લોકગીત

રૂડી ને રંગીલી

રૂડી ને રંગીલી વ્હાલા તારી વાંસળી રે લોલ
રૂડી ને રંગીલી વ્હાલા તારી વાંસળી રે લોલ

આ વાંસલડી મારે મંદિરિયે સંભળાય જો
આ પાણીડાંની મશે રે જીવણ જોવા નિસર્યાં રે લોલ

આ બેડાં તે મેલ્યા માન સરોવર પાળ જો
આ ઈંઢોળી વળગાડી આંબલિયાની ડાળમાં રે લોલ

આ ગોપી હાલ્યા વગડા તે વનની મોઝાર જો
આ કાન વણખોટીલા કેડો મારો રોકી ઊભા રે લોલ

આ કેડો મેલો પાતળિયા ભગવાન જો
આ સાસુડી હઠીલી મારી નરદમ મેણાં બોલશે રે લોલ

આ વાગે તારા ઝાંઝરનો ઝણકાર જો
આ હળવા હળવા હાલે ચાલે રે રાણી રાધિકા રે લોલ

મારે ટોડલે બેઠો રે, મોર ક્યાં બોલે

મારે ટોડલે બેઠો રે, મોર ક્યાં બોલે,
મારાં હૈડાં હારોહાર, મારાં દલડે લેરાલેર જાય,
જનાવર જીવતાં ઝાલ્યાં રે,
મોર ક્યાં બોલે…..મારે ટોડલે બેઠો રે, મોર ક્યાં બોલે.

મારે કમખે બેઠો રે, મોર ક્યાં બોલે
મારી ચુંદડી લેરાલેર, જનાવર જીવતાં ઝાલ્યાં રે,
મોર ક્યાં બોલે...મારે ટોડલે બેઠો રે, મોર ક્યાં બોલે.

મારા કડલે બેઠો રે, મોર ક્યાં બોલે
મારી કાંબીયું લેરાલેર, જનાવર જીવતાં ઝાલ્યાં રે,
મોર ક્યાં બોલે...મારે ટોડલે બેઠો રે, મોર ક્યાં બોલે.

રામદે પીરનો હેલો

હેઈ... હે જી રે...
હે... રણુજાના રાજા
અજમલજીના બેટા
વીરમદેના વીરા
રાણી હેતલના ભરથાર
મારો હેલો સાંભળો
હો... હો... જી
હો જી રે મારો હેલો સાંભળો જી

હેઈ... હેલો મારો સાંભળો
રણુજાના રાય
હુકમ કરો તો પીર
જાત્રાયું થાય
મારો હેલો સાંભળો
હો... હો... જી
હો જી રે મારો હેલો સાંભળો જી

હે... હે... હે જી રે...
હે... વાણિયો ને વાણિયણે
ભલી રાખી ટેક
પુત્ર ઝૂલે પારણે તો
જાત્રા કરશું એક
મારો હેલો સાંભળો
હો... હો... હોજી
હો જી રે મારો હેલો સાંભળો જી

વનરાવન મોરલી વાગે છે

વાગે છે રે વાગે છે,
વનરાવન મોરલી વાગે છે.

એના સૂર ગગનમાં ગાજે છે,
વનરાવન મોરલી વાગે છે.

કેમ કરી આવું કાન ગોકુળની ગલીઓમાં
મારી સાસુડી વેરણ જાગે છે.

પગલું માંડુ તો વાગે પગના ઝાંઝર આ
મારી જેઠાણી વેરણ જાગે છે.

વીતે છે રાતડીને ચાંદલીયો આથમ્યો
મારી દેરાણી વેરણ જાગે છે.

હળવેથી છેડ કાન મોરલીના સૂર હવે
તારી મોરલીના મોહબાણ વાગે છે.

રૂમઝૂમતી રમવા નીસરી રે

<poem> ક્હાન ! ત્હારે તળાવ, ક્હાન ! ત્હારે તળાવ, રૂમઝૂમતી રમવા નીસરી રે

રમવા નીસરી રે, રમવા નીસરી રે; ક્હાન ! ત્હારે તળાવ, શુદ્ધ બુદ્ધ સર્વે વિસરી રે : ક્હાન ! ત્હારે તળાવ, રમવા નીસરી રે

રમવા નીસરી રે, રમવા નીસરી રે; ક્હાન ! ત્હારે તળાવ, નાથ કેરી નથની વિસરી રે : ક્હાન !

રમવા નીસરી રે, રમવા નીસરી રે; ક્હાન ! ત્હારે તળાવ, કાન કેરાં કુંડલ વિસરી રે : ક્હાન !

રમવા નીસરી રે, રમવા નીસરી રે; ક્હાન ! ત્હારે તળાવ, હાથ કેરાં કંકણ વિસરી રે : ક્હાન !

રમવા નીસરી રે, રમવા નીસરી રે; ક્હાન ! ત્હારે તળાવ, કેડ કેરો કંદોરો વિસરી રે : ક્હાન !

મોરબીની વાણિયણ

મોરબીની વાણિયણ

કૂવા કાંઠે ઠીકરી જેમ ઘસી ઊજળી થાય
મોરબીની વાણિયણ મચ્છુ પાણી જાય

આગળ રે મોરબીની વાણિયણ
પાછળ રે મોરબીના રાજા ઘોડાં પાવા જાય

એ... કહે રે વાણિયાણી તારા બેડલાંના મૂલ
હે તારા બેડલાંના મૂલ

મને જાવા દ્યો જીવાજી ઠાકોર
રહેવા દ્યો ને મોરબીના રાજા
નથી કરવા મૂલ
મારે રે બેડલિયે તારા ઘોડલાં ડૂલ

એ... કહે રે વાણિયાણી તારી ઈંઢોણીના મૂલ
હે તારી ઈંઢોણીના મૂલ

મને જાવા દ્યો જીવાજી ઠાકોર
રહેવા દ્યો ને મોરબીના રાજા
નથી કરવા મૂલ
મારી રે ઈંઢોણીમાં તારા હાથીડાં ડૂલ

લીંપ્યું ને ગૂંપ્યું મારું આંગણું રે

લીંપ્યું ને ગૂંપ્યું મારું આંગણું રે
પગલીનો પાડનાર દ્યોને રન્નાદે
વાંઝિયાં મે'ણાં માતા દોહ્યલાં

દળણાં દળીને હું ઊભી રહી
કુલેરનો માગનાર દ્યોને રન્નાદે
વાંઝિયાં મે'ણાં માતા દોહ્યલાં

મહીડાં વલોવીને હું ઊભી રહી
માખણનો માગનાર દ્યોને રન્નાદે
વાંઝિયાં મે'ણાં માતા દોહ્યલાં

પાણીડાં ભરીને હું તો ઊભી રહી
છેડાનો ઝાલનાર દ્યોને રન્નાદે
વાંઝિયાં મે'ણાં માતા દોહ્યલાં

રોટલાં ઘડીને હું તો ઊભી રહી
ચાનકીનો માગનાર દ્યોને રન્નાદે
વાંઝિયાં મે'ણાં માતા દોહ્યલાં

રાધકા રંગભીની

ભીની મેંદીનો રંગ લાગ્યો રૂડો હો રાધકા રંગભીની

તારા માથાનો અંબોડો હો રાધકા રંગભીની જાણે છૂટ્યો તેજીનો ઘોડો હો રાધકા રંગભીની

ભીની મેંદીનો રંગ લાગ્યો રૂડો હો રાધકા રંગભીની

તારી આંખ્યુંનાં ઉલાળા હો રાધકા રંગભીની જાણે દરિયાનાં હીલોળા હો રાધકા રંગભીની

ભીની મેંદીનો રંગ લાગ્યો રૂડો હો રાધકા રંગભીની

તારા નાકડિયાની દાંડી હો રાધકા રંગભીની જાણે દીવડીએ શગ માંડી હો રાધકા રંગભીની

ભીની મેંદીનો રંગ લાગ્યો રૂડો હો રાધકા રંગભીની

તારા હાથની હથેળી હો રાધકા રંગભીની જાણે બાવલપરની થાળી હો રાધકા રંગભીની

ભીની મેંદીનો રંગ લાગ્યો રૂડો હો
રાધકા રંગભીની

વનમાં બોલે ઝીણા મોર

વનમાં બોલે ઝીણા મોર
કોયલરાણી કિલોળ કરે રે લોલ !
ઝીણા ઝરમર વરસે મેહ
વાદલડી વાયે વળે રે લોલ !

બેની મારો ઉતારાનો કરનારો
જાદવરો ક્યારે આવે રે લોલ !
આવશે સાતમ ને સોમવારે
આઠમની મધરાતે રે લોલ !

બેની મારો દાતણનો કરનારો
જાદવરો ક્યારે આવે રે લોલ !
આવશે સાતમ ને સોમવારે
આઠમની મધરાતે રે લોલ !

બેની મારો નાવણનો કરનારો
જાદવરો ક્યારે આવે રે લોલ !
આવશે સાતમ ને સોમવારે
આઠમની મધરાતે રે લોલ !

બેની મારો ભોજનનો કરનારો
જાદવરો ક્યારે આવે રે લોલ !
આવશે સાતમ ને સોમવારે
આઠમની મધરાતે રે લોલ !

મારે ઘેર આવજે માવા

મારે ઘેર આવજે માવા
કાલ સવારે ઢેબરું ખાવા

બાજરી કેરું ઢેબરું કરું ને
તળતાં મૂકું તેલ
આથણું પાપડ કાચરી ને
ઉપર દહીંનું દડબું છેલ

મારે ઘેર આવજે માવા
કાલ સવારે ઢેબરું ખાવા

મારે આંગણ વાડિયું માવા
ચોખલિયાળી ભાત
ઊનો ઊનો પોંક પાડું ને
આપું સાકર સાથ

મારે ઘેર આવજે માવા
કાલ સવારે ઢેબરું ખાવા

હરિ બંધાવું હીંચકો ને
હીરલા દોરી હાથ
હળવે હળવે હીંચકો નાખું
તમે પોઢો દીનાનાથ

મારે ઘેર આવજે માવા
કાલ સવારે ઢેબરું ખાવા

પૃષ્ઠો

Subscribe to RSS - લોકગીત