બાળગીત

ઢીંગલી મેં તો બનાવી

ઢીંગલી મેં તો બનાવી મજાની
તૈયાર એને હવે કરવાની
ઢીંગલી મેં તો બનાવી મજાની
ઢીંગલી મેં તો બનાવી મજાની

એનું ઝબલું સીવડાવવા દરજી પાસે જાઉં
દરજીભાઈ, દરજીભાઈ ઝબલું સીવી દ્યો
લાલ પીળા ઓઢણામાં આભલાં જડી દ્યો

ઢીંગલી મેં તો બનાવી મજાની
ઢીંગલી મેં તો બનાવી મજાની

એનાં ઝાંઝર બનાવવા સોની પાસે જાઉં
સોનીભાઈ, સોનીભાઈ ઝાંઝર બનાવી દ્યો
મોતીની માળા ને બંગડી ઘડી દ્યો

ઢીંગલી મેં તો બનાવી મજાની
ઢીંગલી મેં તો બનાવી મજાની

ઢીંગલીને મારી હાલાં

હાલાં હાલાં હાલાં રે, ઢીંગલીને મારી હાલાં

વાદળનું તો પારણું બાંધ્યું ને તારાની હીંચકા દોરી
ચાંદામામા લાડ લડાવે પરી રાણી કરે લોરી
હાલાં હાલાં હાલાં રે, ઢીંગલીને મારી હાલાં

સૂઈ જા ઓ મારી ઢીંગલી બેના રાત હવે પડવાની
નાની નાની આંખો મીચી નીંદરડી જો મજાની
હાલાં હાલાં હાલાં રે, ઢીંગલીને મારી હાલાં

નીંદરડીએ પોઢીને તમે પવન પાંખે ઊડજો
પંખીઓના મીઠાં મીઠાં ગીતો તમે સૂણજો
હાલાં હાલાં હાલાં રે, ઢીંગલીને મારી હાલાં

નાના સસલાં

ટીકટીક ટીકટીક ચાલે સસલાં
વ્હાલાં વ્હાલાં લાગે એ તો નાના સસલાં

કૂણાં તરણાં ખાતાં રે, દોડી દોડી જાતાં રે
ડગમગ ડગમગ જોતાં રે કેવાં સસલાં
વ્હાલાં વ્હાલાં લાગે એ તો નાના સસલાં

ટીકટીક ટીકટીક ચાલે સસલાં
વ્હાલાં વ્હાલાં લાગે એ તો નાના સસલાં

રેશમ જેવા સુંવાળા, ગોરા ગોરા રૂપાળા
ધીમે કૂદકાં મારે રે નાના સસલાં
વ્હાલાં વ્હાલાં લાગે એ તો નાના સસલાં

ટીકટીક ટીકટીક ચાલે સસલાં
વ્હાલાં વ્હાલાં લાગે એ તો નાના સસલાં

પીં પીં સીટી વાગી

પીંપીં પીંપીં સીટી વાગી, છૂક છૂક ગાડી આવી
ટિકિટ કપાવો બેસી જાઓ, નહિતર ઉપડી જાય

ટન ટન ટન ટન ડંકા વાગે, સૂતેલા ઝબકીને જાગે
ધજા બતાવો સિગ્નલ આપો, લાઈન ક્લિયર કહેવાય

લાંબે લાંબે પાટે સરતી, પુલ અને પહાડો પર ચઢતી
સ્ટેશન કરતી, પાણી ભરતી, સીધી દોડી જાય
વેગે દોડી જાય
વેગે દોડી જાય

દોડે તોયે એ ના થાકે, હરદમ બઢતી આગે આગે
શિખવે એ તો કદમ બઢાવો, સ્ટેશન પહોંચી જાય

પીંપીં પીંપીં સીટી વાગી, છૂક છૂક ગાડી આવી

બિલ્લીમાસી ઘરમાં ઘૂસી

બિલ્લીમાસી ઘરમાં ઘૂસી ગુપચુપ ગુપચુપ ચાલે જી
રસોડામાં ફરતાં ફરતાં, ઘી દૂધ ચાટે જી

કાળું કાળું ગલુડિયું વાઉં-વાઉં વાઉં-વાઉં કરતું
દૂધ પીવા આપું તો પટ પટ પૂંછડી કરતું

કાળી કાળી ભેંસ છું, ઘાસ ખૂબ ખાઉં છું
મીઠું મીઠું દૂધ આપું, સૌને તાજા રાખું છું

તબડક તબડક દોડું છું, ઘોડો મારું નામ
ચણા, ઘાસ આપો તો લઈ જાઉં તમારે ગામ

વાંદરાભાઈ વાંદરાભાઈ, ઊંચી ડાળે હીંચકા ખાય
મીઠાં મીઠાં જાંબુ ખાતાં હૂપ હૂપ કરતાં જાય

દેડકાભાઈ દેડકાભાઈ, પાણીમાં તો રહો છો
ડ્રાઉં ડ્રાઉં કરો છો, લાંબો કૂદકો મારો છો

સગપણ

ચોરી કરવા ચાલ્યા ચોર, સોનીપોળમાં થાતો શોર
સીપાઈ મળ્યા સામા, બાના ભાઈ તે મામા
મામા લાવે છૂકછૂક ગાડી, બાને માટે લાવે સાડી
સાડીના રંગ કાચા, બાપના ભાઈ તે કાકા

કાકા કાકા કારેલાં, કાકીએ વઘારેલાં
કાકી પડ્યાં રોઈ, બાપની બેન તે ફોઈ
ફોઈ ફૂલડાં લાવે છે, ફુવાને વધાવે છે
ફુવા ગયા કાશી, બાની બેન તે માસી

નાના નાના સૈનિક

કૂચ કરતાં ચાલ્યાં જાય, નાના નાના સૈનિક
કદમ મિલાવી બઢતા જાય, નાના નાના સૈનિક

કદમ મિલાવી બોલતાં જાય, જય હિંદ જય હિંદ
કૂચ કરતાં ચાલ્યાં જાય, નાના નાના સૈનિક

ટેન્ક સૌથી આગળ ચાલે ઢમઢમ બેન્ડ વાગે
લેફ્ટ રાઈટ, લેફ્ટ રાઈટ, લેફ્ટ...
લેફ્ટ રાઈટ કરતાં જાય, નાના નાના સૈનિક
કૂચ કરતાં ચાલ્યાં જાય, નાના નાના સૈનિક

ફૂમતાવાળી કેપ પહેરી
ટોપા બૂટ મોજા પહેરી
ગીતો ગાતાં ચાલ્યાં જાય, નાના નાના સૈનિક
કૂચ કરતાં ચાલ્યાં જાય, નાના નાના સૈનિક

પરી રાણી તમે આવો રે

પરી રાણી તમે આવો રે, પરી રાણી તમે આવો રે
ઊડતાં ઊડતાં દેશ તમારે મુજને પણ લઈ જાઓ રે
પરી રાણી તમે આવો રે

પરીના દેશમાં રંગબેરંગી ફૂલોની ફૂલવાડી રે
પતંગીયા તો રંગબેરંગી રમતાં સાતતાળી રે
એમની સાથે રમવાને તમે મુજને પણ લઈ જાઓ રે
પરી રાણી તમે આવો રે

સોનેરી પંખીઓ ગાતાં, દૂધની નદીઓ વહેતી રે
હંસ હંસલીની જોડી ત્યાં મોતી ચારો ચરતી રે
પંખીઓના ગીતો સુણવા મુજને પણ લઈ જાઓ રે
પરી રાણી તમે આવો રે

વાદળ વાદળ

વાદળ વાદળ વરસો પાણી, વાદળ વાદળ વરસો પાણી
મોજ પડે અમને રમવાની વાદળ વાદળ વરસો પાણી

વીજળી ચમકે, વાદળ ગરજે, ઝરમર પાણી વરસે
મોજ પડે હોડી રમવાની
વાદળ વાદળ વરસો પાણી, વાદળ વાદળ વરસો પાણી

ઝાડ નીચે બેઠા બચુભાઈ

ઝાડ નીચે બેઠા બચુભાઈ, લઈને વાડકીમાં મીઠું દહીં

ઊડતાં ઊડતાં આવ્યા કાગડાભાઈ
ઝાડ ઉપર બેઠા પૂરી ખાવા ભાઈ

બચુભાઈ ખાતા'તા લહેરથી દહીં, ત્યાં તો પૂરી નીચે પડી ગઈ
બચુભાઈ ગભરાયા બહુ ભાઈ, નાઠા એ તો વાડકો ફેંકી દઈ

કાગડાભાઈને તો મજા આવી ગઈ
ખાઈ ગયા બધું એ તો મીઠું દહીં

પૃષ્ઠો

Subscribe to RSS - બાળગીત