લોકગીત

આવ્યો મેહુલો રે!

ઓતર ગાજ્યા ને દખ્ખણ વરસિયા રે!
મેહુલે માંડ્યા મંડાણ
આવ્યો ધરતીનો ધણી મેહુલો રે!

નદી – સરોવર છલી વળ્યાં રે
માછલી કરે હિલોળ, આવ્યો…

ખાડા ખાબોચીયાં છલી વળ્યાં રે
ડેડકડી દિયે આશિષ, આવ્યો…

ધોરીએ લીધાં ધુરી-ધોંસરા રે
ખેડુએ લીધી બેવડી રાશ, આવ્યો…

ગાયે લીધાં ગાનાં વાછરું રે
અસતરીએ લીધાં નાના બાળ, આવ્યો…

અખંડ હજો સૌભાગ્ય

હવે આવોને માયરામાં દીકરી અવસર દોહ્યલા,
જીવનસાથી જુઓ તમારા દીસે કેવા ફૂટડા !

મંગલ ફેરા ફરો તમે બેટી ઘડી ધન્ય આ,
સદા સુખે પતિ સંગે રહો બની પ્રેમદા.

મામા હેતે પધરાવે આજ ભાણી એની લાડલી,
હરખ હૈયે તોય આંખે આંસુ ભરે માવડી !

દીકરી વ્હાલાં દાદાનાં ઘર પરાયાં પછી લાગશે !
યાદે તમારી તોયે માત ઝબકી રાત જાગશે !

બંધુ બિચારો બની જો મૂંઝાતો મન એકલડો,
નાની બેની ના સમજે અવસર આ આનંદનો !

અંતર આર્દ્ર પિતાનું છે ઘેલી ઘેલી માવડી,
દોરી દેવી વિદેશે આજ વ્હાલી એની ગાવડી !

કચ્છમાં અંજાર રૂડાં શહેર

કચ્છમાં અંજાર રૂડાં શહેર છે હોજી રે ..
ઇયાં જેસલના હોય રંગમોલ રાજ...
હો રાજ, હળવે હાંકો ને તમે ઘોડલાં હો જી રે...

સમરથ સાસુડી જોવે વાટડી હો જી રે,
ઇયાં દેરીડાંના હોય ઝાઝા હેત રાજ,
હો રાજ, હળવે હાંકો ને તમે ઘોડલાં હો જી રે...

સરખી સૈયર લેશું સાથમાં હોજી રે..
રમશું રઢિયાળી આખી રાત રાજ...
હો રાજ, હળવે હાંકો રે તમે ઘોડલાં હો જી રે...

પરદેશી ખારવાની પ્રીતડી હોજી રે...
પળમાં જો જો ના તૂટી જાય રાજ,
હો રાજ, હળવે હાંકો રે તમે ઘોડલાં હો જી રે...

ખમ્મા મારા નંદજીના લાલ!

ખમ્મા મારા નંદજીના લાલ!
મોરલી ક્યાં રે વગાડી?

હું તો સુતી’તી મારા શયન ભવનમાં,
સાંભળ્યો મેં મોરલીનો સાદ,
મોરલી ક્યાં રે વગાડી?—ખમ્મા...

ભર રે નીંદરમાંથી ઝબકીને જાગી,
ભૂલી ગઇ હું તો સાન ભાન,
મોરલી ક્યાં રે વગાડી?—ખમ્મા...

પાણીડાંની મશે જીવણ જોવાને હાલી,
દીઠા મેં નન્દજીના લાલ,
મોરલી ક્યાં રે વગાડી !—ખમ્મા...

દોણું લઇને ગૌ દોહવાને બેઠી,
નેતરાં લીધા હાથ,
મોરલી ક્યાં રે વગાડી?—ખમ્મા...

વાછરું વરાહે મેં તો છોકરાંને બાંધ્યાં,
નેતરાં લઇને હાથ
મોરલી ક્યાં રે વગાડી?—ખમ્મા...

આજ રે સ્વપનામાં મેં તો

આજ રે સ્વપનામાં મેં તો ડોલતો ડુંગર દીઠો જો,
ખળખળતી નદિયું રે, સાહેલી, મારા સ્વપનામાં રે.

આજ રે સ્વપનામાં મે તો ઘમ્મર વલોણું દીઠું જો,
દહીં - દૂધના વાટકા રે, સાહેલી, મારા સ્વપનામાં રે.

આજ રે સ્વપનામાં મેં તો લવિંગ લાકડી દીઠી જો,
ઢીંગલાં ને પોતિયાં રે, સાહેલી, મારા સ્વપનામાં રે.

આજ રે સ્વપનામાં મેં તો જટાળો જોગી દીઠો જો,
સોનાની થાળી રે, સાહેલી, મારા સ્વપનામાં રે.

આજ રે સ્વપનામાં મે તો પારસપીપળો દીઠો જો,
તુળસીનો ક્યારો રે, સાહેલી, મારા સ્વપનામાં રે.

પૃષ્ઠો

Subscribe to RSS - લોકગીત