લોકગીત

જોડે રહેજો રાજ

જોડે રહેજો રાજ

તમે કિયા તે ભાઈની ગોરી, કોની વહુ
જોડે રહેજો રાજ

જોડે કેમ રહું રાજ

મને શરમના શેરડાં ફૂટે ને
જોને દિવો બળે હો રાજ

જોડે નહિ રહું રાજ

શિયાળાની ટાઢ પડે ને
જોડે કેમ રહું રાજ

જોડે રહેજો રાજ

ફૂલની પછેડી સાથે રે હો લાડવઈ
જોડે રહેજો રાજ

જોડે કેમ રહું રાજ

મને શરમના શેરડાં ફૂટે ને
જોને દિવો બળે હો રાજ

જોડે નહિ રહું રાજ

ટીપણી ગીત

ઘેરું ઘેરું નગારું બોલે છે
મારું ટીપણીના તાલે તન ડોલે છે

ઝીણું ઝીણું ઝાંઝરિયું બોલે છે
મારા નેણલા જોબનિયું ઢોળે છે

ઘેરું ઘેરું નગારું બોલે છે
મારું ટીપણીના તાલે તન ડોલે છે

હું ધાબા દઉં ને મારી ચુંદડી લહેરાય
મારું છુંદણે છુંદેલ ગોરું રૂપ પરખાય

મારું હૈડું ચડ્યું ચકડોળે છે
ચંપો અંબોડે મારે ડોલે છે

મેઠી મેઠી શરણાઈયું બોલે છે
મારું ટીપણીના તાલે તન ડોલે છે

ઘેરું ઘેરું નગારું બોલે છે
મારું ટીપણીના તાલે તન ડોલે છે

મારે રાજાને રાણી પરણાવવી છે
એ રાજની મોલાત મારે ચણવી છે

ગોરમા રે ગોરમા રે

ગોરમા રે ગોરમા રે સસરો દેજો સવાદિયા,
તમે મારી ગોરમા છો!

ગોરમા રે ગોરમા રે સાસુદેજો ભુખાવળા,
તમે મારી ગોરમા છો!

ગોરમા રે ગોરમા રે કંથ દેજો કહ્યાગરો
તમે મારી ગોરમા છો!

ગોરમા રે ગોરમા રે નણંદ દેજો સાહેલડી
તમે મારી ગોરમા છો!

ગોરમા રે ગોરમા રે દેરાણી જેઠાણી ના જોડલાં
તમે મારી ગોરમા છો!

ગોરમા રે ગોરમા રે દેર ને જેઠ બે ઘોડલે
તમે મારી ગોરમા છો!

ગોરમા રે ગોરમા રે ભગરી ભેંસના દૂઝણાં
તમે મારી ગોરમા છો!

ગોરમા રે ગોરમા રે કાઠા તે ઘઉંની રોટલી
તમે મારી ગોરમા છો!

તેજમલ ઠાકોર

ઉગમણી ધરતીના દાદા કોરા કાગળ આવ્યાં રે
ઈ રે કાગળ દાદે ડેલીએ વંચાવ્યાં રે

કાકો વાંચે ને દાદો રહ રહ રુવે રે
ઉપરવાડેથી તેજમલ ડોકાણાં રે

શીદને રુવો છો દાદા શું છે અમને કહો ને રે
દળકટક આવ્યું છે દીકરી વહારે કોણ ચડશે રે

સાત સાત દીકરીએ દાદો વાંઝિયો કહેવાણો રે
હૈયે હિમ્મત રાખો દાદા અમે વહારે ચડશું રે

માથાનો અંબોડો તેજમલ અછતો કેમ રહેશે રે
માથાનો અંબોડો દાદા મોળીડામાં રહેશે રે

કાનનાં અકોટા તેજમલ અછતાં કેમ રહેશે રે
કાનનાં અકોટા દાદા બોકાનામાં રહેશે

ચાંદો ઊગ્યો ચોકમાં ઘાયલ

ચાંદો ઊગ્યો ચોકમાં ઘાયલ, ચાંદો ઊગ્યો ચોકમાં
હે લહેરીડા, હરણુ આથમી રે હાલાર શે‘રમાં અરજણિયા.

ઝાંપે તારી ઝૂંપડી ઘાયલ, ઝાંપે તારી ઝૂંપડી
ઝાંપે તારી ઝૂંપડી ઘાયલ, ઝાંપે તારી ઝૂંપડી
હે લહેરીડા, આવતા જાતાનો નેડો લાગ્યો રે અરજણિયા
ચાંદો ઊગ્યો ચોકમાં ઘાયલ, ચાંદો ઊગ્યો ચોકમાં...

ગાયું તારી ગોંદરે ઘાયલ, ગાયું તારી ગોંદરે
ગાયું તારી ગોંદરે ઘાયલ, ગાયું તારી ગોંદરે
હે લહેરીડા, વાછરું વઢિયારમાં ઝોલાં ખાય રે અરજણિયા
ચાંદો ઊગ્યો ચોકમાં ઘાયલ, ચાંદો ઊગ્યો ચોકમાં...

ડોલરિયો દરિયા પાર

દળ હાલ્યાં ને વાદળ ઊમટ્યાં, મધ દરિયે ડૂલેરાં વ્હાણ : મોરલી વાગે છે.

એક હાલાર શહેરના હાથીડા, કાંઇ આવ્યા અમારે દેશ: મોરલી વાગે છે. છેલછોગાળો હોય તો મૂલવે, ડોલરિયો દરિયા પાર : મોરલી વાગે છે.

એક ઘોઘા તે શહેરના ઘોડલા, કાંઇ આવ્યા અમારે દેશ: મોરલી વાગે છે. છેલછોગાળો હોય તો મૂલવે, ડોલરિયો દરિયા પાર : મોરલી વાગે છે.

એક વાળાક શહેર વેલડી; કાંઇ આવી અમારે દેશ : મોરલી વાગે છે. છેલછોગાળો હોય તો મૂલવે, ડોલરિયો દરિયા પાર : મોરલી વાગે છે.

એક ચીતળ શહેરની ચુંદડી, કાંઇ આવી અમારે દેશ : મોરલી વાગે છે. છેલછોગાળો હોય તો મૂલવે, ડોલરિયો દરિયા પાર : મોરલી વાગે છે.

ગોરમાનો વર કેસરિયો

ગોરમાનો વર કેસરિયો, ગોરમાનો વર કેસરિયો,
ગોરમા બારી ઉઘાડો રે, ગોરમાનો વર કેસરિયો.

આવી પેલી પંથ પૂજારણ, ગોરમાનો વર કેસરિયો,
કંઈ બેન ભોળા ને વાંકા અંબોડા,ગોરમાનો વર કેસરિયો.

વાંકા અંબોડા ને ઘૂઘરિયા ચૂડા, ગોરમાનો વર કેસરિયો,
ઘૂઘરિયા ચૂડ સિંદૂરના સેંથા, ગોરમાનો વર કેસરિયો.

ગોરમાનો વર કેસરિયો તે નદીએ નાહવા જાય રે ગોરમા,
પગમાં પહેરી પાવડી ને પટપટ કરતો જાય રે ગોરમા.

માથે તો મુગટ મોડિયું ને છમછમ ફરતો જાય રે ગોરમા,
હાથે પટોળી લાકડી રે તે, ઠમઠમ કરતો જાય રે ગોરમા.

ઘંમ રે ઘંટી ઘંમ ઘંમ થાય

ઘંમ રે ઘંટી ઘંમ ઘંમ થાય
ઝીણું દળું તો ઊડી ઊડી જાય
જાડું દળું તો કોઈ નવ ખાય

મારા તે ઘરમાં સસરોજી એવા
હાલતાં જાય ચાલતાં જાય

લાપસીનો કોળિયો ભરતાં જાય

મારા તે ઘરમાં નણંદબા એવા
નાચતાં જાય કૂદતાં જાય

રાંધી રસોઈ ચાખતાં જાય

મારા તે ઘરમાં દિયરજી એવા
રમતાં જાય કૂદતાં જાય

મારું ઉપરાણું લેતાં જાય

મારા તે ઘરમાં સાસુજી એવાં
વાળતાં જાય બેસતાં જાય

ઊઠતાં બેસતાં ભાંડતાં જાય

મારા તે ઘરમાં પરણ્યાજી એવા
હરતાં જાય ફરતાં જાય

દાદા હો દીકરી, દાદા હો દીકરી

દાદા હો દીકરી, દાદા હો દીકરી, વાગડમાં મ દેજો રે સૈ
વાગડની વઢીયારણ સાસુ દોહ્યલી રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી

દીએ દળાવે મુને, દીએ દળાવે મુને, રાતલડીએ કંતાવે રે સૈ
પાછલે તે પરોઢીએ પાણી મોકલે રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી

ઓશીકે ઈંઢોણી વહુ, ઓશીકે ઈંઢોણી વહુ, પાંગતે સીંચણિયું રે સૈ
સામી તે ઓરડીએ, વહુ તારું બેડલું રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી

ચેલૈયાનું હાલરડું

ભાગું તો મારી ભોમકા લાજે, ભોરિંગ જીલે ન ભાર (૨)
મેરુ સરીખા ડોલવા લાગે, આકાશનો આધાર
મેરામણ માઝા ન મુકે, ચેલૈયો સતના ચુકે

મોરધ્વજ રાજાએ અંગ વેરાવ્યા દીધા કર્ણે દાન (૨)
હે... શિબી રાજાએ જાંઘને કાપી ત્યારે મળ્યા ભગવાન -મેરામણo

શિર મળે પણ સમય મળે નહિ ને સાધુ છે મેમાન (૨)
હે... અવસર આવ્યે પાછા ન પડીએ કાયા થાય કુરબાન -મેરામણo

પૃષ્ઠો

Subscribe to RSS - લોકગીત