હાલરડું

શિવાજીનું હાલરડું

આભમાં ઉગેલ ચાંદલો ને જીજીબાઈને આવ્યા બાળ
બાળુડા ને માત હિંચોળે
ઘણણણ ડુંગરા બોલે !
શિવાજીને નીંદરૂ ના’વે,
માતા જીજીબાઈ ઝૂલાવે.

પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ લખમણની વાત
માતાજીને મુખ જે દી થી,
ઊડી એની ઉંઘ તે દી થી…. શિવાજીને ….

પોઢજો રે મારા બાળ ! પોઢી લેજો પેટ ભરીને આજ
કાલે કાળા જુધ્ધ ખેલાશે
સુવાટાણું ક્યાંય ન રે’શે…. શિવાજીને ….

ધાવજો રે, મારા પેટ ! ધાવી લેજો ખૂબ ધ્રપીને આજ
રેશે નહીં રણ ઘેલુડા
ખાવા મુઠ્ઠી ધાનની વેળા …. શિવાજીને ….

ભઈલો મારો ડાહ્યો, પાટલે બેસી નાહ્યો

હાલાં રે વાલા મારા ભઈલાને, હાં...હાં...હાં...હાં

ભઈલો મારો ડાહ્યો, પાટલે બેસી નાહ્યો
પાટલો ગયો ખસી, ભઈલો પડ્યો હસી
હાલાં રે વાલા મારા ભઈલાને, હાં...હાં...હાં...હાં

ભાઈ મારો છે સાગનો સોટો
આવતી વહુનો ચોટલો મોટો
ભાઈ મારો છે વણઝારો
એને શેર સોનું લઈ શણગારો
હાલાં રે વાલા મારા ભઈલાને, હાં...હાં...હાં...હાં

હાલાં રે વાલા મારી બેનડીને, હાં...હાં...હાં...હાં

બેની મારી છે ડાહી, પાટલે બેસીને નાહી
પાટલો ગયો ખસી, બેની પડી હસી
હાલાં રે વાલા મારી બેનડીને, હાં...હાં...હાં...હાં

Subscribe to RSS - હાલરડું