિદાદા મોરિયા, ઘીમાં લાડુ ચોળિયા
ગણપતિદાદા મોરિયા, ઘીમાં લાડુ ચોળિયા

ગણપતિદાદા લાડુ જમે, એકવીસ લાડુ પેટમાં રમે
ઉંદર ઉપર સવારી કરે, મલક આખામાં ફરતા ફરે
ઉંદર ઉપર સવારી કરે, મલક આખામાં ફરતા ફરે

ગણપતિદાદા મોરિયા, ઘીમાં લાડુ ચોળિયા
ગણપતિદાદા મોરિયા, ઘીમાં લાડુ ચોળિયા

સિંહની પરોણાગત

રીંછ એકલું ફરવા ચાલ્યું હાથમાં લીધી સોટી
સામે રાણા સિંહ મળ્યા ને આફત આવી મોટી

ઝૂકી ઝૂકી ભરી સલામો બોલ્યું મીઠાં વેણ
મારે ઘેર પધારો રાણા રાખો મારું ક્હેણ

હાડ ચામડાં બહુ બહુ ચૂંથ્યાં ચાખોજી મધ મીઠું
નોતરું દેવા ખોળું તમને આજે મુખડું દીઠું

રીંછ જાય છે આગળ એના પગ ધબ ધબ
સિંહ જાય છે પાછળ એની જીભ લબ લબ

ઘર આ મારું જમો સુખેથી મધની લૂમેલૂમ
ખાવા જાતાં રાણાજીએ પાડી બૂમે બૂમ

મધપુડાનું વન હતું એ નહીં માખીનો પાર
બટકું પૂડો ખાવા જાતાં વળગી લારોલાર

ગરબડિયો કોરાવો

ગરબડિયો કોરાવો, ગરબે જાળીડાં મેલાવો રે
હું ને પનોતી મારે અમીબહેન છે બેની જો
બેનબા ચાલ્યા સાસરે, એને ટીલી કરો લલાટ જો
આછી ટીલી ઝગેમગે ને ટોડલે ટહૂકે મોર જો
મોર વધાવ્યા મોતીડે ને ઈંઢોણી મેલું રળતી જો

રળતી હોય તો રળવા દેજો
ને તેલનું ટીપું પડવા દેજો!

છેટે છેટે ખોરડાં

છેટે છેટે ખોરડાં, વચ્ચે ઊંચા ઓરડાં
ઓરડાં ને ઓસરી
રૂપાળી રૂપાળી આજુબાજુ જાળી
જાળી પાસે ઝાડવા, તડકે છાયો પાડવા
ઓસરીથી હેઠા, લોઢાના બે લાટા, એનું નામ પાટા
* * *
સ્થિર છતાં પણ ચાલ્યા જાય, લાંબા લાંબા ચાલ્યા જાય
આમ જાય, તેમ જાય, જવું હોય તો ગામ જાય
નદી હોય તો ટપી જાય, ડુંગર હોય તો ઓળંગી જાય
એના પર ગાડી, દોડે દા'ડી દા'ડી
આવે દોડતી કાળી, અરરરર માડી
કેટલી બધી જાડી, જાણે કોઠી આડી, પૈડાં ઉપર પાડી
માથે મોટું ભૂંગળ બોલે ભખ ભખ, ધુમાડો તો ધખ ધખ
ચળકે કાચ ચક ચક, ચાલી આવે સરરરર સટ
* * *

દોડો રે દોડો ભાઈ

દોડો રે દોડો ભાઈ દોડો રે દોડો
દોડો રે દોડો ભાઈ દોડો રે દોડો
ધૂળ ઉપર ભેગા મળી દોડો રે દોડો

નાચો રે નાચો ભાઈ નાચો રે નાચો
તાતા તાતા થૈ થૈ નાચો રે નાચો

હસો રે હસો ભાઈ હસો રે હસો
હા હા હી હી હસો રે હસો
દોડો રે દોડો ભાઈ દોડો રે દોડો

બેસો રે બેસો ભાઈ બેસો રે બેસો
જમો રે જમો ભાઈ જમો રે જમો
શ્રીખંડ પૂરી ને પાતરા જમો રે જમો

ગાઓ રે ગાઓ ભાઈ ગાઓ રે ગાઓ
રઘુપતિ રાઘવ રાજા રામ
પતિતપાવન સીતા રામ

ઊંઘો રે ઊંઘો ભાઈ ઊંઘો રે ઊંઘો...

ચલ રે ઘોડા

ચલ રે ઘોડા ચલ ચલ ચલ, ચલ રે ઘોડા ચલ ચલ ચલ
ચલ રે ઘોડા ચલ ચલ
ચલ રે ઘોડા ચલ ચલ ચલ, ચલ રે ઘોડા ચલ ચલ ચલ

જાઉં મારે દૂર દૂર
ચલ રે ઘોડા ચલ ચલ ચલ, ચલ રે ઘોડા ચલ ચલ ચલ
ઝટઝટ ઝટઝટ ચાલજે
જલદી જલદી દોડજે
નદી ઝરણાં કૂદજે

ચલ રે ભાઈ ચલ રે ભાઈ
ચલ રે ભાઈ ચલ ચલ
ચલ રે ઘોડા ચલ ચલ ચલ, ચલ રે ઘોડા ચલ ચલ ચલ

ફરર ફરર આવે હવા
ઠંડી ઠંડી મીઠી હવા, સ્વારી કરવાની મજા
ચલ રે ઘોડા ચલ ચલ ચલ, ચલ રે ઘોડા ચલ ચલ ચલ

જાઉં મારે દૂર દૂર
ચલ રે ઘોડા ચલ ચલ ચલ, ચલ રે ઘોડા ચલ ચલ ચલ

પૃષ્ઠો

Subscribe to RSS - બાળગીત