લોકગીત

પરદેશી લાલ પાંદડું

પાંદડું ઊડી ઊડી જાય રે

પરદેશી લાલ પાંદડું

પાંદડું ઊડી ઊડી જાય રે

પરદેશી લાલ પાંદડું

પાંદડાની માયા મુને લાગી રે

પરદેશી લાલ પાંદડું

પાંદડું ઊડી ઊડી જાય રે

પરદેશી લાલ પાંદડું

ઓ માડી મારો સાસરો આણે આવ્યો
માડી હું તો સસરા ભેળી નહિ જાઉં રે
સાસુજી મેણાં મારે

પરદેશી લાલ પાંદડું

ઓ માડી મારો જેઠજી આણે આવ્યો
માડી હું તો જેઠજી ભેળી નહિ જાઉં
જેઠાણી મેણાં મારે

પરદેશી લાલ પાંદડું

ઝાલર વાગે ને

ઝાલર વાગે ને વા'લો હરિરસ ગાય
કાન ગોપીઓનો છેડો સાહ્ય

મેલો મેલો ને કાનુડા અમ્મારા ચીર
અમે ગોપીયું છીએ નિરમળા નીર

છેડો ફાટ્યો ને ગોપી રાવે ગઈ
જશોદા મંદિર જઈ ઊભી રહી

માતા જશોદા તમ્મારો કાન
નિત્ય મારગડે માંગે છે દાણ

દાણ માંગે ને વળી લૂંટી ખાય
ઈ તે ગોકળિયામાં કેમ રે'વાય

જાવ જાવ ગોપીયું તમ્મારે ઘેર
આવે કાનો તો માંડુ વઢવેડ

સાંજ પડી ને કાનો આવ્યો છે ઘેર
માતા જશોદાએ માંડી વઢવેડ

ભાઈ કાનુડા તારે આવડી શી હેર
નિત્યના કજિયા લાવે મારે ઘેર

માતા જશોદા તમ્મારી આણ
જુઠુ બોલે ગોપી ચતુરસુજાણ

ઢોલાજી વીંઝણો લ્યો

ઢોલાજી હાલ્યો ચાકરી રે

ઢોલાજી વીંઝણો લ્યો

કે મુને હારે તેડતા જાવ

ઢોલાજી વીંઝણો લ્યો

લવિંગ સરીખી ઢોલા તીખડી રે

ઢોલાજી વીંઝણો લ્યો

તારે મુખડામાં રમતી આવું રાજ

ઢોલાજી વીંઝણો લ્યો

તલવાર સરીખી ઢોલા ઊજળી રે

ઢોલાજી વીંઝણો લ્યો

તારી કેડે ઝૂલતી આવું રાજ

ઢોલાજી વીંઝણો લ્યો

રૂમાલ સરીખી ઢોલા રેશમી રે

ઢોલાજી વીંઝણો લ્યો

કે તારા હાથમાં રમતી આવું રાજ

ઢોલાજી વીંઝણો લ્યો

ધમ ધમક ધમ સાંબેલું…

ધમ ધમક ધમ ધમ ધમ... સાંબેલું...
અલક મલકનું અલબેલું... સાંબેલું...
જનમ જનમથી વહુને માથે ભાંગેલું...
સાંબેલું...

જેવી ઘઉંમાં કાંકરી, નણંદ મારી આકરી
હાલે ના પેટનુ પાણી, એવી મારી જેઠાણી
સાંબેલું..

ધમ ધમક ધમ ધમ ધમ... સાંબેલું...
અલક મલકનું અલબેલું... સાંબેલું...

જેવી ફૂટે ધાણી, એવી મારી દેરાણી
જેવો કુવો ઊંડો, જેઠ એવો ભૂંડો
સાંબેલું...

ધમ ધમક ધમ ધમ ધમ... સાંબેલું...
અલક મલકનું અલબેલું... સાંબેલું...

હોય છો ને બટકો, દિયર વટનો કટકો
લીલી લીલી વાડીઓ ને સસરો એમાં ચાડિયો
સાંબેલું...

જેસલ કરી લે વિચાર

જેસલ કરી લે વિચાર, માથે જમનો છે માર,
સપના જેવો છે સંસાર, તોળી રાણી કરે રે પોકાર,
આવો ને જેસલ રાય, આપણ પ્રેમ થકી મળીએ જી…

હીરલા એરણમાં ઓરાય, માથે ઘણ કેરા ઘા,
ફૂટે ઇ તો ફટકિયા કે’વાય, ખરાની ખર્યે ખબર્યું થાય,
આવો ને જેસલ રાય, આપણ પ્રેમ થકી મળીએ જી…

ગુરુના ગુણનો નહિ પાર, ભક્તિ ખાંડા કેરી ધાર,
નુગરા શું જાણે એનો સાર, હે જી એનો એળે ગ્યો અવતાર.
આવો ને જેસલ રાય, આપણ પ્રેમ થકી મળીએ જી…

અનુભવી આવ્યો છે અવતાર, માથે સદગુરુનો આધાર,
જાવુ મારે હરિને દરબાર, બેડલી ઉતારો ભવ પાર,
આવો ને જેસલ રાય, આપણ પ્રેમ થકી મળીએ જી…

ગોકુળ આવો ગિરધારી

(ચોમાસાનો ચારણી છંદ)

અષાઢ ઉચ્ચારમ્, મેઘ મલ્હારમ્
બની બહારમ્, જલધારમ્
દાદુર ડક્કારમ્,
મયુર પુકારમ્ તડિતા તારમ્,
વિસ્તારમ્ ના લહી સંભારમ્,
પ્યારો અપારમ્ નંદકુમારમ્
નિરખ્યારી કહે રાધે પ્યારી,
હું બલિહારી
ગોકુળ આવો ગિરધારી

શ્રાવણ જલ બરસે,
સુંદર સરસેં બાદલ ભરસે,
અંબરસેં તરુવર વિરિવરસે,
લતા લહરસે નદિયાં પરસે,
સાગરસેં દંપતી દુઃખ દરસે,
સેજ સમરસેં લગત જહરસેં,
દુઃખકારી કહે રાધે પ્યારી,
હું બલિહારી
ગોકુળ આવો ગિરધારી

ઝેરી કાંટો

હું તો ભૂંભલાં વીણવા ગઈ'તી રે, રાજલ મારવાડી ! મને ઝેરી કાંટો વાગ્યો રે, રાજલ મારવાડી !

મારા સસરાને તેડાવો રે, રાજલ મારવાડી ! મારા સસરા વૈદ્ય તેડાવે રે, રાજલ મારવાડી ! નૈ જીવું કેસરિયા લાલ! કાંટો ઝેરી છે.

મારા જેઠને તેડાવો રે, લાગભાગ સોપી દઉં, મારા જેઠ વૈદ્ય તેડાવે રે, રાજલ મારવાડી! નૈ જીવું કેસરિયા લાલ! કાંટો ઝેરી છે.

મારી સાસુને તેડાવો રે, ઘરબાર સોંપી દઉં, મારી સાસુ વૈદ્ય તેડાવે રે, રાજલ મારવાડી! નૈ જીવું કેસરિયા લાલ! કાંટો ઝેરી છે.

મારી શોક્યને તેડાવો રે, પરણ્યો સોંપી દઉં, મારી શોક્ય વૈદ્ય તેડાવે રે, રાજલ મારવાડી! નૈ જીવું કેસરિયા લાલ! કાંટો ઝેરી છે.

ચકી તારા ખેતરમાં

ચકી તારા ખેતરમાં મેં ઝીંઝવો વાવ્યો
ઝીંઝવે ચડીને જોઉં કોઈ માનવી આવે

લીલી ઘોડીનો અસવાર વીર મારો આવે
ઘુઘરીયાળી વેલમાં બેસી નાનીવહુ આવે

ખોળામાં બાવલ બેટડો ધવડાવતી આવે
દૂધે ભરી તળાવડીમાં નવરાવતી આવે

ખોબલે ખારેક ટોપરાં ખવરાવતી આવે
થાળ ભર્યો શગ મોતીએ વધાવતી આવે

ઝીણી ભરડાવું લાપસી માંહી સાકર ભેળું
ખોબલે પીરસું ખાંડ વા'લો વીર જમાડું

ચકી તારા ખેતરમાં મેં ઝીંઝવો વાવ્યો

તારી બાંકી રે પાઘલડી નું ફૂમતુ રે

તારી બાંકી રે પાઘલડી નું ફૂમતુ રે, મને ગમતું રે,
આ તો કહું છું રે પાતળીયા, તને અમથું ! … તારી બાંકી રે…

તારા પગનું પગરખું ચમચમતું રે
અને અંગનું અંગરખુ તમતમતું રે ,
મને ગમતું રે, આતો કહું છું રે પાતળીયા, તને અમથું !… તારી બાંકી રે…

પારકો જાણીને તને ઝાઝું શું બોલવુ ?
ને અણજાણ્યો જાણી તને મન શું ખોલવું ?
તને છેટો ભાળીને મને ગમતું રે !
આ તો કહું છું રે પાતળીયા, તને અમથું !… તારી બાંકી રે…

ધન ધન છે ગોકુળિયું ગામ

ધન ધન છે ગોકુળિયું ગામ
ગામ છે રળિયામણું રે લોલ

પ્રભુજી વનમાં ચારે ધેન
વગાડી રૂડી વાંસળી રે લોલ

રાધાગોરી ભાતડિયાં લઈ જાય
ચલાણે ચોળ્યાં ચૂરમાં રે લોલ

પ્રભુજી કિયાં ઉતારું ભાત
કે કિંયા બેસીને જમશો રે લોલ

રાધાગોરી આસોપાલવને ઝાડ
કે શીતળ છાંયડી રે લોલ

રાધાગોરી તિયાં ઉતારો ભાત
કે તિયાં બેસીને જમશું રે લોલ

રાધાગોરી ઓલા કાંઠે ધેન
કે ધેન પાછી વાળજો રે લોલ

પ્રભુજી તમારી હેવાયેલ ધેન
અમારી વાળી નહીં વળે રે લોલ

પ્રભુજીને ચટકે ચડિયલ રીસ
કે જમતાં ઊઠિયા રે લોલ

પૃષ્ઠો

Subscribe to RSS - લોકગીત