ભજન

નંદબાવાને માતા જશોદાજી સાંભરે

નંદબાવાને માતા જશોદાજી સાંભરે,
મમતા રે મોટી રે મારી રહી ગઈ ગોકુળમાં. - નંદબાવાનેo

છપ્પન ભોગ અહીં રોજ પીરસાતા (૨)
પણ માખણને રોટી મારી રહી ગઈ ગોકુળમાં. - નંદબાવાનેo

સોનાના થાળ અહીં સોનાના કટોરા, (૨)
પણ રૂડી મારી ત્રાંસડી રહી ગઈ ગોકુળમાં. - નંદબાવાનેo

સિતાર-સારંગીના ગીત અહીં ગુંજતા, (૨)
પણ વાલી મારી વાંસળી રહી ગઈ ગોકુળમાં. - નંદબાવાનેo

તમે ભાંગો મારા દલડાની ભ્રાતા...

તમે ભાંગો મારા દલડાની ભ્રાતા...
તમે ખોલો મારા રૂદિયાના તાળા...
મારા દુખ દારિદ્રય મટી જાતા...
ગણપતિ દાતા મેરે દાતા

મૂળ મહેલમાં વસે ગુણેશા
ગુરુ-ગમસે ગમ પાતા... ગુણપતિ દાતા
રૂમઝુમ રૂમઝુમ નેપુર બાજે
મધુર ચાલ ચલંતા.. ગુણપતિ દાતા

ખીર ખાંડને અમૃત ભોજન...
ગુણપતિ લાડુડા પાતા...
ધૂપ ધ્યાનને કરું આરતી
ગુગળના ધૂપ હોતા..ગુણપતિ દાતા

બહુ કનડે છે કાનો રે માતાજી તારો

બહુ કનડે છે કાનો રે માતાજી તારો !
બહુ કનડે છે કાનો.

સુતેલા છોકરાને જઈને જગાડે, (૨)
ચીટીયા ભરે છાનોમાનો રે માતાજીo

માણસ દેખીને મારી કરે છે મશ્કરી (૨)
નથી હવે કાઈ નાનો રે માતાજીo

મહી માખણ તો ચોરે છીકેથી,(૨)
એવો શું સ્વભાવ છે એનો રે માતાજીo

શું કરીએ માત આવે શરમ તમારી, (૨)
નહીત્તર નથી માણસ કઈ સારો રે માતાજીo

દાસ સવો કહે જરા વારો જશોદા મૈયા,(૨)
એને બોધ ન લાગે બીજાનો રે માતાજીo

પ્રથમ પહેલા સમરીએ સ્વામી તમને સુંઢાળા

પ્રથમ પહેલા સમરીએ સ્વામી તમને સુંઢાળા,
રિદ્ધિસિદ્ધિના દેવ દેવતા, મહેર કરો મહારાજ (૨)

માતારે જેના પાર્વતી સ્વામી તમને સુંઢાળા
પિતા શંકર દેવ દેવતા, મહેર કરો મહારાજ (૨)

ઘી સિંદુરની સેવા ચડે,સ્વામી તમને સુંઢાળા
ગળામાં ફૂલડાની હાર દેવતા, મહેર કરોને મહારાજ (૨)

કાનમાં કુંડળ ઝળહળ સ્વામી તમને સુંઢાળા
ગળામાં મોતીડાની માળ દેવતા મહેર કરોને મહારાજ

પાંચ લાડુ તમને પાય ધરું સ્વામી તમને સુંઢાળા
લડી લડી પાય લાગુ દેવતા મહેર કરોને મહારાજ (૨)

રાવતરણશીની વિનતી સ્વામી તમને સુંઢાળા
ભક્તોને હો જો સહાય દેવતા, મહેર કરો મહારાજ (૨)

આ બંગલાનો બાંધનાર કેવો..

આ બંગલાનો બાંધનાર કેવો..આ બંગલો કોણે બનાવ્યો
લોઢું નથી આમાં લાકડું નથી રે, નથી ખીલા નથી ખીલી ...આ બંગલો...
ઇંટો નથી આમાં ચૂનો નથી રે, નથી સિમેન્ટ નથી રેતી ...આ બંગલો...

આરે બંગલામાં દશ દરવાજા, નવસો નવાણું છે નાડી આ ...
કડિયા કારીગરની કારીગરી કેવી, પાણીની બાંધી હવેલી ...આ બંગલો...
બંગલો બનાવી જીવાભાઇને પધરાવ્યા નથી દેતાં કાંઈ ભાડું ...આ બંગલો...

નટવર શેઠની નોટીસો આવી, અમારાં ચોપડામાં નામું...આ બંગલો ખાલી કરવાનો
ઉઠો જીવાભાઈ જમડા બોલાવે, માલિકની ખૂટી મહેરબાની...આ બંગલો...
બુદ્ધિ શેઠાણી શેઠને સમજાવે, હવે સમજો તો કાંઇક સારું...આ બંગલો...

ગોપાલ મારો પારણિયે ઝુલે રે

ગોપાલ મારો પારણિયે ઝુલે રે
ઝુલાવે ગોકુળની ગોપી રે (2) ગોપાલ મારો……

ગોપાલ તને રમકડું લઇ આલુ,
ગોપલ તને માખણિયું ભાવે રે
ગોપાલ મારો બોલે કાલુ કાલુ રે (૨) ગોપાલ મારો……

ગોપાલ તને ઝાંઝરિયું પહેરાવું
કે નાના નાના ડગલીયો ભરાવું
ગોપાલ તને આંગણિયામાં નચાવું (૨) ગોપાલ મારો……

ગોપાલ તને ચાંદની રાતે રમાડે
કે હાથમાં ઘૂઘરડો રે વગાડું
પરોઢિયે આવીને રે જગાડું (૨)
ગોપાલ મારો……

સંતને સંતપણા રે મનવા નથી મફતમાં મળતા

સંતને સંતપણા રે મનવા નથી મફતમાં મળતા,
નથી મફતમાં મળતા રે એના મૂલ ચૂકવવા પડતાં.
સંતને સંતપણા રે...

ભરી બજારે કોઈ વેચાણા. કોઈ તેલ કડામાં બળતા (૨)
કાયા કાપી કાંટે તોળી કોઈ હેમાળો ગળતા.
સંતને સંતપણા રે...

કરવત મેલી માથા વેર્યાને કાળજા કાપીને ધરતા (૨)
ઝેર પીધાં ને જેલું ભોગવી સાધુડા સુળીએ ચડતા.
સંતને સંતપણા રે...

પ્યારા પુત્રનું મસ્તક ખાંડીને ભોગ સાધુને ધરતા (૨)
ઘરની નારી દાનમાં દેતાં, જેના દિલ જરી નવ ડરતા.
સંતને સંતપણા રે...

ભાવે ભજીલ્યો ભગવાન

તમે ભાવે ભજીલ્યો ભગવાન જીવન થોડું રહ્યું.
કંઈક આત્માનું કરજો કલ્યાણ જીવન થોડું રહ્યું.

એને દીધેલ કોલ તમે ભૂલી ગયા,
જુઠી માયાને મોહમાં ઘેલા થયા.
ચેતો ચેતો શું ભૂલ્યા છો ભાન. જીવન થોડું રહ્યું...

બાળપણને જુવાનીમાં અડધું ગયું.
નથી ભક્તિના મારગમાં ડગલું ભર્યું.
હવે બાકી છે તેમાં દયો ધ્યાન. જીવન થોડું રહ્યું...

પછી ઘડપણમાં શંકર ભજાશે નહિ,
લોભ વૈભવ ને ધનને તજાશે નહિ.
બનો આજથી પ્રભુમાં મસ્તાન. જીવન થોડું રહ્યું...

શિવજીનું ડમરુ ડમ ડમ વાગે

શિવજીનું ડમરુ ડમ ડમ વાગે,
શિવજીના ત્રણ લોક ગાજે,
હો ડમરુ ડમ ડમ વાગેo

કૈલાસમાંથી ભોળાનાથ આવ્યા,
પાર્વતીએ ચોખલે વધાવ્યા કે,
શિવજીનું ડમરુ ડમ ડમ વાગેo

અયોધ્યામાંથી રામ આવ્યા,
સીતાજીએ મોતીડે વધાવ્યા કે,
શિવજીનું ડમરુ ડમ ડમ વાગેo

ગોકુળમાંથી શ્રીકૃષ્ણ આવ્યા,
રાધાજીએ ફૂલડે વધાવ્યા કે,
શિવજીનું ડમરુ ડમ ડમ વાગેo

શિવજીનું ડમરુ ડમ ડમ વાગે,
શિવજીના ત્રણ લોક ગાજે,
હો ડમરુ ડમ ડમ વાગેo

સૌનું કરો કલ્યાણ, દયાળુ પ્રભુ ! સૌનું કરો કલ્યાણ.

સૌનું કરો કલ્યાણ, દયાળુ પ્રભુ ! સૌનું કરો કલ્યાણ.
નરનારી પશુપંખીની સાથે,
જીવજંતુનું તમામ ... દયાળુ પ્રભુ

જગના વાસીઓ સૌ સુખ ભોગવે,
આનંદ આઠે જામ ... દયાળુ પ્રભુ

દુનિયામાં દર્દ-દુકાળ પડે નહિ,
લડે નહિ કોઇ ગામ ... દયાળુ પ્રભુ

સર્વ જગે સુખાકારી વધે ને,
વળી વધે ધનધાન્ય ... દયાળુ પ્રભુ
કોઇ કોઇનું બૂરું ન ઇચ્છે,
સૌનું ઇચ્છે સૌ સમાન ... દયાળુ પ્રભુ
પોતપોતાના ધર્મ પ્રમાણે,
સર્વ ભજે ભગવાન ... દયાળુ પ્રભુ

પૃષ્ઠો

Subscribe to RSS - ભજન