લોકગીત

છેલ હલકે રે ઈંઢોણી

ચાર-પાંચ સાહેલી પાણીડા જાય રે
એમાં વચલી સાહેલડી ટહુકડી
કાં તો એનો પતિ ઘર નહિ
કાં તો એને કઠોર મળી છે સાસુલડી

છેલ હલકે રે ઈંઢોણી માથે હેલ લેવી છે

મારે ભરવાં સરવરિયાના નીર રે
ઓલે ઓલે કાનુડે મુને બાણ માર્યાં છે

છેલ હલકે રે ઈંઢોણી માથે હેલ લેવી છે

સામા ઊભા સસરાજી મારા શું રે જુઓ છો
મારે જોવાં વહુવારું કેરા ગુણ રે ઓલે
ઓલે કાનુડે મુને બાણ માર્યાં છે
ઓલે ઓલે કાનુડે મુને બાણ માર્યાં છે
છેલ હલકે રે ઈંઢોણી માથે હેલ લેવી છે

ગુલાબી કેમ કરી જાશો

આભમાં ઝીણી ઝબૂકે વીજળી
ઝીણા ઝરમર વરસે મેહ
ગુલાબી કેમ કરી જાશો ચાકરી

ભીંજાય હાથી ને ભીંજાય ઘોડલાં રે
ભીંજાય હાથીને બેસતલ સૂબો
ગુલાબી કેમ કરી જાશો ચાકરી

ભીંજાય મેડી ને ભીંજાય માળિયાં રે
ભીંજાય મેડીની બેસતલ રાણી
ગુલાબી કેમ કરી જાશો ચાકરી

તમને વહાલી તમારી ચાકરી
અમને વહાલો તમારો જીવ
ગુલાબી નહિ જવા દઉં ચાકરી

ઝૂલણ મોરલી વાગી રે

ઝૂલણ મોરલી વાગી રે, રાજાના કુંવર,
હાલો ને જોવા જાયેં રે,
મોરલી વાગી રે, રાજાના કુંવર.

ચડવા તે ઘોડો હંસલો રે, રાજાના કુંવર,
પીતળિયા પલાણ રે. – મોરલી…..

બાંયે બાજુબંધ બેરખા રે, રાજાના કુંવર,
દસેય આંગળીએ વેઢ રે. – મોરલી…..

માથે મેવાડાં મોળિયાં રે, રાજાના કુંવર,
કિનખાબી સુરવાળ રે. – મોરલી…..

પગે રાઠોડી મોજડી રે, રાજાના કુંવર,
ચાલે ચટકતી ચાલ્ય રે. – મોરલી….

ઝૂલણ મોરલી વાગી રે, રાજાના કુંવર,
હાલો ને જોવા જાયેં રે,
મોરલી વાગી રે, રાજાના કુંવર.

ઘૂમટો ઓઢીને તમે ક્યાં ગ્યાં'તાં ?

પોળ પછવાડે પરબડી ને
વચ્ચમાં લેંબડાનું ઝાડ
ઓ રાજવણ ઘૂમટો ઓઢીને તમે ક્યાં ગ્યાં'તાં ?

વગડા વચ્ચે વેલડી ને
વચ્ચમાં સરવર ઘાટ
ઓ રાજવણ ઘૂમટો ઓઢીને તમે ક્યાં ગ્યાં'તાં ?

ગામને પાદર ડોલી ડોલી
ઢોલ વગાડે ઢગલો ઢોલી
કાજળ આંજી આંખલડી ને
લહેરણિયું છે લાલ
ઓ રાજવણ ઘૂમટો ઓઢીને તમે ક્યાં ગ્યાં'તાં ?

નાકે નથડી ચરણે ઝાંઝર
હૈયે હેમનો હાર
હાલો ત્યારે ધરણી ધમકે
આંખે રૂપનો ભાર
પગ પરમાણે મોજલડી
જાણે હંસી ચાલે ચાલ
ઓ રાજવણ ઘૂમટો ઓઢીને તમે ક્યાં ગ્યાં'તાં ?

તમે મારાં દેવનાં દીધેલ છો

તમે મારાં દેવનાં દીધેલ છો, તમે મારાં માગી લીધેલ છો
આવ્યાં ત્યારે અમર થઈને રો’

મા’દેવ જાઉં ઉતાવળી ને જઈ ચડાવું ફૂલ
મા’દેવજી પરસન થિયા ત્યારે આવ્યાં તમે અણમૂલ

તમે મારું નગદ નાણું છો, તમે મારું ફૂલ વસાણું છો
આવ્યાં ત્યારે અમર થઇને રો’

મા’દેવ જાઉં ઉતાવળી ને જઈ ચડાવું હાર
પારવતી પરસન થિયાં ત્યારે આવ્યા હૈયાના હાર

તમે મારાં દેવનાં દીધેલ છો, તમે મારાં માગી લીધેલ છો
આવ્યાં ત્યારે અમર થઈને રો’

હડમાન જાઉં ઉતાવળી ને જઈ ચડાવું તેલ
હડમાનજી પરસન થિયા ત્યારે ઘોડિયાં બાંધ્યાં ઘેર

દુધે તે ભરી તલાવડી

હે ઘમર ઘમર મારો ગરબો રે માથે ને લટક મટક ચાલે ઢલકત ઢોલ,
હે લરફર લરફર સૈયર સંગે રૂમક ઝુમક જાયે રૂપરંગ રે…
હે કેડમાં કંદોરો, ને કોટમાં છે દોરો, સાંકરિયો સાદ, કંઠે કોયલીનો શોર,
હે મધુભર રસભર નૈન નચાવે નાજુક નમણી નાગરવેલ…

હે દુધે તે ભરી તલાવડી ને મોતીડે બાંધી પાળ રે,
જીલણ જીલવા ગ્યા’તા, ગરબે ઘૂમવા ગ્યા’તા…
હે વાટકી જેવડી વાવલડી ને મંઈ ખોબલો પાણી માંઈ રે,
જીલણ જીલવા ગ્યા’તા, ગરબે ઘૂમવા ગ્યા’તા…

છલકાતું આવે બેડલું

છલકાતું આવે બેડલું !
મલકાતી આવે નાર રે
મારી સાહેલીનું બેડલું –
છલકાતું આવે બેડલું !

મારા ગામના સુતારી રે
વીરા તમને વીનવું,
મારી માંડવડી ઘડી લાવો રે
મારી સાહેલીનું બેડલું -
છલકાતું આવે બેડલું !

મારા ગામના લુહારી રે
વીરા તમને વીનવું,
મારી માંડવડી મઢી લાવો રે
મારી સાહેલીનું બેડલું -
છલકાતું આવે બેડલું !

મારા ગામના રંગારી રે
વીરા તમને વીનવું,
મારી માંડવડી રંગી લાવો રે
મારી સાહેલીનું બેડલું -
છલકાતું આવે બેડલું !

દાડમડીના ફૂલ રાતાં

દાડમડીના ફૂલ રાતાં ઝૂલણ લ્યો વણઝારી
ફૂલ રાતાં ને ફળ એનાં લીલાં ઝૂલણ લ્યો વણઝારી

હું તો વાણીડાને હાટે હાલી
ચૂંદડી મુલવવા હાલી
ઊભલા ઊભલા જોયું ઝૂલણ લ્યો
હેઠે બેસીને મૂલ કર્યા ઝૂલણ લ્યો
બેઠી એવી હું ઉઠી ઝૂલણ લ્યો વણઝારી…

હું તો સોનીડાને હાટે હાલી
ઝુમણા મુલવવા હાલી
ઊભલા ઊભલા જોયું ઝૂલણ લ્યો
હેઠે બેસીને મૂલ કર્યા ઝૂલણ લ્યો
બેઠી એવી હું ઉઠી ઝૂલણ લ્યો વણઝારી…

હું તો મણિયારાને હાટે હાલી
ચૂંડલા મુલવવા હાલી
ઊભલા ઊભલા જોયું ઝૂલણ લ્યો
હેઠે બેસીને મૂલ કર્યા ઝૂલણ લ્યો
બેઠી એવી હું ઉઠી ઝૂલણ લ્યો વણઝારી…

ચૂંદડીએ રંગ લાગ્યો

રંગ લાગ્યો ચૂંદડીએ રંગ લાગ્યો,
હોવે હોવે ચૂંદડીએ રંગ લાગ્યો,

મારી ચૂંદડીના ચટકા ચાર
ચૂંદડીએ રંગ લાગ્યો.

મારા પ્રભુજી આવ્યા પરોણલા
એમને શાં શાં બેસણાં દઈશ…. ચૂંદડીએ…

છે ચૂંદડી લાલ ગુલાલ,
એમને સાંગાં માંચી હીરે ભરી…. ચૂંદડીએ….

મારા પ્રભુજી આવ્યા પરોણલા,
એમને શાં શાં દાતણ દઈશ,
એમને દાતણ દાડમી દઈશ…. ચૂંદડીએ…

મારા પ્રભુજી આવ્યા પરોણલા,
એમને શાં શાં ઝીલણ દઈશ…. ચૂંદડીએ…
એમને તાંબાની કુંડીએ જળે ભરી,
એમને હિરકોરી ધોતિયાં દઈશ…. ચૂંદડીએ….

નણદલ માગે લહેરિયું

મારા લહેરિયામાં લાગી લૂંટાલૂંટ હો,
નણદલ માગે લહેરિયું રે બાઈ !

મારા દાદાનું દીધેલું લહેરિયું રે બાઈ !
મારી માતાની બાંધેલ લાંક હો,
નણદલ માગે લહેરિયું રે બાઈ !

ચારે ખૂણે ચાર ડાબલાં રે બાઈ !
નણદી ! સારેરાં જોઈ જોઈ લિયો હો.
નણદલ માગે લહેરિયું રે બાઈ !

શું રે કરું તારા ડાબલાં રે બાઈ !
મને લહેરિયાની ઘણી ઘણી હામ હો,
નણદલ માગે લહેરિયું રે બાઈ !

ચારે ખૂણે ચાર બેડલાં રે બાઈ !
નણદી ! સારેરાં જોઈ જોઈ લિયો હો,
નણદલ માગે લહેરિયું રે બાઈ !

પૃષ્ઠો

Subscribe to RSS - લોકગીત