લગ્નગીત

મારે આંગણિયે તલાવડી

મારે આંગણિયે તલાવડી છબછબિયાં પાણી,

એમાં તે અણવર લપટ્યો રે એની કેડ લચકાણી.

વેવાઈને માંડવે વેવલી રે એની આંખ છે કાણી,

નદીએ નાવા ગઈ'તી રે એને દેડકે તાણી,

ધોળજો છોકરાં ધોળજો રે એની કેડ લચકાણી,

ગોળને બદલે ખોળ દ્યો રે એની કેડ લચકાણી.

અળવીંતરી તું એવી કે એની અવળી વાણી,

એણે ચોરીને ચીભડું ખાધું રે,

એણે ચોરીને ચુરમું ખાધું રે,

એણે ચોરીને ચટણી ચાટી રે,

એ તો...

ખાઉં ખાઉં કરતી ફરતી રે જાણે ભેંશની ભાણી,

મારે આંગણિયે તલાવડી છબછબિયાં પાણી.

ઓલ્યા અણવરને જાનમાંથી કાઢો રે હું તો લાજી મરું,

કંકોતરી મોકલો (લગન લખતી વખતે)

કંકુ છાંટી કંકોતરી મોકલો,

એમાં લખજો બેનીના નામ રે લગન આવ્યાં ઢૂંકડાં.

બેનના દાદા આવ્યા ને દાદી આવશે,

બેનના માતાનો હરખ ન માય રે લગન આવ્યાં ઢૂંકડાં.

બેનના કાકા આવ્યા ને કાકી આવશે,

બેનના ફૈબાનો હરખ ન માય રે લગન આવ્યાં ઢૂંકડાં.

બેનના મામા આવ્યા ને મામી આવશે,

બેનના માસીબાનો હરખ ન માય રે લગન આવ્યાં ઢૂંકડાં.

બેનના વીરા આવ્યા ને ભાભી આવશે,

બેનની બેનીનો હરખ ન માય રે લગન આવ્યાં ઢૂંકડાં.

સોના વાટકડીમાં કંકુ ઘોળાવો (લગન લખતી વખતે)

સોના વાટકડીમાં કંકુ ઘોળાવો નર ને નાર રે,

ઊડતો ઊડતો જિયાવર પોપટ બેઠો તોરણે.

સજજો રે ઘરની મેનાને શણગાર રે,

ઊડતો ઊડતો જિયાવર પોપટ બેઠો તોરણે.

સોના વાટકડીમાં કંકુ ઘોળાવો નર ને નાર રે,

ઊડતો ઊડતો જિયાવર પોપટ બેઠો તોરણે.

અક્ષર અક્ષર પરોવતા મંગળતા કોતરી,

કંકુ છાંટીને આજ લખી રે કંકોતરી.

તેડાવો રે મંગલ ગીતો ગાતાં નર ને નારને,

ઊડતો ઊડતો જિયાવર પોપટ બેઠો તોરણે.

કંકુને પગલે પગલે પ્રભુતા પગ માંડશે,

જીવનના સાથિયામાં ઇન્દ્રધનુ જાગશે.

રેલાવો રે રંગોળીમાં રંગ ધાર રે,

ઊડતો ઊડતો જિયાવર પોપટ બેઠો તોરણે.

હેતે લખિયે કંકોતરી રે લોલ (કુળદેવીને નિમંત્રણ)

હેતે લખીએ કંકોતરી રે લોલ, હેતે લખીએ કંકોતરી રે લોલ,

લખીએ રૂડાં કુળદેવીનાં નામ કે કુળદેવી માત વેલા આવજો રે લોલ,

હે તમે કુળદેવી માત વેલા આવજો રે લોલ.

અવસર આવ્યો છે રૂડો આંગણે રે લોલ

લગનના કંઈ વાગે રૂડા ઢોલ જો કુળદેવી માત વેલા આવજો રે લોલ,

હે તમે કુળદેવી માત વેલા આવજો રે લોલ

સુખડના મંડપ રોપાવિયા રે લોલ,

બાંધ્યાં બાંધ્યાં લીલુડા તોરણ જો કુળદેવી માત વેલા આવજો રે લોલ,

હે તમે કુળદેવી માત વેલા આવજો રે લોલ.

આવીને અવસર ઉજાળજો રે લોલ,

બાલુડાંને આપજો આશિષ કે કુળદેવી માત વેલા આવજો રે લોલ,

પીઠી ચોળી લાડકડી

પીઠી ચોળી લાડકડી !
ચૂંદડી ઓઢી લાડકડી !
ચૂંદડીએ ધબકારા ઢાંક્યા ને
કરમાં કર સોંપ્યા લાડકડી !

મીઠી આવો લાડકડી !
કેમ કહું જાઓ લાડકડી ?
તું શાની સાપનો ભારો ?
-તું તુલસીનો ક્યારો લાડકડી !

ચરકલડી ચાલી લાડકડી,
રહેશે ના ઝાલી લાડકડી !
આછેરી શીમળાની છાયા :
એવી તારી માયા લાડકડી !

સોડમાં લીધાં લાડકડી !
આંખભરી પીધાં લાડકડી !
હીબકાંને હૈયામાં રૂંધ્યાં ને
પારકાં કીધાં લાડકડી !

વરરાજે સીમડી ઘેરી માણારાજ

(જાનમાં ગવાતું ગીત)

મોર તારી સોનાની ચાંચ, મોર તારી રૂપાની પાંખ
સોનાની ચાંચે રે મોરલો મોતી ચરવા જાય

મોર જાજે ઊગમણે દેશ, મોર જાજે આથમણે દેશ
વળતો જાજે વેવાયુંને માંડવે હો રાજ

વેવાઈ મારા સૂતો છે કે જાગ, વેવાઈ મારા સૂતો છે કે જાગ
જીગરભાઈ વરરાજે સીમડી ઘેરી માણારાજ

સીમડીએ કાંઈ ચમર ઢોળાવ, સીમડીએ કાંઈ ચમર ઢોળાવ
ચમરનો હોંશી વીરો મારો આવ્યો માણારાજ

વેવાઈ મારા સૂતો હોય તો જાગ, વેવાઈ મારા સૂતો હોય તો જાગ
જીગરભાઈ વરરાજે ઝાંપલા ઘેર્યા માણારાજ

તને સાચવે પાર્વતી, અખંડ સૈભાગ્યવતી

તને સાચવે પાર્વતી, અખંડ સૈભાગ્યવતી
તને સાચવે સીતા સતી, અખંડ સૌભાગ્યવતી

માના ખોળા સમું આંગણું તેં મુક્યું
બાપના મન સમું બારણું તેં મુક્યું
તું તો પારકા ઘરની થતી, અખંડ સૌભાગ્યવતી

ભગવાન ને આજ ધરાવી દિધી
વિશ્વાસ કરીને વળાવી દિધી
તારો સાચો સગો છે પતિ, અખંડ સૌભાગ્યવતી

Subscribe to RSS - લગ્નગીત