બાળગીત

નાની મારી આંખ

નાની મારી આંખ, એ જોતી કાંક કાંક
એ તે કેવી અજબ જેવી વાત છે

નાના મારા કાન, એ સાંભળે મીઠા ગાન
એ તે કેવી અજબ જેવી વાત છે

નાક મારું નાનું, એ સુંઘે ફૂલ મજાનું
એ તે કેવી અજબ જેવી વાત છે

નાની મારી જીભ, એ માણે પીપરમીન્ટ
એ તે કેવી અજબ જેવી વાત છે

નાના મારા હાથ, એ તાળી પાડે સાથ
એ તે કેવી અજબ જેવી વાત છે

નાના મારા પગ, એ જલદી ભરે ડગ
એ તે કેવી અજબ જેવી વાત છે

બાર મહિના

કારતકમાં ટાઢ આવી, માગશરમાં જામી
પોષ મહિને પતંગ લઈને, ટાઢને ભગાડી

મહા મહિને વસંતપંચમી, ઊડે રંગ ગુલાલ
ફાગણ મહિને હોળી આવી, રંગ ગુલાબી લાલ

ચૈત્ર મહિનો ગરમી લાવ્યો, વેકેશન વૈશાખ
જેઠ મહિને ગિલ્લી દંડા, રમતા લાગે થાક

અષાઢ મહિને આંધી સાથે, વાદળ વરસે ઝાઝા
શ્રાવણ મહિને સરવર છલકે, શાક ભાજી તાજા

ભાદરવામાં ભીંડાનું શાક, લોકો હોંશે ખાય
આસો મહિને દિવાળી, ફટાકડાં ફોડાય

સાત વાર

લઈ લો પાટી દફતર પોથી, આજે છે સોમવાર
નાસ્તાનો ડબ્બો રાખો ભૂલશો મા, આજે છે મંગળવાર

કાઢો કાઢો પતંગ-માંજો, આજે છે બુધવાર
ગુરુજનને તે વંદન કરજો, આજે છે ગુરુવાર

શુક્રવારે ચણા ફાકજો, આજે છે શુક્રવાર
જય બોલો બજરંગબલીની, આજે છે શનિવાર

રમત ગમત ને હરવા ફરવા થાવ આજ તૈયાર
રજા મજા ને ખેલનો દિવસ
આજે છે રવિવાર, આજે છે રવિવાર

સામે એક ટેકરી છે

સામે એક ટેકરી છે, ત્યાં વડનું ઝાડ છે.
વડને વડવાઈઓ છે, ઠંડી મજાની હવા છે.

કાલે ત્યાં જાશું ભાઈ, હીંચકા ખાશું ભાઈ!
ઉજાણી પણ કરશું ભાઈ, રમીને જમીને જશું ભાઈ!

આ દાતરડું કેવું? ઘાસ કાપે એવું!
આ ઘાસ કેવું? ગાય ખાય એવું!

આ ગાય કેવી? દૂધ આપે એવી!
આ દૂધ કેવું ? દહીં થાય એવું!

આ દહીં કેવું? છાસ થાય એવું!
આ છાસ કેવી? માખણ થાય એવી!

આ માખણ કેવું ? ઘી થાય એવું!
આ ઘી કેવું ? લાડવા થાય એવું!
આ લાડવા કેવા? મને ભાવે એવા!

એકડે એક

એકડે એક પાપડ શેક
બગડે બે ચોપડી લે

ત્રગડે ત્રણ વેઢા ગણ
ચોગડે ચાર બેડો પાર

પાંચડે પાંચ કવિતા વાંચ
છગડે છ ન શીખે તે ઢ

સાતડે સાત સાંભળો વાત
આઠડે આઠ લખજો પાઠ

નવડે નવ લડશો નવ
એકડે મીંડે દશ બસ હવે બસ

ચકીબેન ચકીબેન

ચકીબેન ચકીબેન મારી સાથે રમવા
આવશો કે નહિ? આવશો કે નહિ?

બેસવાને પાટલો, સૂવાને ખાટલો, ઓઢવાને પીંછા
આપીશ તને હું આપીશ તને

ચકીબેન ચકીબેન મારી સાથે રમવા
આવશો કે નહિ? આવશો કે નહિ?

પહેરવાને સાડી મોરપીંછાવાળી, ઘમ્મરિયો ઘાઘરો
આપીશ તને હું આપીશ તને

ચકીબેન ચકીબેન મારી સાથે રમવા
આવશો કે નહિ? આવશો કે નહિ?

ચક ચક કરજો, ચીં ચીં કરજો, ખાવાને દાણા
આપીશ તને હું આપીશ તને

ચકીબેન ચકીબેન મારી સાથે રમવા
આવશો કે નહિ? આવશો કે નહિ?

અમે બાલમંદિરમાં

હાં રે અમે બાલમંદિરમાં ભણીએ
હાં રે અમે નવી નવી વાતો શીખીએ

અમે સંગીતના વર્ગમાં જઈએ
અમે નીત નવા ગીતો ગાઈએ

અમે ઢોલકના થાપ પર નાચીએ
હાં રે અમે બાલમંદિરમાં ભણીએ
હાં રે અમે નવી નવી વાતો શીખીએ

અમે નાનકડાં બંગલા બનાવીએ
અમે માટીના રમકડાં બનાવીએ

અમે કાગળની હોડી બનાવીએ
હાં રે અમે બાલમંદિરમાં ભણીએ
હાં રે અમે નવી નવી વાતો શીખીએ

અમે બાગમાં હીંચકા ખાઈએ
અમે લસરપટ્ટીમાં લસરીએ

શું બોલે કૂકડો?

શું બોલે કૂકડો? કૂકડે કૂકાંવ, કૂકડે કૂકાંવ
શું બોલે બિલ્લી? મિયું મિયું, મિયું મિયું

શું બોલે ચકલી? ચીં ચીં ચક ચક, ચીં ચીં ચક ચક
શું બોલે કૂતરો? વ્હાઉ હાઉ, વ્હાઉ હાઉ, વ્હાઉ હાઉ

શું બોલે કોયલ? કૂઉહુ, કૂઉહુ, કુઉહુ
શું બોલે વાઘભાઈ? ખ્રાઉંઉં... ખ્રાઉંઉં

ચકલી બોલે ચીં ચીં

ચકલી બોલે ચીં ચીં, ટીપું પાણી પી પી
કાગડો બોલે કાં કાં, મોટે સાદે ગા ગા

કોયલ બોલે કૂ કૂ, હોલો બોલે ઘૂ ઘૂ
કુકડા કુકડા કૂકડે કૂક, ગાડી ચાલે છૂક છૂક છૂક

બકરી બોલે બેં બેં, આલો પાલો લે લે
મીની મીની મ્યાઉં મ્યાઉં, ઓરી આવ દૂધ પાઉં

ઉંદર મામા છૂ છૂ, સામે ઊભો હું છું

ડોશીમા, ડોશીમા

‘ડોશીમા, ડોશીમા ક્યાં ચાલ્યાં?’
‘છાણાં વીણવાં’
‘છાણાંમાંથી શું જડ્યું?’
‘રૂપિયો’
‘રૂપિયાનું શું લીધું?’
‘ગાંઠિયાં’
‘ખાય જે ગાંઠિયાં, ભાંગે તેના ટાંટિયા’
‘ઊભો રે'જે મારા પિટીયા’

પૃષ્ઠો

Subscribe to RSS - બાળગીત