બાળગીત

મેં એક બિલાડી

મેં એક બિલાડી પાળી છે
તે રંગે બહુ રૂપાળી છે

તે હળવે હળવે ચાલે છે
ને અંધારામાં ભાળે છે

તે દૂધ ખાય દહીં ખાય
ઘી તો ચપ ચપ ચાટી જાય

તે ઉંદરને ઝટ પટ ઝાલે
પણ કૂતરાથી બીતી ચાલે

તેના ડીલ પર ડાઘ છે
તે મારા ઘરનો વાઘ છે

વાર્તા રે વાર્તા

વારતા રે વારતા, ભાભો ઢોર ચારતા
ચપટી બોરા લાવતા, છોકરાંને સમજાવતા

એક છોકરો રિસાણો, કોઠી પાછળ ભીંસાણો
કોઠી પડી આડી, છોકરે રાડ પાડી, અરરરર માડી

બેનીને ઝબલે રૂપાળા મોર

બેનીને ઝબલે રૂપાળા મોર છે
બેની મારી મારા કાળજાની કોર છે

બેની મેડીએ રમે, બેની માડીને ગમે
બેની ફળીયે રમે, બેની ફઈને ગમે
બેની મેદાને રમે, બેની ભાઈને ગમે

બેની સૈયરુંમાં રમે, બેની સૈયરુંને ગમે
બેની શેરીમાં રમે, બેની સૌને ગમે

બેનીને ઝબલે રૂપાળા મોર છે
બેની મારી મારા કાળજાની કોર છે

દાદાનો ડંગોરો

દાદાનો ડંગોરો લીધો, એનો તો મેં ઘોડો કીધો

ઘોડો કૂદે ઝમઝમ
ઘૂઘરી વાગે ઘમઘમ
ધરતી ધ્રુજે ધમધમ

ધમધમ ધરતી થાતી જાય, મારો ઘોડો કૂદતો જાય
કૂદતાં કૂદતાં આવે કોટ, કોટ કૂદીને મૂકે દોટ

સહુના મનને મોહી રહ્યો, એક ઝવેરી જોઈ રહ્યો
ઝવેરીએ તો હીરો દીધો, હીરો મેં રાજાને દીધો

રાજાએ ઉતાર્યો તાજ, આપ્યું મને આખું રાજ
રાજ મેં રૈયતને દીધું, મોજ કરી ખાધું પીધું

એન ઘેન દીવા ઘેન

એન ઘેન, દીવા ઘેન
ડાહીનો ઘોડો, ખડ ખાતો, પાણી પીતો
રમતો જમતો, છૂટ્યો છે

હાથમાં લાકડી, કમળ કાકડી
ભાગો ભાગો, ઘોડો ચાલ્યો, દોડો દોડો
ના પકડશો, ડાહીનો ઘોડો, રમતો જમતો, છૂટ્યો છે

આવ રે વરસાદ

આવ રે વરસાદ, ઘેબરીઓ પરસાદ
ઊની ઊની રોટલી ને કારેલાનું શાક
આવ રે વરસાદ, નેવલે પાણી
નઠારી છોકરીને દેડકે તાણી

હાથીભાઈ

હાથીભાઈ તો જાડા લાગે મોટા પાડા
આગળ ઝૂલે લાંબી સૂંઢ પાછળ ઝૂલે ટૂંકી પૂંછ

મામાનું ઘર કેટલે

મામાનું ઘર કેટલે દીવો બળે એટલે
દીવો મેં તો દીઠો મામો લાગે મીઠો

તાળી વગાડે છોકરાં મામા લાવે ટોપરાં
ટોપરાં તો ભાવે નહિ મામા ખારેક લાવે નહિ

મામી મારી ભોળી મીઠાઈ લાવે મોળી
મોળી મીઠાઈ ભાવે નહિ રમકડાં તો લાવે નહિ

મામે સામું જોયું મારું મનડું મોહ્યું
મામાનું ઘર કેટલે દીવો બળે એટલે

અડકો દડકો

અડકો દડકો દહીં દડુકો શ્રાવણ ગાજે પીલું પાકે
ઊલ મૂલ, ધતુરાનું ફૂલ, સાકર શેરડી ખજૂર

ખજરે ખજરે આમ છે
પીતામ્બર પગલાં પાડે છે

મોર પાણી ભરે છે ઢેલ પાણી ઢોળે છે
રાજિયો ભોજિયો ટીલડીનો ટચાકીયો

પાપા પગલી

પાપા પગલી ધૂળની ઢગલી
ઢગલીમાં ઢેલ જીવે મારી બેન

પાપા પડિયા થોડુંક રડ્યાં
રડતાં રડતાં આંસુડાં ખર્યાં

પાપા પોળી ઘીમાં ઝબોળી
ચોળીને ખાજો તાજામાજા થાજો

તાજામાજા થાજો
તાજામાજા થાજો

પૃષ્ઠો

Subscribe to RSS - બાળગીત