લોકગીત

કાનુડે કવરાવ્યા

કાનુડે કવરાવ્યાં ગોકુળિયામાં
કાનુડે કવરાવ્યાં...

સૂતેલા બાળ મારે વ્હાલે જગાડ્યા
રમતાંને રોવડાવ્યા રે ગોકુળિયામાં
કાનુડે કવરાવ્યાં...

ધીમેથી વાછરું વ્હાલાજીએ છોડ્યાં
વણદોહ્યાં ને ધવરાવ્યાં રે ગોકુળિયામાં
કાનુડે કવરાવ્યાં...

શીકેથી માટ મારે વ્હાલે ઉતાર્યા
ઝાઝા ઢોળ્યાં ને પીધાં થોડા ગોકુળિયામાં
કાનુડે કવરાવ્યાં...

પુરુષોત્તમ વ્હાલા પ્રાણ અમારા
તમે જીત્યા ને અમે હાર્યા રે ગોકુળિયામાં
કાનુડે કવરાવ્યાં...

અલબેલો નહિ જાય ચાકરી રે લોલ

આવી રૂડી અજવાળી રાત
અસૂરા કાગળ આવિયા રે લોલ

બાળ્યું બાળ્યું સવામણ તેલ
સવારે કાગળ બોલિયા રે લોલ

અધમણ રૂની બાળી દિવેટ
સવારે કાગળ ઉકેલિયા રે લોલ

કોરે મોરે લખી છે સલામું
વચમાં તે વેરણ ચાકરી રે લોલ

ઈ ચાકરીએ સસરાજીને મેલો
અલબેલો નહિ જાય ચાકરી રે લોલ

સસરાજીને ચોરાની ચોવટું
મેલીને નહિ જાય ચાકરી રે લોલ

ઈ ચાકરીએ જેઠજીને મેલો
અલબેલો નહિ જાય ચાકરી રે લોલ

જેઠજીને ગામના ગરાસ
મેલીને નહિ જાય ચાકરી રે લોલ

ઈ ચાકરીએ દેરજીને મેલો
અલબેલો નહિ જાય ચાકરી રે લોલ

આદિયાશક્તિ (સ્તવન)

આદિયાશક્તિ કમલથી ઉપની,
કેતરાં જોગણી રૂપ કીધાં !

જળા બોળ માંહેથી, અલખને જગાડીઆ,
બાર બ્રહ્મ ઈશને સાથે લીધાં.

તયોણરા પાન પર, ચાર દેવ પ્રગટિયા,
ધરાતલ આભ તે દન ધરિયે,

પરમાણે આભને, રચાવી પ્રથમી,
કનકરો થંભ તે મેરૂ કીધો.

ઊંચા નીચા રે

ઊંચા નીચા રે માડી તારા ડુંગરા રે લોલ,
કે ડુંગર ઉપર ટહુકે ઝીણા મોર;
કે ગરબે રમવા આવજો રે લોલ. ઊંચા નીચા રે૦

પહેલો પત્ર રે પાવાગઢ મોકલ્યો રે લોલ,
કે દેજો મારી કાળકા માને હાથ;
કે ગરબે રમવા આવજો રે લોલ. ઊંચા નીચા રે૦

બીજો પત્ર રે આબુગઢ મોકલ્યો રે લોલ,
કે દેજો મારી અંબા માને હાથ;
કે ગરબે રમવા આવજો રે લોલ. ઊંચા નીચા રે૦

ત્રીજો પત્ર રે શંખલપુર મોકલ્યો રે લોલ,
કે દેજો મારી બહુચર માને હાથ;
કે ગરબે રમવા આવજો રે લોલ. ઊંચા નીચા રે૦

કાનુડાના બાગમાં

એ…કાનુડાના બાગમાં (૨)
ચંપો ને ચંપે આવ્યાં છે ફૂલ.

ફૂલ કેરે સાહેલડી તે સાયબો મારો માને નહીં કેમ.
કેમ બોલે રે તારા દિલડાં ઉદાસીમાં છે….
એ…વાલા મને ઉતારામાં ઓરડા ને કાંઈ મેડીના મોલ
મોલ કેરે સાહેલડી તે સાયબો
મારો માને નહીં કેમ…કેમ.

એ…સાજનને ભોજન લાપશીને કં કઢિયેલ દૂધ,
દૂધ કેરે સાહેલડી તે સાયબો મારો માને નહીં કેમ…કેમ.
એ…પ્રીતમને પોઢણ ઢોલીયાને કાંઈ હિંડોળા ખાટ,
ખાટ કેરે સાહેલડી તે સાયબો મારો માને નહીં કેમ…કેમ.

એ…કાનુડાના બાગમાં (૨)
ચંપો ને ચંપે આવ્યાં છે ફૂલ.

ઓધાજી મારા વા’લાને વઢીને કે’જો જી

ઓધાજી મારા વા’લાને વઢીને કે’જો જી,
હે મનાવી લેજો રે..
હે ઓધાજી મારા વા’લાને વઢીને કે’જો જી,
માને તો મનાવી લેજો રે..

મથુરાના રાજા થ્યા છો,
ગોવાળોને ભૂલી ગ્યા છો,
માનીતી ને ભૂલી ગ્યા છો રે..
હે ઓધાજી.. માને તો મનાવી લેજો રે..

એકવાર ગોકૂળ આવો,
માતાજી ને મ્હોંઢે થાવો,
ગાયો ને હંભારી જાઓ રે..
હે ઓધાજી.. માને તો મનાવી લેજો રે..

વા’લાની મરજીમાં રહેશું,
જે કહેશે તે લાવી દેશું,
કુબજા ને પટરાણી કેશું રે..
હે ઓધાજી.. માને તો મનાવી લેજો રે..

કોઈ ગોતી દેજો રે

કોઈ ગોતી દેજો રે, કોઈ ગોતી દેજો રે;
મ્હારા કા’ન કુંવરિયાની ઝૂલડી,
મ્હારા શ્યામ સુંદરિયાની ઝૂલડી.
સાવ રે સોના કેરી ઝૂલડી, માંહી રૂપા કેરા ધાગા;
અવર લોકને ઓપે નહિ, મ્હારા કા’નકુંવરજીના વાધા રે !
— મ્હારા.
શેરીએ શેરીએ સાદ પડાવું ને ધર ધર હાલુ છું જોતી;
એ રે ઝૂલડીમા કાંઈ નથી બીજું, એને છેડે કળાયલ મોતી રે !;
— મ્હારા.
માતા જ્શોદાજી મહી વલોવે ને કા’નો વળગ્યો કોટે,
એ રે ઝૂલડીને કારણિયે, મ્હારો લાડકવાયો લોટે રે,
— મ્હારા.

આજ રે સપનામાં મેં તો ડોલતો ડુંગર

આજ રે સપનામાં મેં તો ડોલતો ડુંગર દીઠો જો
ખળખળતી નદિયું રે, સાહેલી, મારા સપનામાં રે

આજ રે સપનામાં મે તો ઘમ્મર વલોણું દીઠું જો
દહીં - દૂધના વાટકા રે, સાહેલી, મારા સપનામાં રે

આજ રે સપનામાં મેં તો લવિંગ લાકડી દીઠી જો
ઢીંગલાં ને પોતિયાં રે, સાહેલી, મારા સપનામાં રે

આજ રે સપનામાં મેં તો જટાળો જોગી દીઠો જો
સોનાની થાળી રે, સાહેલી, મારા સપનામાં રે

આજ રે સપનામાં મે તો પારસપીપળો દીઠો જો
તુળસીનો ક્યારો રે, સાહેલી, મારા સપનામાં રે

આજ રે સપનામાં મે તો ગુલાબી ગોટો દીઠો જો
ફૂલડિયાંની ફોરમ રે, સાહેલી, મારા સપનામાં રે

આવકારો મીઠો આપજે રે

એજી તારા આંગણીયા પૂછીને જે કોઈ આવે રે.
આવકારો મીઠો આપજે રે.
એજી તારે કાને રે સંકટ કોઈ સંભળાવે રે,
બને તો થોડું કાપજે રે...

માનવીની પાસે કોઈ માનવી ન આવે રે.
એજી તારા દિવસની પાસે રે દુખિયા આવે રે.
આવકારો મીઠો...

“કેમ તમે આવ્યા છો ?” એમ નવ કહેજે રે.
એજી એને માથું રે હલાવી હોંકારો તું દેજે રે.
આવકારો મીઠો...

‘કાગ’ એને પાણી પાજે, સાથે બેસી ખાજે રે,
એજી એને ઝાંપા રે સુધી તું મેલવા જાજે રે.
આવકારો મીઠો...

આવડા મંદિરમાં હું તો એકલી

આવડા મંદિરમાં હું તો એકલી રે લોલ
આવડા મંદિરમાં હું તો એકલી રે લોલ

કેમ કરી મારા દઃખના દા'ડા જાય જો આ
પરણ્યો હાલ્યાં છે વેરણ ચાકરી રે લોલ

કેમ કરી મારા દઃખના દા'ડા જાય જો આ
પરણ્યો હાલ્યાં છે વેરણ ચાકરી રે લોલ

તમારે પરમાર સૈંયર સામટી રે લોલ
રે'જો તમો રાજું કેરી રીત જો
પંડડા રે'શે તો પાછા પૂગશું રે લોલ

અમારા રે પંડડા રહેશે તો પાછા પૂગશું રે લોલ

આવડા મંદિરમાં હું તો એકલી રે લોલ

ઘરમાં સાસુ ને નણંદ દોહ્યલાં રે લોલ
મહિયરની લાંબડી છે વાટ જો આ
પરણ્યો હાલ્યાં છે વેરણ ચાકરી રે લોલ

પૃષ્ઠો

Subscribe to RSS - લોકગીત