ભજન

જુગતીને તમે જાણી લેજો પાનબાઈ,

જુગતીને તમે જાણી લેજો પાનબાઈ,
મેળવી વચનનો તાર રે,
વચનરૂપી દોરામાં સુરતાને બાંધો
ત્યારે મટી જશે જમના માર રે ... જુગતી

જુગતી જાણ્યા વિના ભક્તિ ન શોભે
ને મર્યાદા લોપાઈ જાય રે,
ધરમ અનાદિનો જુગતીથી ખેલો તો
જુગતીથી અલખ જણાય રે ... જુગતી

જુગતીથી સહેજે ગુરુપદ જડે ને,
જુગતીથી તાર બંધાય રે,
જુગતીથી ત્રણ ગુણ નડે નહીં ને
જુગતી જાણ્યેથી પાર જવાય રે ... જુગતી

જુગતી જાણે તેને રોકે નહીં કોઈ
તે તો હરિ સમ બની જાય રે,
ગંગા સતી એમ બોલિયાં રે પાનબાઈ,
તેને નમે જગનાં નરનાર રે ...જુગતી

- ગંગા સતી

જીવ ને શિવની થઈ એકતા

જીવ ને શિવની થઈ એકતા
ને પછી કહેવું નથી રહ્યું કાંઈ રે,
દ્વાદશ પીધો જેણે પ્રેમથી ને તે
સમાઈ રહ્યો સુનની માંય રે ... જીવ ને.

તમે હરિ હવે ભરપૂર ભાળ્યા
ને વરતો કાયમ ત્રિગુણથી પાર રે,
રમો સદા એના સંગમાં
ને સુરતા લગાડો બાવન બાર રે ... જીવ ને.

મૂળ પ્રકૃતિથી છૂટી ગયા
ને તૂટી ગઈ સઘળી ભ્રાંત રે,
તમારું સ્વરૂપ તમે જોઈ લીધું,
ને જ્યાં વરસો સદા સ્વાંત રે ... જીવ ને.

સદા આનંદ હરિના સ્વરૂપમાં જે
જ્યાં મટી મનની તાણા વાણ રે;
ગંગા રે સતી એમ બોલિયાં રે,
તમે પદ પામ્યા નિર્વાણ રે ... જીવ ને.

- ગંગા સતી

કાળધર્મ ને સ્વભાવને જીતવો,

કાળધર્મ ને સ્વભાવને જીતવો,
રાખવો નહિ અંતરમાં ક્રોધ રે
સમાનપણેથી સર્વેમાં વર્તવું,
ને ટાળી દેવો મનનો વિરોધ રે ... કાળધર્મ.

નિર્મળ થઈને કામને જીતવો,
ને રાખવો અંતરમાં વૈરાગ રે,
જગતના વૈભવને મિથ્યા જાણી,
ને ટાળી દેવો દુબજાનો ડાઘ રે ... કાળધર્મ.

આલોક પરલોકની આશા તજવી,
ને રાખવું અભ્યાસમાં ધ્યાન રે,
તરણા સમાન સહુ સિદ્ધિઓને ગણવી,
ને મેલવું અંતરનું માન રે ... કાળધર્મ.

ગુરુમુખી હોય તેણે એમ જ રહેવું,
ને વર્તવું વચનની માંય રે,
ગંગા સતી એમ બોલિયાં રે,
એને નડે નહિ જગતમાં કાંઈ રે ... કાળધર્મ.

- ગંગા સતી

કળજુગમાં જતિ સતી સંતાશે ને

કળજુગમાં જતિ સતી સંતાશે ને
કરશે એકાંતમાં વાસ રે,
કુડા ને કપટી ગુરુ ને ચેલા
પરસ્પર નહીં વિશ્વાસ રે ... કળજુગમાં

ગુણી ગુરુ ને ચતુર ચેલો પણ
બેયમાં ચાલશે તાણાવાણ રે,
ગુરુના અવગુણ ગોતવા માંડશે ને
ગાદીના ચાલશે ઘમસાણ રે ... કળજુગમાં

ચેલકો બીજા ચેલા પર મોહશે ને
પોતે ગુરુજી થઈને બેસે રે,
ગુરુની દિક્ષા લઈ શિક્ષા ન માને
જ્ઞાન કે ગમ નહીં લેશ રે ... કળજુગમાં

ચેલો ચેલા કરી કંઠીઓ બાંધશે ને
બોધમાં કરશે બકવાદ રે,
પેટને પોષવા ભીખીને ખાશે ને
પુરુષાર્થમાં પરમાદ રે ... કળજુગમાં

એકાગ્ર ચિત્ત કરી સાંભળો રે પાનબાઈ,

એકાગ્ર ચિત્ત કરી સાંભળો રે પાનબાઈ,
મોટો કહું છું ઇતિહાસ રે,
એ ઇતિહાસ સાંભળશો ત્યારે
પ્રગટશે પૂર્ણ વિશ્વાસ રે ... એકાગ્ર

મનવાણીથી પરની વૃત્તિ જેણે,
મોહજીત એવું એનું નામ રે,
ભજન કરે આઠે પ્હોર હરિનું,
લે છે નિરંતર નામ રે ... એકાગ્ર

વેદ કરે છે જેનાં વખાણ ને
જે ખોજ્યો ન આવે હાથ રે,
બેહદની જેણે ભક્તિ કીધી રે,
એ રમી રહ્યો તેની સાથ રે ... એકાગ્ર

મળવિક્ષેપ જેના મટી ગયા રે,
ટળી ગયા દૂબજાના ડાઘ રે,
ગંગા સતી એમ બોલિયા રે પાનબાઈ,
એવાને પ્રકટે વૈરાગ્ય રે ... એકાગ્ર

- ગંગા સતી

ઊલટ સમાવ્યો સૂલટમાં

ઊલટ સમાવ્યો સૂલટમાં
ને સૂરતા ગઈ સૂન માંય રે,
ભાળી સ્વામીની ભોમકા
ને હરિ જોયા અખંડ સુન માંય રે ... ઉલટ.

આવરણ મટી ગયા
ને હવે થયો છે આનંદ રે,
બ્રહ્મ ભાળ્યા એક તારમાં
ને તૂટ્યો પ્રપંચનો ફંદ રે ... ઉલટ.

અવિનાશી મેં અખંડ જોયા
ને જ્યાં નામ રૂપનો નાશ રે,
સચ્ચિદાનંદ પુરણ સદા સ્વામી
ને તેને જોઈ લ્યો ઉલ્લાસ રે ... ઉલટ.

અવાચ પદ અખંડ અનામી
ને તેને જોઈ થયો ઉલ્લાસ રે,
ગંગા રે સતી પ્રતાપે પાનબાઈ બોલ્યાં
ને કીધો મુળ અવિદ્યાનો નાશ રે ... ઉલટ.

આદિ અનાદિ છે વચન પરિપૂર્ણ

આદિ અનાદિ છે વચન પરિપૂર્ણ
વચનથી અધિક નહીં કાંઈ રે,
વચન જાણ્યા થકી શુદ્ધ પ્રેમ જાગે
ને સુરતા નિર્ગુણમાં સમાય રે ... આદિ અનાદિ

કર્મકાંડ એને નડે નહીં
જેને આવ્યો વચનનો વિશ્વાસ રે,
પગલું ભરે પણ વચન તપાસે ને
થઈ રહે ગુરુજીના દાસ રે ... આદિ અનાદિ

જનક વિદેહી ભૂલી ગયો ને
દીધો જેણે પેઘડે પાવ રે,
એક વરસ તેમાં રહ્યો પોતે
પછી બદલ્યો વચનનો ભાવ રે ... આદિ અનાદિ

દેહ છતાં તેને વિદેહી કીધો,
એ વચન તણો પ્રતાપ રે,
ગંગાસતી એમ બોલિયાં પાનબાઈ,
જેને નહીં ત્રિવિધનો તાપ રે ... આદિ અનાદિ

- ગંગા સતી

અંત:કરણથી પૂજાવાની આશા રાખે

અંત:કરણથી પૂજાવાની આશા રાખે
ને એને કેમ લાગે હરિનો સંગ રે,
શિષ્ય કરવા નહિ એવા જેને
પૂરો ચડ્યો ન હોય રંગ રે ... અંતઃકરણથી.

અંતર નથી જેનું ઉજળું,
ને જેને મોટાપણું મનમાંય રે,
તેને બોધ નવ દીજીએ
ને જેની વૃત્તિ હોય આંયને ત્યાંય રે ... અંતઃકરણથી.

શઠ નવ સમજે સાનમાં
ને ભલે કોટિ ઉપાય કરે,
સંકલ્પ વિકલ્પ જેને વધતા જાય
ને એવાની અંતે ફજેતી થાય રે ... અંતઃકરણથી.

એવાને ઉપદેશ કદી નવ દેવો
ને ઊલટી ઉપાધિ વધતી જાય રે,
ગંગા રે સતી એમ બોલિયાં રે,
એવાનો કરવો નહિ ઈતબાર રે ... અંતઃકરણથી.

- ગંગા સતી

હું રોઈ રોઈ અખિયાં રાતી કરું,

હું રોઈ રોઈ અખિયાં રાતી કરું,
રાતી કરું, ગીત ગાતી ફરું ... હું રોઈ રોઈ.

અન્ય કોઈ મારી નજરે ન આવે,
વર તો એક ગિરિધારી વરું ... હું રોઈ રોઈ.

સેવા ને સ્મરણ એનું જ નિશદિન,
હૃદયકમળમાં ધ્યાન ધરું ... હું રોઈ રોઈ.

મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર,
ગંગા-જમનામાં ન્હાતી ફરું ... હું રોઈ રોઈ.

- મીરાંબાઈ

હું તો પરણી પ્રીતમની સંગાથ, વહાલમજી.

હું તો પરણી પ્રીતમની સંગાથ, વહાલમજી.
બીજાનાં મીંઢળ નહીં રે બાંધુ ... હું તો પરણી.

ચાર ચાર જુગની ચોતરીઓ ચિતરાવી રે વહાલમજી,
હું તો મંગળ વરતી છું બે ને ચાર ... બીજાનાં મીંઢળ.

રાજસી ભોજન જમવાં નથી રે, વહાલમજી,
અમે પ્રેમના ટુકડા માગી ખાશું રે ... બીજાનાં મીંઢળ.

મોતીની માળા કામ ન આવે રે વહાલમજી,
અમે તુલસીની માળા પહેરી રહીશું રે ... બીજાનાં મીંઢળ.

હીર તણાં ચીર કામ ન આવે રે વહાલમજી,
અમે ભગવા પહેરીને નિત્ય ફરશું રે ... બીજાનાં મીંઢળ.

પૃષ્ઠો

Subscribe to RSS - ભજન