લોકગીત

વાવડીનાં પાણી ભરવા ગ્યાં’તા

હો રાજ રે !
વાવડીનાં પાણી ભરવા ગ્યાં’તા મને કેર કાંટો વાગ્યો.

હો રાજ રે !
વડોદરાના વૈદડા તેડાવો, મારાં કાંટડિયા કઢાવો,
મને પાટડિયા બંધાવો; મને કેર કાંટો વાગ્યો.

હો રાજ રે !
ધોરાજીના ઢોલિયા મંગાવો, માંહી પાથરણાં પથરાવો,
આડા પડદલા બંધાવો; મને કેર કાંટો વાગ્યો.

હો રાજ રે !
ઓશરિયેથી ખાંડણિયા રે કાઢો, મારા ધબકે ખંભા દુખે;
મને કેર કાંટો વાગ્યો.

હો રાજ રે !
સસરાજીને ચોવટ કરવા મેલો, મને ઘૂંઘટડા કઢાવો;
મને કેર કાંટો વાગ્યો.

મૈયારણ (કચ્છી લોકગીત)

લમ્મે લમ્મે મહિયારણ, હુ ત કેર અચે રે,
અંજો ચોટલો કારો નાગ, મુકે મોહિની લગી રે

અંજે કન જેડા કુંડળ મુકે કનમેં ખપે રે
અંજે મોતી જો શણગાર મુકે મોહિની લગી રે

લમ્મે લમ્મે મહિયારણ, હુ ત કેર અચે રે,

અંજે ડોક જેડી માળા મુકે ડોકમેં ખપે રે
અંજે હીરે જો શણગાર મુકે મોહિની લગી રે

લમ્મે લમ્મે મહિયારણ, હુ ત કેર અચે રે,

અંજે હથ જેડા કંકણ મુકે હથમેં ખપે રે
અંજે સોનેજો શણગાર મુકે મોહિની લગી રે

લમ્મે લમ્મે મહિયારણ, હુ ત કેર અચે રે,

લાલ લાલ ચુંદડી

લાલ લાલ ચુંદડી રંગાવ મારી માડી
સોનાનું કંકણુ ઘડાવ રે,

ઘેરદાર ઘાઘરો મંગાવ મારી માડી
સેંથે સિંદુર ભરાવ રે!
બારણીયે ઊભા મારા સસરાજી
હસી હસી દીકરી વ_lવ રે!

જેમ જંગલનાં પંખી રે માડી
વ્હાણું વાતાં ઊડી જાય રે;
તેમ પરાઈ થઈ દીકરી
દેશ પરાયે જાય રે!
નનો વીરો મરો રોકે રે પાલખી

આંસુના ઝરણા વહાવી રે,
બાપુને ધીરજ ધરાવ મરા વીરા

જેણે મને કીધી પરાઈ રે!

વનમાં ચાંદલિયો ઊગ્યો રે

વનમાં ચાંદલિયો ઊગ્યો રે
કે રસિયા મને સૂરજ થઈ લાગ્યો

રસિયા મોરા શેરીએ પડાવું સાદ રે
ઉતારા કરવાને કાજ રે

રસિયા મોરા શેરીએ પડાવું સાદ રે
દાતણ કરવાને કાજ રે

રસિયા મોરા ઝારીયું લઉં સાથ રે
દાતણ કરવાને કાજ રે

રસિયા મોરા શેરીએ પડાવું સાદ રે
ભોજન કરવાને કાજ રે

રસિયા મોરા સુખડી લેજો સાથ રે
ભોજન કરવાને કાજ રે

રસિયા મોરા શેરીએ પડાવું સાદ રે
ભોજન કરવાને કાજ રે

મારી માતા ની તોલે કોઈ ના’વે

મોટર,બસ ને બલુનમાં પણ પ્રથમ પૈસા પડાવે (૨)
પણ કેડમાં બેસાડી માતા મોરી (૨)આ સૃષ્ટિની સફર કરાવે.
-જગતમાંo
સિનેમા પણ મહાશેતાની ભાઈ ખિસ્સા ખાલી કરાવે (૨)
પણ ગાંડીઘેલી માતા મોરી (૨) ગીત મધુરા ગાવે.
-જગતમાંo
મન મારું માને દર્શન કરવા, નિત નવા ભોગ ધરાવે (૨)
પણ પૈસા વિનાનો પ્રસાદ માગુ તો,(૨) મને ધક્કા મારીને ધમકાવે.
-જગતમાંo
કાયમી સીતા અને રામાયણના સેવાના પાઠ સંભળાવે,(૨)
યાદ કરું ઉપકાર માતાના,(૨) મારી આંખે આંસુડા આવે.
-જગતમાંo
એક માતા જનમ દેનારી બીજી ધરતી માતા કહાવે (૨)
પુરુષોતમ કહે અંતે સૌને,(૨) મીઠી ગોદમાં સમાવે.

પાતળી પરમાર

માડી હું તો બાર બાર વરસે આવિયો
માડી મેં'તો નવ દીઠી પાતલડી પરમાર રે
જાડેજી મા, મોલ્યુંમાં દીવડો શગ બળે રે લોલ

દીકરા, હેઠો બેસીને હથિયાર છોડ રે
કલૈયા કુંવર, પાણી ભરીને હમણાં આવશે

માડી હું તો કૂવા ને વાવ્યું જોઈ વળ્યો
માડી મેં'તો નવ દીઠી પાતલડી પરમાર રે
જાડેજી મા, મોલ્યુંમાં દીવડો શગ બળે રે લોલ

દીકરા, હેઠો બેસીને હથિયાર છોડ રે
કલૈયા કુંવર, દળણું દળીને હમણાં આવશે

માડી હું તો ઘંટી ને રથડાં જોઈ વળ્યો
માડી મેં'તો નવ દીઠી પાતલડી પરમાર રે
જાડેજી મા, મોલ્યુંમાં દીવડો શગ બળે રે લોલ

બળિયા બાપજી રે

બળિયા બાપજી રે, તું તો દીન-દુઃખિયાને તારે,
હે દીન-દુઃખિયાને તારે લાખો જીવોને ઉગારે.

સુંદર ઘાટ ઘડે છે ઇશ્વર, તું એને શણગારે,
શીતળાના રોગી આયો તે આવી તારે દ્વારે
હે તારા સતનો દિવો બળતો ઢાઢરને કિનારે

તું કળજુગને દેવ દુલારો, બળિયાથી પણ બળિયો,
તારા દર્શન કરતાં ખીલે હ્રદયકમળની કળીયો
જેનું કોઇ નહિ જગમાં તું, હાલે એની હારે.

માના નોરતાં આવ્યાં

ઘર ઘર તોરણીયાં બંધાવો, ઘર દીવડા પ્રગટાવો,
માના નોરતાં આવ્યાં.

આભલેથી ઊતરી અંબા અવનિએ આવ્યાં,
ગરબે ઘૂમતી ગોરીઓના ગરબા સોહાવ્યા,
માના નોરતાં આવ્યાં.

ઘર સાથિયા પૂરાવો, ઘર ઘર ફૂલડાં પથરાવો,
માના નોરતાં આવ્યાં.

ટપકીયાળી ચૂંદડીમાં, મા શોભે ઝળહળતા,
કંકણ રત્ન, જડાવ ને બાંહે બાજુબંધ બિછિયાં,
માના નોરતાં આવ્યાં.

ઘરઘર દીવડા પ્રગટાવો, ઘરઘર તોરણિયાં બંધાવો,
માના નોરતાં આવ્યાં.

ઝાંઝર ઝણકે કંકણ રણકે, તાલી દેતાં તાલમાં,
ગળે એકાવન હાર ને, દામણી શોભે ભાલમાં,
માના નોરતાં આવ્યાં.

પાટણથી પટોળાં મોંઘાં લાવજો

છેલાજી રે
મારે હાટુ પાટણથી પટોળાં મોંઘાં લાવજો
એમાં રૂડાં રે મોરલિયા ચિતરાવજો
પાટણથી પટોળાં મોંઘાં લાવજો
છેલાજી રે

રંગ રતુંબલ કોર કસુંબલ
પાલવ પ્રાણ બિછાવજો રે
પાટણથી પટોળાં મોંઘાં લાવજો
છેલાજી રે

ઓલ્યા પાટણ શે’રની રે મારે થાવું પદમણી નાર
ઓઢી અંગ પટોળું રે એની રેલાવું રંગધાર
હીરે મઢેલા ચૂડલાની જોડ મોંઘી મઢાવજો રે
પાટણથી પટોળાં મોંઘાં લાવજો
છેલાજી રે

બંસીબટનો ચોક

આ શો રૂડો બંસીબટનો ચોક, કે મળી મહી વેકવા રે લોલ; મારગ મળિયા મ્હારા નાથ, કે મુજને આંતરી રે લોલ.

ફોડ્યાં મ્હારાં મહીનાં માટ કે ગોરસ મ્હારાં ઢોળિયાંરે લોલ; ગોપી ચાલી નન્દ દરબાર , કે ગોકુળ ગામની રે લોલ.

વારો, જશોદા ! તમરા (ક હા)ન, કે નિત આડી કરે રે લોલ. ફોડ્યાં મ્હારાં મહીનાં માટ, કે કે ગોરસ મ્હારાં ઢોળિયાંરે લોલ;

જશોદાને ચડિયલ રીસ, કેલટૅકે નીસર્યાં રે લોલ; હાથમાં લીધી કરેણની સોટી કે કૃષ્ણ કદંબ (ચહ)ડ્યા રે લોલ.

ઊતરો ઊતરો, મ્હારા બાળ! કે કહું એક વાતડી રે લોલ; માતા જશોદા ! તંમારી આણ, કે ગોપી સર્વે જૂઠડી રે લોલ.

પૃષ્ઠો

Subscribe to RSS - લોકગીત