શૌર્ય ગીત

ખમા ! ખમા ! લખ વાર

બીજાંને બકરાં કરી, આપ બને ગોવાળ,
બીજાં સબ કંગાલ ને પોતે પાલનહાર :
લ્યાનત હજો હજાર એહવા આગેવાનને :
બીજાંને બથમાં લઇ થાપા થાબડનાર,

પોતાંના વડિયાં કરે કદમે રમતાં બાળ :
ખમા ! ખમા ! લખ વાર એહવા આગેવાનને.
સિંહણ-બાળ ભૂલી ગયાં ખુદ જનનીની કૂખ,
આતમ-ભાનની આરસી ધરી એની સનમુખ :

મુગતિ કેરી ભૂખ જગવણહાર ઘણું જીવો !
પા પા પગ જે માંડતા, તેને પ્હાડ ચડાવ
તસુ તસુ શીખવનારના ઝાઝેરા જશ ગાવ,
રાતા રંગ ચડાવ એહવા આગેવાનને !

પગલે પગલે પારખાં, દમ દમ અણઈતબાર,
શાપો ગાળો અપજશો : ભરિયા પોંખણ-થાળ;
કૂડાં કાળાં આળ ખમનારા ! ઘણી ખમા.

કોઈનો લાડકવાયો

રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે
કેસરવરણી સમરસેવિકા કોમલ સેજ બિછાવે

ઘાયલ મરતાં મરતાં રે
માતની આઝાદી ગાવે

કોની વનિતા કોની માતા ભગિની ટોળે વળતી
શોણિતભીના પતિ-સુત-વીરની રણશૈયા પર લળતી

મુખથી ખમ્મા ખમ્મા કરતી
માથે કર મીઠો ધરતી

થોકે થોકે લોક ઊમટતા રણજોધ્ધા જોવાને
શાબાશીના શબ્દ બોલતા પ્રત્યેકની પિછાને

નિજ ગૌરવ કેરે ગાને
જખમી જન જાગે અભિમાને

સહુ સૈનિકનાં વહાલાં જનનો મળિયો જ્યાં સુખમેળો
છેવાડો ને એકલવાયો અબોલ એક સૂતેલો

અણપૂછયો અણપ્રીછેલો
કોઈનો અજાણ લાડીલો

Subscribe to RSS - શૌર્ય ગીત