ભજન

વૈષ્ણવ જન તો તેને રે કહીયે

વૈષ્ણવ જન તો તેને રે કહીયે, જે પીડ પરાઈ જાણે રે.
પરદુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે… વૈષ્ણવ જન

સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કે’ની રે.
વાચ કાછ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે… વૈષ્ણવ જન

સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે.
જિહ્વા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રે… વૈષ્ણવ જન

મોહ માયા વ્યાપે નહિ જેને, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે.
રામ નામ શું તાળી રે વાગી, સકળ તિરથ તેના તનમાં રે… વૈષ્ણવ જન

વણલોભી ને કપટરહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે.
ભણે નરસૈયો તેનું દર્શન કરતા, કુળ ઈકોતેર તાર્યા રે… વૈષ્ણવ જન

ઝીલવો જ હોય તો રસ ઝીલી લેજો પાનબાઈ

ઝીલવો જ હોય તો રસ ઝીલી લેજો પાનબાઈ,
પછી પસ્તાવો થાશે રે;
અગમ અગોચર રસનું નામ છે,
એ તો પુરણ અધિકારીને ઠેરાશે ... ઝીલવો જ હોય

માન રે મેલ્યા પછી રસ તમને મળશે પાનબાઈ!
જુઓને વિચારી તમે મનમાં રે,
દૃશ્ય પદારથ નથી રે'વાના પાનબાઈ,
સુણો ચિત્ત દઈને વચનમાં રે... ઝીલવો જ હોય.

આ તો ગુંજાનો લાડવો પાનબાઈ,
અહંભાવ ગયા વિના ન ખવાય રે.
કોટિ જનમની મટાડો ઝંખના ત્યારે,
જાતિ રે પણું વયું જાય ... ઝીલવો જ હોય.

મન વૃત્તિ જેની સદાય નિર્મળ

મન વૃત્તિ જેની સદાય નિર્મળ
પડે નહીં ભવસાગર માંહ્ય રે,
સદગુરૂના ચરણમાં ચિત્ત મળી ગયું
લાગે નહીં માયા કેરી છાંય રે ....

પિતૃ ગ્રહ દેવતા કોઈ નડે નહીં
જેનું બંધાણું વચનમાં ચિત્ત રે
આવરણ એને એકે નહીં આવે
વિપરિત નથી જેનું મન રે .... મન વૃતિ જેની

અંતરની આપદા સર્વે મટી ગઈ
જેને સદગુરુ થયા મહેરબાન રે
મન કર્મ થકી જેણે વચન પાળ્યું
મેલી દીધું અંતર કેરું માન .... મન વૃતિ જેની

હાનિ ને લાભ એકે નહીં જેને ઉરમાં
જેને માથે સદગુરુનો હાથ રે,
ગંગાસતી એમ બોલિયા, પાનબાઈ
ટળી ગયા ત્રિવિધનાં તાપ રે .... મન વૃત્તિ જેની

ભક્તિ રે કરવી એણે રાંક થઈને રહેવું પાનબાઈ

ભક્તિ રે કરવી એણે રાંક થઈને રહેવું પાનબાઈ
મેલવું અંતરનું અભિમાન રે,
સતગુરુ ચરણમાં શીશ નમાવીને
કર જોડી લાગવું પાય રે .... ભક્તિ રે કરવી એણે

જાતિપણું છોડીને અજાતિ થાવું ને
કાઢવો વર્ણ વિકાર રે,
જાતિ ને ભ્રાંતિ નહીં હરિ કેરા દેશમાં
એવી રીતે રહેવું નિર્માન રે ... ભક્તિ રે કરવી એણે

પારકા અવગુણ કોઈના જુએ નહીં,
એને કહીએ હરિ કેરા દાસ રે,
આશા ને તૃષ્ણા નહીં એકેય જેના ઉરમાં રે
એનો દૃઢ રે કરવો વિશ્વાસ રે ... ભક્તિ રે કરવી એણે

પી લેવો હોય તો રસ પી લેજો પાનબાઈ

પી લેવો હોય તો રસ પી લેજો પાનબાઈ
પિયાલો આવ્યો ભક્તો કાળનો
વખત વીતી ગયા પછી પસ્તાવો થાશે ને
અચાનક ખાશે તમને કાળ રે .... પી લેવો હોય

જાણવી રે હોય તો વસ્તુ જાણી લેજો પાનબાઈ
નહિંતર જમીનમાં વસ્તુ જાશે રે,
નખશીખ ગુરુજીને હૃદયમાં ભરીએ રે
ઠાલવવાનું ઠેકાણું કહેવાશે રે ... પી લેવો હોય

આપ રે મૂવા વિના અંત નહીં આવે ને
ગુરુ જ્ઞાન વિના ગોથાં ખાશે રે,
ખોળામાં બેસાડી તમને વસ્તુ આપું
આપવાપણું તરત જડી જાવે રે .... પી લેવો હોય

સર્વ ઈતિહાસનો સિદ્ધાંત એક છે

સર્વ ઈતિહાસનો સિદ્ધાંત એક છે
સમજવી સદગુરુ કેરી શાન રે,
વિપત્તિ આવે પણ વૃતિ ન ડગાવવી
મેલી દેવું અંતરનું માન રે .... સર્વ ઈતિહાસનો

પ્રખ્યાતિ તો પાનબાઈ એવાની થઈ છે
જેણે શીશને કર્યા કુરબાન રે,
વિપત્તિ તો એના ઉરમાં ન આવે
જેને મહારાજ થયા મહેરબાન રે ... સર્વ ઈતિહાસનો

શીશ તો પડે જેના, ધડ નવ રહે
જેણે સાચો રે માંડ્યો સંગ્રામ રે,
પોતાનું શરીર જેણે વ્હાલું નવ કીધું,
ત્યારે રીઝે આતમરામ રે .... સર્વ ઈતિહાસનો

સાનમાં રે શાન તમને ગુરુજીની કહું પાનબાઈ

સાનમાં રે શાન તમને ગુરુજીની કહું પાનબાઈ
ઉપજે આનંદ કેરા ઓઘ રે,
સિદ્ધ અનુભવ જેના ઉરમાં પ્રગટે
ને મટી જાય માયા કેરો ક્ષોભ રે ... સાનમાં રે

ચૌદ લોકથી વચન છે ન્યારું પાનબાઈ
એની તો કરી લો ઓળખાણ રે,
યથાર્થ બોધ વચનનો સુણો પાનબાઈ
મટી જાય મનની તાણવાણ રે ... સાનમાં રે

વચન થકી ચૌદ લોક રચાણાં ને,
વચન થકી ચંદા ને સૂરજ રે,
વચન થકી રે માયા ને મેદની
વચન થકી વરસે સાચા નૂર રે .... સાનમાં રે

લાભ જ લેવો હોય તો બેસોને એકાંતમાં

લાભ જ લેવો હોય તો બેસોને એકાંતમાં
કૂંચી રે બતાવું અપાર રે,
એ કૂંચીથી બ્રહ્મનાં તાળાં ઉઘડે
ને લાગે ભજનમાં એક તાર રે .... લાભ જ લેવો હોય તો

પ્રથમ મુખ્ય ધારણ રાખો ને
દશાને રાખો ગંભીર રે,
નિયમ બારુ બોલવું નહીં ને
ધારણા રાખવી ધીર રે .... લાભ જ લેવો હોય તો

આહાર તો સર્વ સત્વગુણી કરવો
ને રૂડી પાળવી રીત રે,
ગુરૂજીના વચનને મૂકવું નહીં
ને રાખવી પરિપૂર્ણ પ્રીત રે ... લાભ જ લેવો હોય તો

સરળ ચિત્ત રાખીને નિર્મળ રહેવું

સરળ ચિત્ત રાખીને નિર્મળ રહેવું
ને આણવું નહીં અંતરમાં અભિમાન રે,
પ્રાણી માત્રમાં સમદૃષ્ટિ રાખવી
ને અભ્યાસે જીતવો અપાન રે .... સરળ ચિત્ત રાખી

રજ કર્મથી સદા દૂર રહેવું
ને કાયમ કરવો અભ્યાસ રે,
પાંચેય પ્રાણને એક ઘરે લાવવાં
ને શીખવો વચનનો વિશ્વાસ રે .... સરળ ચિત્ત રાખી

ડાબી ઇંગલા ને જમણી પિંગલા
ને રાખવું સ્વરભેદમાં ધ્યાન રે,
સૂર્યમાં ખાવું ને ચંદ્રમાં જળ પીવું
ને કાયમ રહેવું વ્રતમાન રે .... સરળ ચિત્ત રાખી

અભ્યાસ જાગ્યા પછી બહુ ભમવું નહીં

અભ્યાસ જાગ્યા પછી બહુ ભમવું નહીં
ને ન રહેવું ભેદવાદીની સાથ રે
કાયમ રહેવું એકાંતમાં
ને માથે સદગુરુજીનો હાથ રે ... અભ્યાસ જાગ્યા પછી

તીરથ વ્રત પછી કરવા નહીં
ને ન કરવા સદગુરુના કરમ રે,
એવી રે ખટપટ છોડી દેવી
જ્યારે જણાય માંહ્યલાનો મરમ ... અભ્યાસ જાગ્યા પછી

હરિમય જ્યારે આ જગતને જાણ્યું
ત્યારે પ્રપંચથી રહેવું દુર રે,
મોહ સઘળો પછી છોડી દેવો
ને હરિને ભાળવા ભરપૂર રે ... અભ્યાસ જાગ્યા પછી

પૃષ્ઠો

Subscribe to RSS - ભજન